Gujarat

હવે ગુજરાતની પ્રજા સરકાર બદલવાની છે, તેવો અહેસાસ થતાં ભાજપે મુખ્યમંત્રીનો ચહેરો બદલ્યો : કોંગ્રેસ

ગુજરાતમાં (Gujarat) ભાજપની સરકાર (BJP Government) તમામ મોરચે નિષ્ફળ નીવડી છે, જેના કારણે ગુજરાતની પ્રજાએ ન કલ્પી શકાય તેવું દુઃખ થયું છે. અનઘડ વહિવટને કારણે અનેક પરિવારોએ યાતનાઓ ભોગવી છે. તેવામાં હવે જ્યારે ચૂંટણીઓ આવી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ મુખ્યમંત્રીનો ચહેરો બદલીને પોતાના અસલ ચરિત્રને છુપાવવાની કોશિશ કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું એટલે નિષ્ફળતાઓનો સ્વીકાર. ભાજપ મુખ્યમંત્રી બદલે છે, પરંતુ હવે ગુજરાતની જનતા સરકાર બદલશે, તેઓ વિશ્વાસ પ્રદેશ કોંગ્રેસ (Congress) પ્રમુખ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વચનોમાં સુરા એવી ભારતીય જનતા પાર્ટીએ લોકોને જે વચનો આપ્યાં હતાં, તેમાંથી એક પણ વચન પૂર્ણ કરી શક્યા નથી. ઝઘડા, જુઠાણાં, જાસૂસી અને નફરતની નીતિ-રીતિને કારણે દેશ અને રાજ્યને બરબાદ કરવામાં આવી રહ્યો છે. ભાજપના અન્યાય, અનીતિ અને અધર્મના કુશાસન થી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. એનો અંત લાવવા હવે પ્રજા કટિબદ્ધ બની છે, તેનો એહસાસ થતાં જ ભાજપે ચરિત્ર નહિ પરંતુ ચહેરો બદલવાની કવાયત શરૂ કરી છે.


અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બન્યા છે. ગર્વમેન્ટ મેઈડ ડિઝાસ્ટર, સરકારી આંકડા મુજબ ૧૦,૦૮૧ લોકોના મૃત્યું થયા છે. બીજી બાજુ વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૨.૮૧ લાખ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યાં છે, જે તાજેતરના હાર્વડના સંશોધનમાં સામે આવ્યું છે.

કોરોના મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે તે માટે કોવિડ-૧૯ ”ન્યાય યાત્રા” તા. ૧૬મી ઓગસ્ટ થી કોંગ્રેસ પક્ષે શરૂ કરી હતી. આ ન્યાય યાત્રા દરમ્યાન સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૬૦૭, નોર્થ ઝોનમાં ૫૭૫૬, મધ્ય ઝોનમાં ૩૪૨૫, સાઉથ ઝોનમાં ૮૩૨૭ મળી કુલ ૨૨,૧૧૫ પરિવારજનોએ ફોર્મ ભરીને આપેલા છે.

Most Popular

To Top