Columns

શ્રીલંકાની આર્થિક કટોકટી માટે દેવું કરીને જીવવાની મનોવૃત્તિ જવાબદાર છે

રાવણની લંકામાં એક સમયે એટલું સોનું હતું કે રામાયણના કાળમાં મકાનોનાં છાપરાં પણ સોનાનાં હતાં, તેમ કહેવાતું હતું.  શ્રીલંકા ૧૯૪૮ માં બ્રિટીશ ગુલામીથી મુક્ત થયું ત્યારે તેનું અર્થતંત્ર બરબાદ થઈ ગયું હતું. ૧૯૪૮ પછી શ્રીલંકામાં પહેલી વખત ગંભીર આર્થિક કટોકટી પેદા થઈ છે. તેનું કારણ એ છે કે શ્રીલંકાનું વિદેશી દેવું વધી ગયું છે, આવકો ઘટી ગઈ છે અને હૂંડિયામણના ભંડારો ખાલી થઈ ગયા છે. તેને પરિણામે ચોખા ૫૦૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે અને ૪૦૦ ગ્રામ મિલ્ક પાવડરની કિંમત ૭૯૦ રૂપિયા પર પહોંચી ગઈ છે. તેમાં છેલ્લા ત્રણ જ દિવસમાં ૨૫૦ રૂપિયાનો વધારો થયો છે. શ્રીલંકામાં એક કિલો ખાંડની કિંમત ૨૯૦ રૂપિયા થઈ ગઈ છે. શ્રીલંકામાં પેટ્રોલ અને ડિઝલની અભૂતપૂર્વ કટોકટી પેદા થઈ છે. સરકાર દ્વારા પેટ્રોલિયમ પેદાશોનું રેશનિંગ કરવામાં આવ્યું છે. પેટ્રોલ પમ્પ પર વધી રહેલી લાઈનને કન્ટ્રોલ કરવા લશ્કરની મદદ લેવામાં આવી છે.

જે દેશો પશ્ચિમી પદ્ધતિના અર્થશાસ્ત્રના રવાડે ચડ્યા છે, તેમને દેવું કરીને પોતાનું અર્થતંત્ર ચલાવવામાં કોઈ સંકોચ નથી થતો. તેઓ કાયમ પછેડી કરતાં મોટી સોડ તાણે છે. બજેટમાંની ફિસ્કલ ડેફિસિટ સરભર કરવા તેઓ ચલણી નોટો છાપે છે, બોન્ડ બહાર પાડે છે અને વિદેશી તાકાતો પાસેથી ડોલર ઉધાર લે છે. પછી ઉધાર લીધેલાં નાણાંનું વ્યાજ ચૂકવવા તેઓ આકરા કરવેરાઓ લાદે છે. સતત ચલણી નોટો છાપવાને કારણે ફુગાવો વધી જાય ત્યારે આવશ્યક ચીજોના દામ વધી જાય છે અને પ્રજા ત્રાહિમામ્ પોકારી જાય છે. વિદેશી હૂંડિયામણના ભંડારો ખાલી થતાં આયાત મર્યાદિત થઈ જાય છે, જેને કારણે ઇંધણ જેવી ચીજોની ભારે તંગી સર્જાય છે. જો તે દેશની સરકાર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેવી સંસ્થાની ગુલામી સ્વીકારવા તૈયાર ન થાય તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહે છે. ભારતનો પડોશી દેશ શ્રીલંકા પશ્ચિમી પદ્ધતિની અર્થનીતિનાં કડવાં ફળો ભોગવી રહ્યો છે.

