Top News

More Posts

   The Latest

Most Popular

આપણી પાસે રાજય કક્ષાએ સાહિત્યના સર્જન તથા સંવર્ધન માટે કામ કરતી બે મુખ્ય સંસ્થાઓ છે. સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ. આ સંસ્થાઓનું કામ ગુજરાતી સાહિત્યના સર્જન – સંવર્ધનનું છે જ! પણ શું ‘સાહિત્ય’ની એક સંકુલ વ્યાખ્યામાંથી બહાર આવીને શિક્ષણને ઉપયોગી, સમાજઘડતરને ઉપયોગી સાહિત્ય ઉપર તે ધ્યાન આપી શકે! આમ તો પરિષદ અને અકાદમી બન્ને સાહિત્ય અને કળાના શિક્ષણને મદદરૂપ કેટલીક આનુસંગિક પ્રવૃત્તિઓ કરે જ છે. જેમ કે પરિષદ જુદી જુદી વ્યાખ્યાનમાળાઓનું આયોજન કરે છે જે કોલેજ કે યુનિવર્સિટી કક્ષાએ યોજાય છે.

વિદ્વાન વકતાઓનો લાભ વિદ્યાર્થીઓને મળે છે. આવી જ રીતે અકાદમી પણ વ્યાખ્યાન, તાલીમ શિબિર, વાચન શિબિર એવું કરે છે. પણ આપણે આ સંસ્થાઓની શિક્ષણ માટેની નિસ્બતનો વિચાર કરવાની જરૂર છે. સાહિત્ય એટલે માત્ર ભાષા અને તેને સંબંધિત સંવેદન, કલ્પનમાંથી પ્રગટ થતું સર્જન એવું ન વિચારતા સમાજશાસ્ત્રો, વિજ્ઞાનો માટે થતું સર્જન પણ સાહિત્યમાં ગણીએ અને ખાસ તો શાળાકીય શિક્ષણ માટે સંદર્ભ સાહિત્ય તૈયાર કરીએ તો ગુજરાતના વિદ્યાર્થીઓને મદદ મળે.

આમ તો શૈક્ષણિક પાઠયક્રમ માટે શાળા પાઠયપુસ્તક મંડળ અને કોલેજ – યુનિવર્સિટી માટે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ પુસ્તકો બહાર પાડે છે. પણ આપણે વિદ્વાનોની વ્યાખ્યાથી લખાયેલા નિશ્ચિત અભ્યાસક્રમનાં પુસ્તકોની વાત નથી કરતા. આપણે ખરા અર્થમાં સાહિત્ય જ રહે છતાં તે વિજ્ઞાન કે સમાજશાસ્ત્રની વાત સમજાવે તેવાં પુસ્તકોની વાત કરીએ છીએ. જે રસાળ શૈલીમાં, સરળ ઉદાહરણો અને બોલચાલની ભાષામાં લખાયાં હોય! જેમ કે વિજ્ઞાનના મૂળભૂત સિધ્ધાંતો માટે પુસ્તકશ્રેણી પ્રકાશિત કરી શકાય જેમાં પ્રકાશનો નિયમ, ગતિનો નિયમ, ખગોળ પરિચય. વાત વિજ્ઞાનની હોય, તથ્યો આધારિત હોય, પણ વાર્તા સ્વરૂપમાં હોય, કાવ્ય પંકિતઓના ઉપયોગથી પણ સમજાવાઇ હોય, સમજો ને કે માધ્યમિક શાળાના બાળકને કે શાળા શિક્ષણમાં નથી તેવા સામાન્ય નાગરિકને વાંચવા ગમે તેવા વૈજ્ઞાનિક અભિગમથી લખાયેલાં પુસ્તકો પ્રકાશિત કરી શકાય?

