Dakshin Gujarat Main

શેરુલાના જંગલમાંથી વાંસ કાપી ઘરે પરત આવતા કોટવાડિયાઓ પર વન વિભાગનો હુમલો, એકનું માથુ ફૂટ્યું

વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાના તાપ્તી રેંજમાં શેરુલાનાં જંગલમાંથી (Forest) વાંસ કાપીને ઘરે પરત આવી રહેલ કોટવાડિયાઓ પર વન વિભાગે હુમલો કરતાં એકનું માથું ફૂટી જતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. આ હુમલાનો ભોગ બનનાર કોટવાડિયાએ ઉકાઇ પોલીસ (Ukai Police) મથકે હુમલો કરનાર વન કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ આપી હતી. પણ રવિવારે બનેલી આ ઘટના સંદર્ભે હજુ સુધી કોઇ ગુનો નોંધાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલાં સોનગઢ તાલુકામાં જ ખેરવાડા રેંજમાં પણ વન વિભાગે એક ગરીબ આદિવાસી પર હુમલો કર્યો હતો. જેમાં તેનું પણ માથું ફૂટી ગયું હતું. પોલીસ ફરિયાદ કરવા છતાં હુમલાખોરો સામે કોઇ પગલાં ભરાયાં ન હતાં.

  • ફાયરિંગની ધમકી આપતાં કોટવાડિયા સમાજ વિફર્યો, 100થી વધુ કોટવાડિયા ફરિયાદ કરવા ઉકાઇ પોલીસમથકે દોડી આવ્યા, પણ કોઈ પોલીસ કાર્યવાહી ન થઈ
  • હુમલાનો ભોગ બનનારી વ્યક્તિની પત્નીએ પણ આક્રોશ ઠાલવ્યો, ન્યાય માટે તંત્ર સમક્ષ માંગણી કરી, પણ કાર્યવાહીના નામે તંત્રે નન્નો જ ભણ્યો
સાંકેતિક ફોટો

જંગલ પેદાશ પર આર્થિક જીવન જીવતા કોટવાડિયા સમાજના 10થી 12 લોકોને શેરુલાના જંગલમાં રવિવારે તાપ્તી રેંજનાં જંગલખાતાના મહિલા અધિકારી અને કર્મચારીઓએ અટકાવી તેઓએ કાપેલા વાંસ ઝૂંટવી તેના ટુકડે- ટુકડા કરી નાંખ્યા હતા. બંને વચ્ચે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. જેમાં ફાયરિંગ કરવાની ધમકી આપી એક વ્યક્તિનું માથું ફોડી નાંખતાં કોટવાડિયા સમાજ વિફર્યું હતું. આશરે 100થી વધુ કોટવાડિયા આ વન અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા ઉકાઇ પોલીસમથકે દોડી ગયા હતા. ફરિયાદ આપી પણ કોઇ પોલીસ કાર્યવાહી થઇ ન હતી. હુમલાનો ભોગ બનનાર વ્યક્તિની પત્નીએ પણ આક્રોશ ઠાલવી ન્યાય માટે તંત્ર સમક્ષ માંગણી કરી હતી.
કોટવાડિયા સમાજના લોકો જંગલમાંથી વાંસ લાવી તેમાંથી પાલવ-ટોપલા બનાવી વર્ષોથી પોતાનું જીવનનિર્વાહ કરતા આવ્યા છે. કોટવાડિયા સમાજના આ લોકો જંગલમાંથી બહાર આવી રહ્યા હતા. ત્યારે જંગલ ખાતાના મહિલા અધિકારી અને અન્ય કર્મચારીઓ તેમને અટકાવી તેમની કુહાડી પડાવી લીધી હતી, ત્યારે આ પૈકીનો એક કોટવાડીયા ત્યાંથી ભાગવા જતાં જંગલખાતાનાં કર્મચારીએ તેને છૂટ્ટો પથ્થર માર્યો હતો. જેમાં માથું ફૂટતાં કોટવાડિયા સમાજનું રોષે ભરાયેલું ટોળું પોલીસ સ્ટેશન દોડી આવ્યું હતું. જવાબદાર સામે સખત કાર્યવાહી કરવા અને તંત્ર સમક્ષ તેમને સસ્પેન્ડ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. માંગણી ન સંતોષાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાળ કરી રસ્તા પર ઉતરવાની ચીમકી આપી હતી.

સાંકેતિક ફોટો

અમે કુહાડો લઈ લેતાં તેઓ ઉશ્કેરાયા હતા: પ્રિયંકા જોશી
આરએફઓ પ્રિયંકા જોશીએ જણાવ્યું હતું કે, જંગલમાં કોટવાડિયાના લોકો મળ્યા હતા, ત્યારે વરસાદ ખૂબ ચાલુ હતો, નદી-નાળામાં ખૂબ પાણી આવે તેમ હતું. સેફ્ટી મેનેજ કરવા માટે તેમને બહાર નીકળી જવા કહ્યું હતું. આડેધડ વાંસ પણ કપાયેલા હોય, તેઓ પાસેથી અમે કુહાડો લઈ લીધો હતો, જેથી તેઓ ઉશ્કેરાયા હતા. વધુ વિગત માટે પોતાની કચેરીનો સંપર્ક કરો.

Most Popular

To Top