Entertainment

અભિનેતા સોનુ સૂદની કંપની પર IT ની રેઈડ, 6 ઠેકાણે ચાલી રહી છે તપાસ

કોરોના મહામારીમાં વતનથી દૂર મુંબઈમાં અટવાઈ પડેલાં લાખો-હજારો શ્રમિકો-મજદૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ ઈન્કમટેક્સના સપાટામાં સપડાયો છે. આજે મુંબઈ ઈન્કમટેક્સ દ્વારા સોનુ સૂદના મુંબઈ ખાતે આવેલી કંપનીની ઓફિસમાં સરવે ઓપેરશન શરૂ કરવામાં આવ્યું છે. IT ના અધિકારીઓનો કાફલો સોનુ સૂદની કંપનીના 6 ઠેકાણા પર તપાસ કરી રહી હોવાની વિગતો સાંપડી છે.


પંદર દિવસ અગાઉ અભિનેતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યો હતો. ત્યાર બાદથી સોનુની પ્રોપર્ટીની એકાઉન્ટ બુકમાં ગેરરીતિઓ હોવાના આરોપો ઉઠ્યા હતા. આ આરોપા બાદ પ્રોપર્ટીની ગેરરીતિ ઝડપવાના હેતુથી INCOME TAX ડિપાર્ટમેન્ટ દ્વારા સરવે ઓપરેશન હાથ ધરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા બાદ સોનુ સૂદને દિલ્હી સરકારના એક કાર્યક્રમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. ત્યાર બાદ જ IT ની તપાસના પગલે કેન્દ્ર સરકાર સામે આંગળીઓ ચિંધાઈ રહી છે.

અભિનેતા સોનુ સૂદે ગઈ 27 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળા દિલ્હીના ડેપ્યુટી સીએમ તથા એજ્યુકેશન મિનિસ્ટર મનીષ સિસોદીયા પણ હાજર રહ્યાં હતાં. આ મુલાકાત બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સોનુ સૂદની સાથે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં બાળકો માટે દેશમાં મેન્ટર કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ મેન્ટર કાર્યક્રમનો બ્રાન્ડ-એમ્બેસેડર સોનુ સૂદ હોવાની જાહેરાત કરાઈ હતી. કેજરીવાલે કહ્યું હતું કે સોનુ સૂદ આજે પૂરા દેશ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. સરકારો જે નથી કરી શકતી એ સોનુ સૂદ કરી રહ્યો છે. સોનુ સૂદ બધાની મદદ કરે છે. ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવેલાં બાળકો ઘણુંબધું કરવા માગે છે, પરંતુ તેમને ગાઇડ કરનારું કોઈ નથી. ​​​​​​

તેમણે વધુમાં કહ્યું હતું કે આવાં બાળકો માટે આપણે દેશમાં મેન્ટર કાર્યક્રમ શરૂ કરીશું. સોનુ સૂદ આ કાર્યક્રમ માટે બ્રાન્ડ-એમ્બેસેડર બનવા માટે તૈયાર થયો છે. સોનુ સૂદે દિલ્હીના એજ્યુકેશન મોડલનાં વખાણ કર્યાં હતાં. સૂદે કહ્યું હતું કે તમે બાળકોને સારું શિક્ષણ તો આપી દેશો, પરંતુ તેમને યોગ્ય દિશા આપનારું પણ જોઈએ. આ બાળકોને ગાઇડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. વધુમાં સોનુએ કહ્યું હતું, અન્ય લોકોએ પણ બાળકોના મેન્ટર બનવા માટે આગળ આવવું જોઈએ.

કોરોનાની પહેલી લહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મહિના લાંબુ લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારે મુંબઈ-દિલ્હી-સુરત સહિત દેશના મોટા ઔદ્યોગિક શહેરોમાં લાખોની સંખ્યામાં મજદૂરો અટવાઈ પડ્યા હતા. રોજગારી નહીં મળવાના લીધે આ મજૂદરો ભૂખથી ટળવળી રહ્યાં હતાં. આખરે મજૂરોની હિંમત ભાંગી જતા હજારો કિલોમીટર દૂરથી પરિવાર સાથે પગપાળાં જ વતન તરફ દોટ મૂકી હતી, જેના પગલે દેશમાં ઠેરઠેર હાઈવે પર કરૂણાજનક દ્રશ્યો જોવા મળ્યા હતાં.

નાના માસૂમ બાળકો ચપ્પલ વગર ડામરના ગરમ રસ્તા પર ચાલતા જોવા મળ્યા હતા. કેટલાંક શ્રવણ સમાન પુત્રો પોતાના વૃદ્ધ માતા-પિતાને સાઈકલ પર લઈને જતાં હોઈ તેવા હદ્રયદ્રાવક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આવા સમયે અભિનેતા સોનુ સૂદે ગરીબ શ્રમિકોની મદદ માટે હેલ્પલાઈન નંબર શરૂ કર્યો હતો. મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા બસો દોડાવી હતી. કેટલાંક શ્રમિકોને પ્લેનમાં પણ તેમના વતન સુધી પહોંચાડ્યા હતા. કોરોના બાદ પણ સોનુ સૂદ અને તેમની ટીમ દ્વારા સેવાનું ભગીરથ કાર્ય સતત ચલાવવામાં આવી રહ્યું હતું.

Most Popular

To Top