Top News

More Posts

   The Latest

Most Popular

તમિલનાડુના (Tamilnadu) કુન્નુરમાં બુધવારે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ બિપિન રાવત અને તેમની ટીમને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash) થયું હતું. આ અકસ્માતમાં સીડીએસ રાવત અને તેમની પત્ની મધુલિકા સહિત 13 લોકોના મોત થયા હતા. આ અકસ્માતે અનેક સવાલો પણ ઉભા કર્યા છે. નિષ્ણાતો એક ષડયંત્રનો (conspiracy) સંકેત આપી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ તે ચર્ચાનો વિષય બન્યો છે કે શું તે કાવતરું હતું? શું હેલિકોપ્ટર હવામાં હતું ત્યારે તેની સાથે કંઈક અથડાયું હતું? આ દુર્ઘટના પાછળ કોઈ માનવીય ભૂલ હતી કે પછી માનવીય ષડ઼યંત્ર હતું? એવા અનેક સવાલો સામે આવી રહ્યાં છે. હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું પ્રથમ કારણ ટેક્નિકલ ફોલ્ટ હોઈ શકે. બીજુ પાયલટ એરર અને ત્રીજુ બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કરવો હોઈ શકે. આ દુર્ઘટનાને લઈને વિચાર-મંથન શરૂ થઈ ગયું છે. સાથેજ અને શંકા (Doubt) કુશંકાઓએ પણ જન્મ લીધો છે. ભારતના આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને શસ્ત્ર નિયંત્રણ મુદ્દાઓના નિષ્ણાત, ભૂ-વ્યૂહરચનાકાર અને લેખક બ્રહ્મા ચેલાની દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે. બ્રહ્મા ચેલાનીએ આ હેલિકોપ્ટર દુર્ઘટનાની તુલના તાઇવાનના આર્મી ચીફના અકસ્માત સાથે કરી છે. જેને કારણે ચીનનું મીડિયા ગ્લોબલ ટાઈમ્સ લાલચોળ થયું છે અને તેણે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. જોકે આ બધા પાછળ કોઈ દેશનો હાથ હોય તેવું જાણ્યા બાદ પણ ભારત તેને ખુલ્લેઆમ કહી શકતું નથી કારણકે આવું કરવાનો અર્થ સીધુ યુદ્ધને આમંત્રણ આપવું કહેવાશે.

ચેલાનીએ પોતાની એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ચીની આક્રમકતા સામેનાં સંરક્ષણમાં બંને દેશોનાં મુખ્ય વ્યક્તિઓનું અકસ્માતમાં મોત થાય છે. ચેલાનીએ કહ્યું કે આ વિચિત્ર સામ્યતાનો અર્થ એ નથી કે બે હેલિકોપ્ટર ક્રેશમાં કોઈ એક કડી કે કોઈ બહારનો હાથ હતો. કોઈ પણ સંજોગોમાં આ બંને અકસ્માતે મહત્વપૂર્ણ આંતરિક પ્રશ્નો ઉભા કર્યા છે, ખાસ કરીને ટોચના જનરલોને લઈ જતા લશ્કરી હેલિકોપ્ટરની જાળવણી અંગેના પ્રશ્નો. બીજી તરફ ભારતીય સેનામાં 35 વર્ષ ફરજ બજાવનાર રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંત શંકા જતાવી છે કે, CDSનું હેલિકોપ્ટર ક્રેશ એક ષડયંત્ર અતર્ગત કરવામાં આવેલો હુમલો હોઈ શકે, જેમાં LTTEના સ્લીપર સેલ પણ સામેલ હોઈ શકે છે. અને જો આ હુમલો હોય તો તેમાં ISIનું પણ LTTEને સમર્થન અને સહયોગ હોઈ શકે છે. LTTEના કેડર IED બોમ્બને પ્લાન્ટ કરવામાં નિષ્ણાંત છે.

