Top News

More Posts

   The Latest

Most Popular

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કેબિનેટની રચના પહેલાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મોટા ફેરફારો થયાં છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કામ કરતાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારની બ્યુરોક્રેસીમાં ફેરફાર પહેલાં આ બદલીઓએ સચિવાલયમાં ચર્ચા જગાવી છે. આખી સીએમ ઓફિસમાં ધરખમ ફેરફાર આવી ગયા છે.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે કામ કરતાં એમ. કે. દાસની જગ્યાએ નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા પંકજ જોષી (1989 બેચ) ને મૂકવામાં આવ્યા છે, જ્યારે મુખ્યમંત્રીના સચિવ તરીકે કાર્યરત અશ્વિનીકુમારના સ્થાને અવંતિકા સિંઘ (2003 બેચ)ની નિયુક્તિ કરવામાં આવી છે. અવંતિકા સિંઘ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં વાઇસ ચેરમેન અને સીઇઓ તરીકે ફરજ બજાવતાં હતાં. બીજી તરફ સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી પદે કે. કૈલાશનાથન (કે.કે) યથાવત રહેશે, તેમનો ઓર્ડર થઈ ગયો છે. કે. કે. આમ તો પીએમ નરેન્દ્ર મોદીની નજીકમાં મનાય છે.

આ ઉપરાંત મુખ્યમંત્રીના કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ફરજ બજાવતા ડી.એચ. શાહની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા એન એન દવેને મૂકવામાં આવ્યા છે જેઓ મુખ્યમંત્રને મળવા આવનારા મુલાકાતીઓનો પોર્ટફોલિયો સંભાળશે, જે અગાઉ ડી.એચ. શાહ સંભાળતા હતાં.

મુખ્યમંત્રી કાર્યાલયના બીજા ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ફરજ બજાવતા કલમ શાહની જગ્યાએ ભરૂચ જિલ્લાના કલેક્ટર એમડી મોડિયાની નિયુક્તિ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના કાર્યાલયમાં આ ઉપરાંત બીજા અધિકારી તેમજ કર્મચારીઓની બદલી તોળાઇ રહી છે.

સ્વર્ણિમ સંકુલમાં આ ફેરફારોના કારણે સચિવાલયમાં એવી અટકળો તેજ બની છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યની બ્યુરોક્રેસીમાં પણ મોટાપાયે બદલાવ કરશે .જેમાં સચિવાલયના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, મ્યુસિનિપલ કોર્પોરેશનના કમિશનર, બોર્ડ-કોર્પોરેશનના એમડી તેમજ જિલ્લા કલેક્ટરોનો પણ સમાવેશ થાય છે.ખાસ કરીને ગૃહ વિભાગ , મહેસુલ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવો પણ બદલાશે .

સચિવાલયમાં એવી ચર્ચા શરૂ થઇ છે કે પંકજ જોષી અને અવતિકા સિંઘ કાબેલ અને પ્રામાણિક ઓફિસરની છાપ ધરાવે છે તેથી તેમની નિયુક્તિ કરવામાં આવી છે. સરકારમાં મહત્વની જગ્યાઓ પર બ્યુરોક્રેસીમાં આ બદલાવ એ ભ્રષ્ટાચારને નિયંત્રિત કરવાનો પ્રયાસ હોઇ શકે છે.સરકારના સામાન્ય વહીવટ વિભાગે કરેલા આદેશ પ્રમાણે પંકજ જોશી અને અવન્તિકાને સીએમઓ ઉપરાંત તેમના મૂળ વિભાગોનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે, જ્યારે નર્મદા જિલ્લા કલેક્ટરનો વધારાનો હવાલો ડીડીઓ યોગેશ ચૌધરીને આપવામાં આવ્યો છે.

To Top