Surat Main

પોલીસ આ રીતે માથાભારે સજ્જુ કોઠારીને ખેંચીને ઘરની બહાર લાવી, જુઓ Video

સુરત: (Surat) સુરત પોલીસમાં ઉચ્ચ અધિકારીને મારી નાંખવાની ધમકી આપનાર અને પોલીસ માટે પડકાર બનનાર સજજુ કોઠારીને (SajjuKothari) આખરે પોલીસ (Police) કમિશનર અજય તોમરની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. બે મહિના પહેલા જ ઉચ્ચ અધિકારી અને તેના પરિવારને ખત્મ કરવાની ધમકી આપવાનું સજ્જુ કોઠારીને ભારે પડી ગયું છે. ક્રાઇમ બ્રાન્ચના સિત્તેર જેટલા જવાનો દ્વારા બપોરના દોઢ વાગ્યાથી ઓપરેશન સજજુ શરૂ કરીને તેના ઘરમાંથી ચોર ખાનામાં લપાઇને બેસેલા સજ્જુ કોઠારીને પકડી પાડવામાં આવ્યો હતો. સજજુ કોઠારીએ જમરૂખ ગલી, નાનપુરાના ઘરમાં જ પાંચ બાય છની ખોલી બનાવી હતી. પોલીસને તેના વિશાળ બંધ બંગલામાં દિવાલનો પોલો ભાગ શોધતા પાંચ કલાક લાગ્યા હતા. અંતે ફર્નિચરના પાછળની દિવાલની અંદર ઓરડીમાં સજ્જુ કોઠારી લપાઇને બેઠો હતો.

  • સજ્જુએ ઉચ્ચ પોલીસ અધિકારીને મારી નાખવાની ધમકી આપી હતી, જેને કારણે તેને પકડવો પોલીસ માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો
  • એક મહિનાથી ક્રાઈમ બ્રાંચ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને સજ્જુ ચોર ઓરડીમાં હોવાની ખબર પડતાં જ દરોડા પડાયા હતા
  • ફર્નિચરની પાછળ તપાસ કરતાં બોદો અવાજ આવતાં ચેક કર્યું તો ઓરડીમાંથી સજ્જુ કોઠારી મળી આવ્યો

સજ્જુ કોઠારી સામે ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સજજુ સુરત બહાર ગયો જ નથી. જેને કારણે ક્રાઇમ બ્રાન્ચના વીસ જેટલા જવાનો દ્વારા છેલ્લા એક મહિનાથી સજ્જુ કોઠારીની જમરૂખ ગલીની આસપાસ વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાનમાં સજજુ કોઠારી બહારથી તેના બંધ નાનપુરાના બંગલામાં અને તે પણ ચોર ઓરડીમાં હોવાની વિગતો મળી હતી. આ કારણે સજ્જુ કોઠારીના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા અને બંધ બંગલો ખોલીને બંગલામાં કયો ભાગ પોલો છે તે શોધવામાં આવ્યો હતો. દાદરની નીચે રાખવામાં આવેલા ફર્નિચરને ચેક કરવામાં આવતાં તેમાંથી બોદો અવાજ આવ્યો હતો. ફર્નિચર હટાવતા પાછળથી એક ઓરડી મળી આવી હતી. ઓરડીમાં તપાસ કરતાં જ સજજુ કોઠારી રૂમમાં આરામ ફરમાવી રહેલો પકડાઈ ગયો હતો.

સજજુ કોઠારી લાંબા સમયથી તેના બંગલામાં જ હોવાની આશંકા
ડીસીબી પીઆઇ વાઘડીયાએ જણાવ્યું હતું કે, તેઓને આશંકા હતી કે સજજુ લાંબા સમયથી બંગલામાં જ પડી રહેતો હતો. તેઓ સંખ્યાબંધ મહિલા પોલીસને લઇને સ્થળ પર ગયા હતા. મહિલાઓના ટોળા તેઓની કામગીરી અટકાવવા આવ્યા હતા પરંતુ મહિલા પોલીસ હોવાને કારણે સજજુ કોઠારીનો આ દાવ નિષ્ફળ ગયો હતો. પાંચ કલાક સુધી સજ્જુ કોઠારીને બંગલામાં શોધવામાં આવ્યો હતો. સજ્જુએ પોતાની આ ચોર ઓરડીમાંથી અન્ય રૂમમાં જવાય તેવી અલાયદી સુવિધા પણ રાખી હતી. ફિલ્મી ઢબે આખો બંગલો બનાવનાર સજ્જુની આ ક્રિમિનલ સ્ટાઈલથી સંતાવાની ટ્રિક જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સુથાર પાસે શોકેશનો દરવાજો તોડાવાયો

સજ્જુએ આગળથી બંગલાને લોક મારી દીધું હતું
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે સજ્જુ કોઠારીએ બંગલાને આગળથી લોક મારી દીધું હતું. સજ્જુએ પોતાની રૂમમાં આવવા જવા માટે તેમજ પોતાના ગુનાહિત કામો કરવા માટે બહારથી પોતાના મળતિયાઓને બોલાવતો હતો. મળતિયાને બોલાવવા માટે સજ્જુએ પાછળનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. આ જ લિંકના આધારે પોલીસ પણ ઘૂસી હતી અને સજ્જુ કોઠારીને પકડી પાડ્યો હતો.

સજ્જુની ધમકીનાં ડરે કાપડ વેપારી રિક્ષા ચલાવતો થઇ ગયો
સજ્જુ એ બિલ્ડર આરિફ કુરેશી પાસે ખંડણી પેટે 7.60 લાખ રોકડ પડાવ્યા હતા. બિલ્ડરે સજ્જુ પાસેથી વ્યાજે લીધેલા 60 લાખના 72 લાખ ચૂકવી દેવા છતાં તે રૂપિયા માંગતો હતો. આ કેસમાં પણ સજ્જુ સહિત 4 સામે ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત આરોપી સજ્જુ કોઠારી પાસેથી કાપડ વેપારીએ ધંધા માટે 4 ટકા માસિક વ્યાજે લીધેલા 14 લાખ ચુકવી ન શકતા તેને મારી નાખવાની ધમકી આપી હતી.જેથી તેના ડરથી વેપારીએ ધંધો બંધ કરી રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું. આ કેસમાં પણ સજ્જુ સહિત બે સામે ગુનો નોંધાયો હતો.

સરકારી જમીન પર કર્યું હતું દબાણ
કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી RCCનું બાંધકામ કરી લોખંડનો મસમોટો ગેટ બનાવી દીધો હતો. સજ્જુએ 7520 ચો.મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યુ હતું. રસ્તાઓ પર પણ દબાણ કરીને તેણે બારાહજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો અને જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તેનાત કર્યો હતો. આ બાબતે કલેકટરમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતાં લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top