Sports

મેજીકલ મેસીના ક્લબ છોડતા જ બાર્સિલોનાનું મનોબળ તૂટ્યું: બાયર્ન મ્યુનિચે 3-0થી હરાવ્યું

બાર્સીલોના : લિયોનલ મેસી (Leonel messi) એ બાર્સિલોના ક્લબ (FCB) છોડ્યા પછીની ચેમ્પિયન્સ લીગ (champion league)ની પોતાની પહેલી જ મેચમાં બાર્સિલોનાએ પરાજય વેઠવાનો વારો આવ્યો છે અને બાયર્ન મ્યુનિચે (Bayern Munich) તેને 3-0થી કારમો પરાજય આપીને વિજયી પ્રારંભ કર્યો હતો.

થોમસ મ્યૂલર (Thomas muler) અને રોબર્ટ લેવાંડોવસ્કી (Robert levandovski)ના બે ગોલની મદદથી બાયર્ન મ્યુનિચે બાર્સીલોનાને 3-0થી હરાવ્યું હતું. મેચમાં મ્યુલરે 34મી મિનીટમાં પહેલો ગોલ કરીને બાયર્નને 1-0ની સરસાઇ પર મુકી દીધું હતું, આ તેનો બાર્સીલોના ક્લબ સામે સાતમો ગોલ રહ્યો હતો. લેવાંડોવસ્કીએ તે પછી 65મી અને 85મી મિનીટમાં એમ બે ગોલ કરીને ટીમને 3-0ની સરસાઇ પર મુકી દીધી હતી અને એ સ્કોર પર જ મેચ પુરી થઇ હતી. લેવાંડોવસ્કીના બંને ગોલ પહેલા પ્રયાસમાં ફેલ રહ્યા હતા અને રિબાઉન્ડ થઇને આવેલા બોલને તેણે ફરી ગોલ પોસ્ટમાં ધકેલીને ગોલ કર્યો હતો.

રોનાલ્ડોની માન્ચેસ્ટર યુનાઇટેડને હરાવી સ્વિટ્ઝરલેન્ડની યંગ બોય્ઝ ટીમે પોતાનું અભિયાન આરંભ્યું

પેરિસ : ચેમ્પિયન્સ લીગની પહેલી જ મેચમાં સ્વિટ્ઝરલેન્ડની યંગ બોય્ઝ (young boys) ટીમે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (Ronaldo), જેડન સાંચો, પોલ પોગ્બા સહિતના સ્ટાર ખેલાડીઓની હાજરીવાળી માન્ચેસ્ટર યુનાઇટેડને 2-1થી હરાવીને વિજય સાથે પોતાનું અભિયાન આરંભ્યું હતું. યંગ બોય્ઝ ટીમ વતી મેચની અંતિમ પળોમાં જોર્ડન સીબાચેઉએ ગોલ કરીને મેચની બાજી પલટાવી દીધી હતી. આ સાથે જ 12 વર્ષ પછી પોતાની જૂની ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે જોડાયેલા રોનાલ્ડોએ ગોલ તો કર્યો હતો પણ તે પોતાની ટીમને જીતાડી શક્યો નહોતો. યંગ બોય્ઝના ઘર બર્નમાં રમાયેલી મેચમાં માન્ચેસ્ટર યુનાઇટેડ વતી મેદાનમાં ઉતરેલા રોનાલ્ડોએ મેચની 13મી મિનીટમાં જ બોક્સની બહારથી બ્રુનો ફર્નાન્ડીઝે આપેલા લાંબા અંતરના પાસને ગોલમાં ફેરવીને માન્ચેસ્ટર યુનાઇટેડને સરસાઇ અપાવી દીધી હતી. આ દોસલ રોનાલ્ડોની કેરિયરનો ચેમ્પિયન્સ લીગમાં 135મો ગોલ રહ્યો હતો.

તે પછી 35મી મિનીટમાં આરોન બિસાકાએ યંગ બોય્ઝના ક્રિસ્ટોફર માર્ટિસ પરેરાનો પગ દબાવી દેતા તેને રેડ કાર્ડ બતાવાયો હતો અને તેના કારણે બીજા હાફમાં પણ માન્ચેસ્ટર યુનાઇટેડે 10 ખેલાડીઓ સાથે ઉતરવું પડ્યું હતું. તે પછી યંગ બોય્ઝ આક્રમક બની હતી અને 66મી મિનીટમાં એન્ગામલેયુએ ગોલ કરીને સ્કોર બરાબરી પર મુક્યો હતો અને અંતિમ સમયે 90 પ્લસ પાંચ મિનીટે સીબાચેઉએ ગોલ કરીને પોતાની ટીમને જીતાડી હતી.

Most Popular

To Top