Charchapatra

રાજનેતાઓ આપણને છેતરી રહ્યાં છે

આશ્ચર્ય, ખેદ અને આઘાતની વાત એ છે કે આજના આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પણ આપણી પ્રજા એ બાબત સમજી શકતી નથી કે ધર્મસ્થાનો, મંદિરો – મસ્જિદ – ચર્ચો અને ગુરુદ્વારાઓ તથા આશ્રમોના બાબા -બાપુ સ્વામીઓની પાછળ દોડી રહેલાં અને આપણી પ્રજાને દોડાવી રહેલાં આપણા કેટલાંક રાજનેતાઓ આપણને બેવકૂફ બનાવી રહ્યાં છે. રાજકારણમાં ઇશ્વર, ધર્મ અને અધ્યાત્મની ભેળસેળ કરનારાં રાજનેતાઓ મોટા ધર્મનિષ્ઠ, સજજન અને પ્રામાણિક છે. પરંતુ પ્રજાનો આવો અભિપ્રાય ભયંકર ભૂલભરેલો અને ઘાતક છે. વાસ્તવમાં આ રાજનેતાઓ પોતાની દુર્બળતાઓ, નિષ્ફળતાઓ, અપ્રામાણિકતાઓ, જૂઠાણાં અને ભ્રષ્ટાચારો ઉપરથી પ્રજાનું ધ્યાન બીજે હટાવવા માટે જ ધર્મસ્થાનો તરફ દોડ લગાવતાં હોય છે.  દેવી – દેવતાઓની મૂર્તિ પૂજાઓ, પ્રાર્થનાઓ અને આરતીઓની પછળ ગાંડી થઇ જનારી આપણી પ્રજા કોરોના વાયરસના ઉપદ્રવ કાળમાં એ બધું નિષ્ફળ ગયું છે એ ચોકખી હકીકત ભૂલી જઇને ઠગ રાજનેતાઓની પાછળ એવા ક્રિયાકાંડોમાં બહાવરી બની દોડ શા માટે મૂકી રહી છે? આપણા રાજનેતાઓ આપણાં દુ:ખ – દર્દો દૂર કરવાને બદલે ધનવાનો અને ધર્મગુરુઓ સાથે મળી જઇને આપણું સર્વાંગી શોષણ કરી આપણને ગરીબી, બેકારી, શોષણ, કુપોષણ, કંગાલિયતમાં ધકેલી એ ત્રણેય બળવાન સ્થાપિત હિતો મોજ-મજા અને અમન-ચમન કરી રહ્યાં છે અને આપણને ધર્મના ઘેનમાં ડૂબાડી ગુમરાહ કરી રહ્યાં છે. આ સત્ય સમજવાથી આપણે કેમ દૂર ભાગી રહ્યાં છીએ? ઇશ્વર – અલ્લાહની પાછળ દોડવાને બદલે રાજનેતાઓને પકડવાનો સમય આવી ગયો છે.
કડોદ     – એન.વી. ચાવડા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે-

Most Popular

To Top