Madhya Gujarat

ડાકોર પાસે શેઢી નદીમાં પુરાણથી પૂરની ભીતિ

નડિયાદ: રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરથી વિશ્વભરમાં ખ્યાતિ પામનારા ડાકોરને યાત્રાધામ તરીકેની ઓળખ મળી છે. યાત્રાધામને પગલે સરકાર તરફથી ડાકોર ગામને વિશેષ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. જોકે, સ્થાનિક તંત્રની ભ્રષ્ટ નિતીને પગલે યાત્રાધામ ડાકોર વિકાસથી વંચિત રહ્યું છે. નગરજનો તેમજ ડાકોરમાં આવતાં યાત્રાળુઓને રોડ-રસ્તાં, ગટર, પાણી, સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારવા પડી રહ્યાં છે. તો વળી, નગરમાં ઠેર-ઠેર ગંદકી, ટ્રાફિક સહિતની વિવિધ સમસ્યાઓ માથાનો દુ:ખાવો બની છે. ખાસ કરીને દબાણો પ્રત્યે તંત્રનું દૂર્લક્ષ પ્રજા માટે આફત નોતરે તેવી શક્યતા છે.

ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ શાભઈભાઈ પરમારે ડાકોરની વિવિધ સમસ્યાઓ મુદ્દે ગુજરાત વિધાનસભામાં ધારદાર રજુઆતો કરી હતી. આ રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, યાત્રાધામ ડાકોર નજીકથી પસાર થતી શેઢી નદીના તટમાં ગેરકાયદેસર રીતે પુરાણ કરી સોસાયટીઓ, શોપીંગ સેન્ટર તેમજ દુકાનો બનાવી દેવામાં આવી છે. જેને પગલે પાણીનો પ્રવાહ અવરોધાયો છે. આથી, દરસાલ ચોમાસામાં શેઢી નદીનું પાણી ડાકોર ગામમાં ઘુસી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાકોરમાં ગેરકાયદે બાંધકામ બાબતે પાલિકા પહેલેથી આંખ આડા કાન કરતી આવી છે. હવે શેઢી નદી પરના દબાણનો મુદ્દો ઉઠ્યો છે. આ સ્થિતિમાં સામાન્ય વરસાદમાં પણ ડાકોરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ રહી છે.

ટ્રાફિક પ્રશ્ન હલ વહેરા પરથી રસ્તો કાઢો
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. તેમાંય રવિવારની રજા, તહેવાર તેમજ પુનમના દિવસોમાં મંદિરમાં દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓની સંખ્યા લાખોમાં હોય છે. દર્શનાર્થે આવતાં અનેક શ્રધ્ધાળુઓ નાના-મોટા વાહનો લઈને ડાકોરમાં આવતાં હોવાથી નગરના સાંકડા માર્ગો પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. છેલ્લાં ઘણાં સમયથી ઉદ્દભવતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું ન હોવાથી ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે આ મુદ્દે ગુજરાત વિધાનસભામાં રજુઆત કરી છે. તેમજ ટ્રાફિકના નિરાકરણ માટે બોડાણા સ્ટેચ્યુંથી કપડવંજ રોડ તરફ જતાં વહેરા પરથી રસ્તો કાઢવામાં આવે તેવું સુચન પણ કર્યુ હતું.

ડાકોરમાં ફાગણી પુનમના મેળા દરમિયાન તંત્રના અણધડ આયોજનને પગલે લાખો શ્રધ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયાં
યાત્રાધામ ડાકોરમાં ગત તારીખ 17 થી 19 માર્ચ દરમિયાન ફાગણી પૂનમનો ત્રિ-દિવસીય મેળો યોજાયો હતો. બે વર્ષ બાદ યોજાયેલાં આ મેળામાં પાંચ લાખ કરતાં પણ વધુ પદયાત્રિકો-શ્રધ્ધાળુઓ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શનાર્થે ડાકોરમાં આવ્યાં હતાં. જોકે, તંત્રના અણઘડ આયોજનને પગલે લાખો શ્રધ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયાં હતાં. આ મામલે ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે વિધાનસભામાં કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, ડાકોરમાં તાજેતરમાં યોજાયેલાં ફાગણી પૂનમના મેળા દરમિયાન નગરમાં ઠેર-ઠેર પતરાં મારી રસ્તા બંધ કરી દેવામાં આવ્યાં હોવાથી યાત્રાળુઓ મુસીબતમાં મુકાયાં હતાં. યાત્રાળુઓને ક્યાં થઈને જવું તે જ ખબર પડતી ન હતી. તો વળી બીજી બાજુ ડાકોરમાં રહેતાં નાગરિકોને કોઈ જગ્યાએ જવા માટેની જગ્યા જ ન હતી. ત્યારે આ મામલાને ગંભીરતાથી લેવી જોઈએ અને આવતાં વર્ષે યોજાનાર ફાગણી પૂનમના મેળા દરમિયાન ભુલોનું પુનરાવર્તન ન કરી, યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.

