SURAT

સુરત મેટ્રો માટે મહિધરપુરા પોલીસ સ્ટેશન અને ચોકબજાર એસબીઆઇ ખસેડાશે

સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેકટ એવા 12 હજાર કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેકટ માટે આનુસાંગિક ગતિવિધીઓએ ભારે વેગ પકડયો છે. સરથાણાથી ડ્રીમ સીટીના પ્રથમ ફેઇઝ પૈકી કારદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના એલિવેટેડ રૂટનું નિર્માણ (Route Construction) ટૂંક સમયમાં શરૂ થવાનું છે. ત્યારે આ પ્રોજેકટના રૂટમાં આવતી મિલકતો અને ધર્મિક સ્થાનોના સ્થળાંતર મુદ્દે પણ ફટાફટ નિર્ણયો લેવાઇ રહ્યા છે.

  • આજે મેટ્રો રેલ કોર્પો.ની મીટિંગ, જમીન, મિલકતો અને ટ્રાન્સમિશન લાઇનો, રૂટમાં આવતા ધાર્મિક સ્થાનોનું સ્થળાંતર કરાશે
  • મીટિંગમાં ટ્રાફિક ડાયવર્ઝન માટે પણ ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે
  • અંડર ગ્રાઉન્ડ સ્ટેશન માટે વરાછા રોડ પર વેર હાઉસ બનશે
  • લંબેહનુમાન રોડ પર વસંત ભીખાની વાડી પાસે, રાજમાર્ગ પર મોચીની ચાલ પાસે એન્ટ્રી-એકઝિટ ગેટ બનશે

ચોક બજાર ખાતે ઐતિહાસિક ગણાતી એસબીઆઇ બેંકનું સ્થળાંતર અંડરગ્રાઇન્ડ સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ માટે કરવું પડે તેમ છે. તેવી જ સ્થિતિ રાજમાર્ગ પર મહિધરપુરા પોલીસ સ્ટેશનની પણ હોય, આ બંનેના સ્થળાંતર માટે જમીન અને નિર્માણનો ખર્ચ મેટ્રો રેલ કોર્પોરેશન ઉઠાવશે તેવો નિર્ણય લેવાઇ ચૂકયો છે. આવતીકાલે બુધવારે મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓની મીટિંગ છે. જેમાં મેટ્રો રેલના સરથાણાથી કાદરશાની નાળ સુધીના રૂટ પૈકી અંડર ગ્રાઉન્ડ છ કિ.મી. રૂટમાં લંબે હનુમાન મંદિરને પણ ખસેડવું પડે તેવી સ્થિતી હોય રૂટમાં આવતી મિલકતો અને ટ્રાન્સમિશન લાઇનોના સ્થળાંતર અંગે ચર્ચા કરાશે.

આ ઉપરાંત પ્રોજકટના નિર્માણ દરમિયાન લોકોને અડચણ ના પડે તે માટે ટ્રાફિક ડાઈવર્ઝન પ્લાન બનાવવા ટ્રાફિક પોલીસ તથા મહાનગર પાલિકા સાથે સંકલનથી કરવામાં આવશે. જે અંગે પણ આ મીટિંગમાં ચર્ચા કરાશે. આ ઉપરાંત વરાછા રોડ પર સેન્ટ્રલ વેર હાઉસ ખાતે અને લંબેહનુમાન રોડ પર વસંતભીખાની વાડી પાસે, જ્યારે રાજમાર્ગ પર મસ્કતિ હોસ્પિટલ નજીક મોચીના ચાલ વાળી જમીનની અંડર ગ્રાઉન્ડ સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ માટે જગ્યાની જરૂર હોય તે અંગે પણ મનપા અને જીએમઆરસી વચ્ચે ચર્ચા થશે. આ તમામ જમીનોના રેકર્ડની માંગણી જીએમઆરસી દ્વારા કરવામાં આવી છે.

મહિધરપુરા પોલીસ સ્ટેશન કામચલાઉ ધોરણે સીનેમા રોડ પર ખસેડાશે
મેટ્રો રેલ માટે જરૂરી જમીન મેળવવા અંગે મનપા સાથેની વાટાઘાટો જોરમાં ચાલી રહી છે. ત્યારે મેટ્રો સ્ટેશનના નિર્માણ માટે કામચલાઉ ધોરણે મહિધરપુરા પોલીસ સ્ટેશનની જમીનની જરૂર પડવાની હોય, આ સ્ટેશન ફરીથી ના બને ત્યાં સુધી સીનેમા રોડ નજીક મનપાના દબાણ ડેપોવાળી જમીન પોલીસ સ્ટેશન માટે આપવા અંગે વિચારણા ચાલી રહી છે. પ્રોજેકટ પુર્ણ થતા જીએમઆરસીના ખર્ચે જૂના સ્થળે જ મહિધરપુરા પોલીસ સ્ટેશનનું બાંધકામ કરી આપવામાં આવશે.

Most Popular

To Top