શ્રીલંકામાં પેદા થયેલી આર્થિક કટોકટીનું મુખ્ય કારણ એ છે કે તે ખાંડ, અનાજ, દાળ, પેટ્રોલિયમ વગેરે ચીજો બાબતમાં આત્મનિર્ભર ન હોવા છતાં તેણે દેવું કરવાનું ચાલુ રાખ્યું અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન લેવાનો ઇનકાર કર્યો. કોરોનાને કારણે શ્રીલંકામાં વિદેશી ટુરિસ્ટોનો પ્રવાહ થંભી ગયો. તેને કારણે હૂંડિયામણની આવક ઘટી ગઈ અને વિદેશી ભંડોળના ભંડારો ખાલી થઈ ગયા. ૨૦૨૧ ના ડિસેમ્બરમાં તેની પાસે ૩.૧ અબજ ડોલરનું ભંડોળ હતું, જે ૨૦૨૨ ના જાન્યુઆરીમાં ઘટીને ૨.૩૬ અબજ ડોલર અને ફેબ્રુઆરીમાં તો ૭૭.૯ કરોડ ડોલર પર પહોંચી ગયું હતું. શ્રીલંકાની સરકાર પર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન લેવાનું પ્રચંડ દબાણ છે, પણ અત્યાર સુધી સરકાર તેનો પ્રતિકાર કરતી આવી છે. તેને બદલે તે ચીન અને ભારત જેવા પડોશી દેશો પાસેથી લોન લઈને પોતાનું ગાડું ગબડાવવાની કોશિશ કરી રહી છે. ચીને તેને ૨.૮ અબજ ડોલરની લોન આપી છે અને બીજી ૨.૫ અબજ ડોલરની લોન આપવાનું છે. ભારતે પણ પડોશી ધર્મ નિભાવતા શ્રીલંકાને ૧ અબજ ડોલરની લોન આપી છે, પણ તેનાથી દળદર ફીટવાનું નથી.

સરકારી આંકડાઓ મુજબ ૨૦૨૧ ના એપ્રિલમાં શ્રીલંકાને માથે કુલ ૩૫ અબજ ડોલરનું દેવું હતું. તેમાં પાંચ અબજ ડોલરનું તો ચીનનું દેવું હતું. આ દેવાની સામે શ્રીલંકાએ તેનું હંબનટોટા નામનું બંદર વિકાસના નામે ચીનને સોંપી દીધું છે. શ્રીલંકા સરકારે પોતાનાં નાગરિકો પાસેથી પણ અબજો રૂપિયા બોન્ડના રૂપમાં ઉધાર લીધા છે. જુલાઈ મહિનામાં એક અબજ ડોલર જેટલી કિંમતના બોન્ડ પાકી રહ્યા છે. તેની ચૂકવણી કરવા માટે સરકારે નવા બોન્ડ બહાર પાડવા પડશે. સરકાર જૂનાં વિદેશી દેવાંનું વ્યાજ ચૂકવવા નવું વિદેશી દેવું કરી રહી છે. તે દેવાળું ફૂંકવાની હાલતમાં છે.

વર્લ્ડ બેન્ક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની નીતિ કોઈ પણ ગરીબ દેશને પહેલાં લોન આપીને દેવામાં ડૂબાડી દેવાની અને પછી તેને સ્ટ્રક્ચરલ રિફોર્મ કરવાની શરતે લોન આપીને ગુલામ બનાવવાની છે. શ્રીલંકાની સરકારે પ્રજા પરનો ટેક્સનો બોજો હળવો કર્યો હતો. તેણે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકીને ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કર્યા હતા, જેને કારણે તેનું અનાજનું ઉત્પાદન ઘટી ગયું હતું. ફર્ટિલાઈઝર અને પેસ્ટિસાઇડ બનાવતી કંપનીઓ દ્વારા સરકારને બદનામ કરવામાં આવી હતી. સરકારે અનાજની આયાત કરીને ખોટ સરભર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં હૂંડિયામણની તંગી નડી હતી. સરકાર પાસે હવે આર્થિક કટોકટીથી બચવા આઈએમએફના શરણે જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