આજકાલ કોઇ પણ પુસ્તકમેળામાં જાવ તો ધાર્મિક સંપ્રદાયોના ચિંતન અને અધ્યાત્મને લગતાં  પુસ્તકોના ઢગલા હોય છે અને તે પણ જે તે વ્યકિતએ આપેલા પ્રવચનોના. આવા પુસ્તક મેળામાં સાહિત્ય, વિજ્ઞાન, સમાજશાસ્ત્રને લગતાં સરળ સમજૂતિનાં પુસ્તકો મળતાં નથી. નવી પેઢીમાં આમ પણ વાચન ઓછું થવાની ફરિયાદ છે. આપણાી આ સાહિત્ય સંસ્થાનો ઉપયોગ પુસ્તકમેળા, પુસ્તકપ્રદર્શન, શાળા-કોલેજ કક્ષાએ કરી શકે!

હમણાં કોરોનાના કારણે આપોઆપ ઓનલાઇન શિક્ષણ તરફ સૌએ વળવું પડયું. અકાદમી અને પરિષદ પાસે માહિતીખાતાના ઉપયોગથી બનેલી સાહિત્યકારોની પરિચયશ્રેણીના વીડિયો છે. હવે એક મોટો વર્ગ સાહિત્યનો ડિઝીટલ વાચક છે. ગોવર્ધનરામથી માંડીને નવા સર્જકો સુધીના સર્જનો ડિઝીટલાઇઝ થઇ રહ્યા છે. લખાણ સાથે ગાન તથા વીડિયો મુકાવા લાગ્યા છે. સરકાર અને આ સાહિત્ય સંસ્થાઓએ સાથે મળીને એક સ્વતંત્ર ડિઝીટલ યુનિટ વિકસાવવાની જરૂર છે. આપણે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્રના રોચક કિસ્સા, સાહિત્યકારોની જેમ વૈજ્ઞાનિકો, સમાજસુધારકોની પુસ્તિકાઓ બહાર પાડી શકીએ. મુંબઇની પરિચય પુસ્તક ટ્રસ્ટની પુસ્તિકાઓ કે સાધના પ્રકાશનની બાળ સાહિત્ય શ્રેણીની ઉપયોગિતા જેને સમજાઇ છે તેણે આ પ્રયોગને વ્યાપક બનાવવાની જરૂર છે.

બજારમાં આપણા ગુજરાત વિષે પુસ્તક ઉપલબ્ધ છે. પણ ખૂબ મોંઘું છે. સામાન્ય નાગરિક તે ખરીદવાનો નથી. આપણી સાહિત્યસંસ્થાઓ ગુજરાતની રંગભૂમિ, ગુજરાતી ફિલ્મ, ગુજરાતી સંગીત, ગુજરાતમાં ચિત્રકળા, ગુજરાતના વૈજ્ઞાનિકો, ગુજરાતના સમાજસુધારકો, ગુજરાતનાં ઐતિહાસિક સ્થળો એવાં સહાયક પુસ્તકો, સરળ, સસ્તાં અને સહજપ્રાપ્ત બનાવીને ગુજરાતી શિક્ષણ માટેની જરૂરિયાત સંતોષી શકે! રાજય સરકારે પણ સરકારી રાહે સરકારના નિયંત્રણથી છપાતાં પુસ્તકો પર આધાર રાખવાના બદલે ઉદાર નાણાંકીય સહાય દ્વારા આ સાહિત્ય સંસ્થાઓ પાસે શિક્ષણ સંબંધિત સાહિત્યનું સર્જન કરાવવામાં મદદ કરવી જોઇએ.

ખાસ તો યુનિવર્સિટીઓમાં જયારે કોઇ સાહિત્યકારની નવલકથા કે સંપાદિત કાવ્યો અભ્યાસક્રમમાં પસંદગી પામે ત્યારે તેનું મોટા પાયે ઉત્પાદન ખાનગી પ્રકાશકો કરે તેના બદલે અકાદમી કે પરિષદ કરે તો તે વધુ આધારભૂત તથા સંસ્થાઓને મદદરૂપ થનારું થશે! ટૂંકમાં ‘સાહિત્ય’ શબ્દની સમજ વિશાળ છે. તે ‘ચોકકસ લેખકોના’ ચોકકસ ‘સાહિત્ય પ્રકારો’માંથી બહાર આવે અને વિજ્ઞાનનું સાહિત્ય, સમાજશાસ્ત્રનું સાહિત્ય એમ સાહિત્યના વિશ્વરૂપ દર્શનને પામે એ દિશામાં વ્યાપક તકો છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top