ચેલાનીએ કહ્યું કે એક એવા સમયે જ્યારે ચીન સાથે 20 મહિનાના લાંબા સરહદી તણાવ વચ્ચે હિમાલીયન ફ્રન્ટ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમની પત્ની અને અન્ય 11 સૈન્ય કર્મચારીઓનું દુ:ખદ મૃત્યુ માટે આનાથી ખરાબ સમય ન હોઈ શકે. ચેલાનીએ લખ્યું, ‘જનરલ રાવતનું મૃત્યુ 2020ની શરૂઆતમાં હેલિકોપ્ટર દુર્ઘટના જેવું જ છે, જેમાં તાઈવાનના ચીફ ઓફ જનરલ સ્ટાફ જનરલનું મોત થયું હતું. આમાં શેન યી-મિંગ અને બે મેજર જનરલ સહિત સાત અન્યનો સમાવેશ થાય છે. દરેક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીની આક્રમકતા સામે સંરક્ષણની ભૂમિકા ભજવનાર મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામે છે.

જાન્યુઆરી 2020 માં, જ્યારે આખો દેશ નવા રાષ્ટ્રપતિ માટે મતદાન કરવાનો હતો ત્યારે તાઈવાનના આર્મી ચીફનું હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું હતું. આ ભયાનક અકસ્માતમાં ચીફ ઓફ જનરલ સ્ટાફ શેન યી મિંગ અને અન્ય 7 વરિષ્ઠ અધિકારીઓ માર્યા ગયા હતા. શેન યી મિંગનું બ્લેક હોક હેલિકોપ્ટર તાઈપેઈ નજીક પર્વતીય વિસ્તારમાં પડ્યું. આ અકસ્માત પણ એવોજ હતો જેવો જનરલ રાવતના હેલિકોપ્ટનો થયો. 63 વર્ષના જનરલ રાવતની જેમ તાઈવાનના આર્મી ચીફ 62 વર્ષીય મિંગ પણ ઘણા અનુભવી હતા.

સોશિયલ મીડિયા વોર શરૂ થયું
ચેલાનીના નિવેદન બાદ ચીની સોશિયલ મીડિયા યુઝર્સે પણ ચેલાની પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું હતું. ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર બ્રહ્મા ચેલાનીના આ નિવેદન પર ગ્લોબલ ટાઈમ્સ લાલ થઈ ગયું છે. ગ્લોબલ ટાઈમ્સે ચેલાનીને ટ્વીટ કરીને ટ્વીટ કર્યું કે, ‘આ વિચાર સમાન છે કે યુએસએ આ દુર્ઘટનામાં ભૂમિકા ભજવી હતી કારણ કે યુએસના ભારે વિરોધ છતાં ભારત અને રશિયા રશિયન S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની સપ્લાય કરવા આગળ વધી રહ્યા છે.’

શું બિપિન રાવતનું હેલિકોપ્ટર ષડયંત્રનો ભોગ બન્યું? રક્ષા મંત્રીએ આપ્યો આ જવાબ
બીજી તરફ રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં જવાબ આપ્યો હતો. જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર અકસ્માતમાં કોઈ પણ પ્રકારનું ષડયંત્ર હોવાનો જ્યારે રાજનાથ સિંહને સવાલ પૂછાયો તો તેમણે કહ્યું કે આ મામલે તપાસ થઈ રહી છે અને તપાસ પૂરી થયા બાદ જ કોઈ પણ પ્રકારના પરિણામ પર પહોંચી શકાય.તેમણે આજે સંસદમાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારતીય વાયુસેનાએ સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાની ત્રણ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તપાસનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરશે. કાલે જ તપાસ ટીમ વેલિંગ્ટન પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. 

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે બુધવારે 12.08 વાગે હેલિકોપ્ટર સાથે સંપર્ક તૂટી ગયો, જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 14 લોકો સવાર હતા. તેમણે કહ્યું કે Mi 17 હેલિકોપ્ટરે સવારે 11.48 વાગે સુલુરથી ઉડાણ ભરી. તે 12.15 વાગે વેલિંગ્ટન લેન્ડ કરવાનું હતું. પરંતુ 12.08 મિનિટે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો. આ દરમિયાન લોકોએ અવાજ સાંભળ્યો તો તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. મળેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13ના મૃત્યુ થયા. જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ સામેલ હતા.

To Top