Gujarat

ગુજરાતના મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે બપોરે 2.20 કલાકે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શપથ લીધા. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પાંચમા પાટીદાર મુખ્યમંત્રી છે. રાજ્યપાલ આચાર્ય દેવવર્તે લેવડાવ્યા શપથ. આ પ્રસંગે રાજ્યના ધારાસભ્યો અને સાંસદોએ હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ (Amit Shah)શપથવિધિમાં વિશેષ હાજરી આપી હતી. ભાજપ શાસિત અન્ય ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યાં. તેઓની નિમણૂંકથી પાટીદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્વીટરના માધ્યમથી અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન એવી પોસ્ટ વડાપ્રધાને ટ્વીટર પર મુકી હતી. આ સાથે જ નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ વર્ષ દરમિયાન લોકો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખી રાજ્ય તથા સમાજના તમામ વર્ગો માટે મહેનત કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને લખ્યું કે મને ખાતરી છે કે રૂપાણી આવનારા સમયમાં જાહેર સેવામાં પોતાનું યોગદાન આપતા રહેશે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં હાજરી આપવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, ત્યારે ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આ અગાઉ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પહેલાં પટેલ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળ્યા હતા.

આજે 13-09-2021ના સોમવારના રોજ જ્યેષ્ઠ નક્ષત્ર અને સુદ સાતમની તિથિએ બપોરે 2.20 વાગ્યે ચલ ચોઘડીયામાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ રાખવામાં આવી છે. ચલ ચોઘડિયું સામાન્ય માનવામાં આવે છે. 2.20 કલાકે ચંદ્રની હોરા રહેશે જેને શુભ માનવામાં આવે છે. તેથી આ મુહર્તમાં લીધેલા શપથ શુભ સાબિત થઈ શકે એમ જ્યોતિષીઓ માને છે. જોકે 2.20 વાગ્યાની કુંડળીમાં ચંદ્ર બારમા સ્થાને હોવાથી ભૂપેન્દ્ર પટેલને પોતાના મુખ્યમંત્રી કાળમાં અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની શપથવિધી પહેલાં ભૂપેન્દ્ર પટેલના સમર્થકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રાજભવન ખાતે પહોંચ્યા હતાં. ભાજપના ઝંડા સાથે કાર્યકરો અને સમર્થકોએ નારા લગાવ્યા હતાં. રાજભવન પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top