શ્રીલંકા તેની જરૂરિયાતના અનાજ, કઠોળ વગેરે રશિયાથી અને યુક્રેનથી આયાત કરતું હતું. આ બે દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ હોવાથી આયાત ઠપ થઈ ગઈ છે, જેને કારણે તંગી પેદા થઈ છે. વીજળીની કટોકટી પેદા થતાં લોકો ડિઝલથી ચાલતાં જનરેટરો વડે વીજળી પેદા કરવા લાગ્યાં હતાં. તેને કારણે ડિઝલની તંગી પેદા થઈ અને ભાવો વધી ગયા હતા. પેટ્રોલ પમ્પો પર વાહનોની મોટી કતારો જોવા મળી હતી. આ કતારમાં કેટલાંક લોકો બેભાન બની જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યાં હતાં. શ્રીલંકા પોતાની જરૂરિયાતનો મોટા ભાગનો કાગળ આયાત કરે છે. હૂંડિયામણની તંગી પેદા થતાં કાગળની આયાત પર નિયંત્રણો મૂકી દેવામાં આવ્યાં છે. તેને કારણે સ્કૂલોમાં પરીક્ષાઓ મોકૂફ રાખવાની ફરજ પડી રહી છે. સરકારને કોરોનાને કારણે બે વર્ષમાં ૧૪ અબજ ડોલરનું નુકસાન થયું છે. ૨૦૨૨ દરમિયાન સાત અબજ ડોલરની લોન ચૂકવવાની છે. ચીનની લોન વડે જે બાંધકામના પ્રોજેક્ટો કરવામાં આવ્યા તેમાંથી પણ અપેક્ષા મુજબની આવક થતી નથી.

શ્રીલંકાના વિપક્ષ દ્વારા પ્રમુખ ગોઠાબાયા રાજાપેક્ષા પર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન લેવાનું દબાણ વધી ગયું છે. તેમના ઘરની બહાર દેખાવો શરૂ થઈ ગયા છે. વિપક્ષો તેમનું રાજીનામું માગી રહ્યા છે. છેલ્લા હેવાલો મુજબ તેઓ લોન લેવા તૈયાર પણ થઈ ગયા છે. જો તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન સ્વીકારે તો તેની શરતો પણ માનવી પડશે. તેની પહેલી શરત કરવેરા વધારવાની અને ચલણનું અવમૂલ્યન કરવાની હશે. તેની બીજી શરત તમામ પ્રકારની રાહતો બંધ કરવાની હશે, જેને કારણે ગરીબો માટે જિંદગી દુષ્કર બની જશે. શ્રીલંકાના ભૂતપૂર્વ શાસકો દ્વારા લોન લેવાની જે ભૂલ કરવામાં આવી હતી, તેની સજા વર્તમાન શાસકો ભોગવી રહ્યા છે. પેટ્રોલિયમ પદાર્થોની આયાત પર દેશનાં લોકોને જીવાડવાની સજા તેઓ ભોગવી રહ્યાં છે.

વિશ્વમાં કોરોના નામની બીમારીને પગલે કેવી કેવી આફતો આવી શકે છે, તેનું ઉદાહરણ શ્રીલંકાની વર્તમાન પરિસ્થિતિ છે. જે દેશનું અર્થતંત્ર પહેલેથી નબળું હોય તેને ગંભીર પરિસ્થિતિમાં મૂકી દેવાનું કામ કોરોનાએ કર્યું હતું. ભારતે શ્રીલંકાની પરિસ્થિતિમાંથી બોધપાઠ લેવો જોઈએ. આપણે પણ ૮૫ ટકા પેટ્રોલિયમ પેદાશોની આયાત કરીએ છીએ. જો આપણી પાસેના વિદેશી હૂંડિયામણના ભંડારો ખૂટી જાય તો આપણી હાલત પણ ખરાબ થઈ જાય તેમ છે. આપણી સરકાર પણ દેવું કરીને ગાડું ગબડાવી રહી છે. કરવેરાની આવક દેવાનું વ્યાજ ચૂકવવામાં વપરાઈ જાય છે. જો આપણે આઝાદીને ટકાવી રાખવી હશે તો વિદેશી તાકાતોના પ્રભાવથી બચવું જ પડશે.

Most Popular

To Top