Entertainment

શા માટે બોલીવુડના ‘ત્રણ ખાન’ કોઈ પણ મુદ્દે ચૂપ રહે છે? નસીરુદ્દીન શાહે આપ્યો આ જવાબ

મુંબઈ: (Mumbai) બોલિવૂડના દિગ્ગજ નસીરુદ્દીન શાહ (Nasiruddin shah) ઇન્ડસ્ટ્રીના એવા કલાકારોમાંથી એક છે જે કોઈ પણ મુદ્દે પોતાનો નિખાલસ અભિપ્રાય આપતા ખચકાતા નથી. ઘણી વખત તેમના નિવેદનો અંગે વિવાદ થાય છે, જોકે નસીરુદ્દીન શાહ ફિલ્મોને લગતા, કોઈપણ સામાજિક કે રાજકીય ગંભીર મુદ્દા પર સ્પષ્ટ મત ધરાવે છે. તાજેતરમાં તેમણે અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પછી ભારતીય મુસ્લિમો દ્વારા આપવામાં આવેલા કેટલાક નિવેદનો પર ટિપ્પણી કરી હતી. જોકે તેઓ વધુ કેટલાક નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં સરકારની તુલના નાઝી જર્મન સાથે કરી છે અને તેઓ પોતાના માટે નહીં, પરંતુ સંતાનો માટે ચિંતિત હોવાની વાત કરી હતી. આટલું જ નહીં નસીરુદ્દીન શાહે એમ પણ કહ્યું હતું કે શા માટે બોલિવૂડના (Bollywood) ત્રણ ખાન (Three kans) મહત્ત્વના મુદ્દાઓ પર ચૂપ રહે છે. 

તેમણે કહ્યું છે કે કેવી રીતે કેટલાક મોટા ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોને પ્રો-એશ્ટાબ્લિશમેન્ટ ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. નસીરુદ્દીને કહ્યું કે તેમની પાસે એવા કોઈ પુરાવા નથી કે પ્રચારક ફિલ્મો બનાવવા માટે ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોને ક્લીન ચિટનું વચન આપવામાં આવે છે કે નહીં, પરંતુ તેમને લાગે છે કે આ દિવસોમાં જે પ્રકારની ફિલ્મો બની રહી છે તેનાથી તે સ્પષ્ટ થાય છે.

ખરેખર શાહનો ઇશારો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 3 સ્ટાર ખાનની તરફ હતો. તેમણે કહ્યું કે તેમને એ વાતનો અંદેશો છે કે આ લોકોને કેટલા ઉત્પીડનનો ભોગ બનવું પડે છે. તેઓ (સલમાન, શાહરુખ તથા આમિર) તે ઉત્પીડનને કારણે ચિંતામાં છે. તેમની પાસે ગુમાવવા માટે ઘણું બધું છે. માત્ર આર્થિક કે પછી એકાદ-બે જાહેરાત સુધી આ સીમિત નથી, પરંતુ તેમને દરેક રીતે હેરાન કરવામાં આવે છે. જે પણ બોલવાની હિંમત કરે છે, તેને હેરાન કરવામાં આવે છે. આ માત્ર જાવેદસાહેબ કે તેમના સુધી સીમિત નથી.

ઇન્ટરવ્યુમાં તેમણે એમ પણ કહ્યું કે  નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગ ઘણી હદ સુધી ધાર્મિક ભેદભાવ તથા ઈસ્લામોફોબિયાથી દૂર રહ્યો છે. મુસ્લિમ હોવાને કારણે તેમણે ક્યારેય ભેદભાવનો સામનો કર્યો નથી. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પોતાના મનની વાત કહી દે, પછી દરેક જગ્યાએ તેમને હેરાન કરવામાં આવે છે. જે પણ રાઇટ વિંગ માનસિકતા વિરુદ્ધ બોલે છે, તેમની સાથે આમ જ થાય છે.

Most Popular

To Top