યાત્રાધામ ડાકોરમાં સરકારી ધર્મશાળા બનાવવા માંગ
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતાં હોય છે. તેમછતાં ડાકોરમાં શ્રધ્ધાળુઓને રહેવા માટે સરકારી ધર્મશાળાની કોઈ સુવિધા નથી. જેને પગલે શ્રધ્ધાળુઓને ખાનગી તોતીંગ ભાડુ ચુકવી ધર્મશાળા, ગેસ્ટહાઉસ અથવા હોટલોમાં રૂમ ભાડે રાખી રોકાવું પડે છે. ત્યારે, ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિર નજીક ગોમતીઘાટ પર છેલ્લાં ઘણાં સમયથી અવાવરૂ હાલતમાં ફેરવાયેલી ખેડા જિલ્લા પંચાયત હસ્તકની ગાયકવાડની હવેલીની જગ્યા પર સરકારી ધર્મશાળા બનાવવામાં આવે તેવી માંગ ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે વિધાનસભામાં કરી છે.

ગોમતી ઘાટના બ્યુટીફિકેશનમાં ભ્રષ્ટાચારની રાવ
ડાકોરમાં રણછોડરાયજી મંદિર સામે આવેલા પવિત્ર ગોમતી તળાવના ઘાટ પર બ્યુટીફિકેશનની કામગીરી કરવામાં આવી છે. જોકે, આ કામગીરીમાં હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો હોવાથી પગથિયા પર લગાવેલાં પથ્થર તુટવા લાગ્યાં છે. આ કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાથી તેની તપાસ કરાવવામાં આવે તેવી માંગ ધારાસભ્ય કાંતિભાઈ પરમાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા જિલ્લામાં મનરેગા યોજનામાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આ મામલે કરેલી રજુઆતો ધ્યાને ન લેવાતાં ઉચ્ચ કક્ષાએ રજુઆતોનો મારો ચલાવ્યો હતો, ઠાસરા તાલુકાના જાખેડ ગામના સરપંચ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી કે યોગ્ય તપાસ કરવામાં આવી નથી.

નહેર પરના જર્જરિત પુલની મરામત કરાતી નથી
ખેડા જિલ્લામાં આવેલ વણાકબોરી ડેમમાંથી નીકળતી નહેર પરના નાળાં આજથી 70-80 વર્ષ અગાઉ બનાવવામાં આવેલાં હોવાથી સાવ જર્જરિત અવસ્થામાં ફેરવાયાં છે. કેટલાક પુલ જોખમી બન્યાં છે. ત્યારે આ જોખમી પુલ પરથી પસાર થતાં ભારે વાહનોને પગલે દુર્ઘટના સર્જાવાની ભિતી સેવાઈ રહી છે. તેમ છતાં, તંત્ર દ્વારા આ જુના અને જર્જરિત પુલની મરામત કરવા કે નવા બનાવવાની તસ્દી લેવામાં આવતી નથી. આ જોખમી પુલ બાબતે રજુઆત કરવામાં આવે તો એક કચેરીમાંથી બીજી કચેરીમાં ધક્કાં ખવડાવવામાં આવે છે. આ જર્જરિત પુલોનુ સમયસર સમારકામ કરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે.

તકતીઓમાં કોંગ્રેસના ધારાસભ્યોના નામ લખાતા નથી
જિલ્લામાં સરકારી કામનું બાંધકામ થયાં બાદ લગાવવામાં આવતી તકતીમાં માત્ર ભાજપના ધારાસભ્યોના નામ જ લખવામાં આવે છે, કોંગ્રેસના ધારાસભ્યોના નામ લખવામાં આવતાં નથી. સરકારી નાણાંમાંથી બનાવવામાં આવતાં બાંધકામમાં ભાજપ-કોંગ્રેસનો ભેદભાવ ન હોવો જોઈએ. આ ઉપરાંત  ડાકોરમાં સરકારી હોસ્પિટલ બનાવવા માટે સરકાર તરફથી બે વર્ષ અગાઉ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જોકે, આજદિન સુધી સરકારી હોસ્પિટલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. કોઈ જગ્યાએ સરકારી હોસ્પિટનું નામનિશાન દેખાતું નથી.

Most Popular

To Top