Madhya Gujarat

નવા બિલોદરમાં ખખડધજ બનેલાં માર્ગથી ૧૦ કરતાં વધુ સોસાયટીના રહીશો ત્રાહિમામ

નડિયાદ તાલુકાના નવા બિલોદરામાં આવેલ કર્મવીર નગર તરફ જવાનો માર્ગ ખખડધજ બનતાં આ વિસ્તારમાં આવેલ ૧૦ કરતાં વધુ સોસાયટીના રહીશોની હાલત અતિ કફોડી બની છે. તંત્ર દ્વારા વહેલીતકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.  નડિયાદ તાલુકાના નવા બિલોદરામાં આવેલ કર્મવીર નગર તરફ જવાના માર્ગની હાલત છેલ્લા લાંબા સમયથી અત્યંત જોખમી બની છે. રસ્તાના સમારકામ બાબતે આ વિસ્તારના રહીશોએ અનેકોવાર રજુઆતો કરી હોવાછતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યાં હતાં.

જેને પગલે ચોમાસામાં આ વિસ્તારના રહીશોની હાલત ખુબ જ કફોડી બની છે. રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા વિશાળ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાથી તે અતિ જોખમી બન્યાં છે. તદુપરાંત કાદવ-કીચડનું પણ સામ્રાજ્ય ફેલાયું છે. જેને પગલે આ વિસ્તારમાંથી અવરજવર કરતાં વાહનચાલકો અને રાહદારીઓને રીતસર રસ્તો શોધવો પડે તેવી સ્થિતી સર્જાઈ છે. રસ્તાની કિનારીઓ પર થઈને અવરજવર કરતાં રાહદારીઓ તેમજ વાહનચાલકો આ જોખમી ખાડાઓમાં ખાબક્યાં હોવાના બનાવો પણ બન્યાં છે. તેમ છતાં તંત્ર દ્વારા રસ્તાની મરામત કરવાની તસ્દી લેવામાં આવતી નથી. રાત્રિના સમયે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન પણ ગંભીર બન્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારના ખખડધજ બનેલાં માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે.  તસવીર ઃ સંકેત સુથાર

Most Popular

To Top