Top News

More Posts

   The Latest

Most Popular

વરુણ ધવન પોતાને ટોપ ફાઇવ સ્ટારમાંનો એક માનવા લાગ્યો હતો પણ વિત્યા સમયમાં તેને કોઇ નવી ફિલ્મ નથી મળી. રણવીર સીંઘ, ઋતિક રોશનથી માંડી ટાઇગર શ્રોફ સહિતનાને કોરોના સમયમાં પણ નવી ફિલ્મો મળી છે પણ અર્જૂન કપૂર, શાહીદ કપૂરની જેમ વરુણને પણ નવી ફિલ્મો નથી મળી રહી. જે સ્ટાર્સ ડિમાંડમાં હોય તે તેને ફિલ્મો મળતી જ હોય છે ને શૂટિંગ શરૂ થઇ જતા હોય છે. વરુણ અત્યારે તેની પાસેની બે ફિલ્મોનાં શૂટિંગમાં જ રોકાયેલો રહે છે. આ કારણે જ તેણે એક એડ ફિલ્મ પણ કરી હતી જોકે તેમાં અશ્લિલતા ઉમેરાવાથી વિવાદમાં આવી ગયો હતો.

જોકે વરુણને તો થયું હશે કે ફિલ્મો નહિ તો એડના કારણે ય ચર્ચામાં તો અવાયું પણ હવે તેણે કારકિર્દી ફરીથી ગોઠવવાની થઇ ગઇ છે. વિકી કૌશલ, સિધ્ધાર્થ મલ્હોત્રા સહિતના પણ હવે સ્પર્ધામાં ઉમેરાયા છે. વરુણ કરતાં સારી પોઝીસન તો મનોજ વાજપેયી, રાજકુમાર રાવ જેવાની છે.  વરુણની સમસ્યા એ થઇ છે કે પિતા ડેવિડ ધવન સાથે રહી સફળતા મેળવવાનો સસ્તો રસ્તો અપનાવ્યો છે. ડેવિડ ધવન કયારેય ઓરિજીનલ ફિલ્મમેકર હતો નહિ અને મનમોહન દેસાઇ, ઋષિકેશ મુખરજી, મહેમૂદની ફિલ્મોની નકલ ઊતારી હતી. ગોવિંદા, કરીશ્મા કપૂર, રવિના ટંડન, કાદરખાન, શકિતકપૂર વડે એ કોમેડી ફિલ્મો ચાલી ગઇ. હવે એ નકલી ફિલ્મોની નવી નકલમાં વરુણ ધવન કામ કરે છે. પણ સ્ટાર્સ તો ઓરીજિનલ ફિલ્મથી જ પોતાની જગ્યા બનાવી શકે.

શાહરૂખ ખાન જેવા પણ ‘ડોન’ની રિમેકમાં માર ખાય ગયેલા ને ‘દેવદાસ’ ચાલી ગઇ ભલે પણ તેમાં તેને માન નથી મળ્યું. વરુણ પોતાની ઓળખ મોટા સ્ટાર તરીકે બનાવવા માંગતો હોય તો ડેડીની આંગળી છોડવી પડશે. અત્યારે તેની પાસે ‘ભેડીયા’ અને ‘જૂગ જૂગ જીયો’ જેવી બે જ ફિલ્મો છે. ક્રિતી સેનોન સાથે જ ‘ભેડીયા’ એક હોરર કોમેડી ફિલ્મ છે. વરુણની ફિલ્મો હોય તો તેમાં કોમેડીનો મસાલો ઉમેરવો જ પડે છે. ટેલેન્ટ હોવી પૂરતી નથી તેને સાચવવી અને યોગ્ય રીતે મેનેજ કરવી ય જરૂર છે. વિત્યા દશ વર્ષથી તે ફિલ્મોમાં છે પણ આવનારી ફિલ્મો સહિત તે ૨૦-૨૧ ના આંકડે પહોંચ્યો છે.

ખેર! આવા દિવસોમાં પણ તે નતાશા દલાલને પરણી ગયો છે. વિત્યા દોઢ-બે વર્ષમાં તેના નામે ચડેલી આજ મોટી ઇવેન્ટ છે. હવે તેની ફિલ્મો સફળતાપૂર્વક રજૂ થશે તો ઇવેન્ટ બનશે. પણ તેણે હવે રિમેકથી બચવું પડશે. ‘બદલાપુર’ જેવી ફિલ્મમાં તે વખણાયો હતો તેવું કરવું પડશે. બાકી, તો તે સારો ડાન્સર છે ને એકશન પણ કરી શકે છે. રોહિત શેટ્ટીની ‘દિલવાલે’ તેણે એટલે જ તો કરી હી. શુજીત સરકાર સાથેની ‘ઓકટોબર’ ને શરત કતારિયાની ‘સુઇ ધાગા’ પણ એક પ્રયોગ તરીકે સારી હતી. ફિલ્મ એક બજાર છે એટલે પ્રયોગ ત્યારે જ લોકો માને જો તે સકસેસમાં ફેરવાયો હોય. બાકી, તે સારા દિગ્દર્શકોને આકર્ષી શકયો તે તેની સફળતા છે. હવે તેને ‘જુગ જુગ જિયો’ પાસે મોટી આશા છે. ‘ગુડ ન્યૂઝ’ના દિગ્દર્શક રાજ મહેતાની એ એક કોમેડી ફિલ્મ છ અને કિયારા અડવાણી, નીતુ સીંઘ, અનિલ કપૂર જેવાની ટીમ છે. ‘ભેડીયા’ પણ ‘કેસરી’ના દિગ્દર્શક અનુરાગ સીંઘની ફિલ્મ છે.

To Top