Comments

રાજકીય ગરમી વચ્ચે ‘ભાજપ’ પોતાનામાં મસ્ત, ‘આપ’ ગુજરાત માટે વ્યસ્ત, ‘કોંગ્રેસ’ હજુ ત્રસ્ત !!

ગુજરાતમાં વાતાવરણની ગરમી અને રાજકીય ગરમી વચ્ચે આજકાલ હરીફાઇ જામી છે. માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં સામાન્ય રીતે દર વર્ષે વાતાવરણમાં જે ગરમી પડતી હોય છે, તેના કરતાં આ વખતે જરા વધુ ગરમી અનુભવાઇ રહી છે. એનું કારણ રાજકીય વાતાવરણની વધતી જતી ગરમી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોની ચૂંટણીના વિજય પછી ગણતરીના કલાકોમાં ગુજરાત આવીને બે દિવસમાં ત્રણ-ત્રણ રોડ-શો કરીને 2022 ની વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું વહેલું વહેલું ફૂંકી દીધા પછી રાજકીય વાતાવરણ ગરમાગરમ બનવા લાગ્યું છે. મોદીએ પોતાની બે દિવસની ગાંધીનગર-અમદાવાદની મુલાકાત દરમિયાન જે તે નેતાઓને કદ પ્રમાણે વેતરી નાખ્યા. તેઓ બધા આજકાલ ઢીલાઢસ થઇને બેસી ગયેલા લાગે છે.

જેમને  મોદીએ ભાવ નથી આપ્યો, તેઓની હાલત તો તેમના કાર્યકર્તાવર્ગમાં પણ સાવ કફોડી થઇ ગયેલી છે. કંઇક લોકો સમજી ગયા છે, કે બસ, હવે ભાજપમાં અમારાં અંજળપાણી પૂરાં થઇ ગયાં છે. બીજી તરફ કંઇક લોકોને ટિકિટો મળવાની કે બીજી રીતે મહત્ત્વ મળવાની આશાઓ બંધાઇ છે. આવાં લોકો ખાલી કમળ (એટલે કે નરેન્દ્ર મોદી)ને ધ્યાનમાં રાખીને કામે લાગી ગયા છે. કાશ્મીર ફાઇલ્સ મૂવીએ  ઘણું બધું બળતણ હોમ્યું છે. ભાજપના ટિકિટવાંચ્છુ એટલે કે લાલચુડા લોકોએ આ ફિલ્મને વિશેષ પ્રોજેક્ટ કરવાનું ને મહત્ત્વ આપવાનું પણ શરૂ કરી દીધું છે. ગમે તેમ પણ ઉપરથી નીચે સુધીનાં સૌ કોઇએ મોદી સાહેબની ગુડ બુકમાં રહેવા હવાતિયાં મારી રહ્યાં છે. ઉપરથી નીચે સુધીના કંઇક બોલબચ્ચનો શાંત થઇ ગયા છે.

અઠવાડિયાથી કંઇક સાહેબોનાં નિવેદનો પણ આવવાં ઓછાં થઇ ગયાં છે કે બંધ થઇ ગયાં છે. કંઇક લોકોની રાજકીય એષણાઓ મોદીએ ગાંધીનગરમાં નવી ઇન્ટ્રોડ્યુસ કરેલી પેલી ભગવી ટોપીની નીચે ઢંકાવા પણ માંડી છે. સુજ્ઞ ભાજપીજનો સમજે જ છે કે મોદી સાહેબ રાતોરાત કેસરિયા ટોપી શા માટે લઇ આવ્યા। ભાજપને ને ટોપીઓને કંઇ દૂરના સંબંધો તો નથી જ, પરંતુ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ થઇ રહી છે કે પંજાબમાં આમઆદમી પાર્ટીનો જે રીતે જંગી વિજય થયો, તે જોતાં આ પાર્ટી હવે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં જોર કાઢશે. એટલે આમઆદમી પાર્ટીની સફેદ રંગની ટિપિકલ સ્ટાઇલની ટોપીની સામે વડા પ્રધાન મોદીએ ભાજપની ભગવી ટોપી પ્રચલિત કરવા માંડી છે. હકીકત એ છે કે ગુજરાતમાં આજે ભાજપ કોંગ્રેસથી નથી ડરતો એટલો આમઆદમી પાર્ટીથી ડરવા લાગ્યો છે. ભાજપી અસંતુષ્ટો કેજરીવાલની પાર્ટીની ટોપીઓ પહેરવા ન માંડે એટલે જ પાંચમાંથી ચાર રાજ્યોમાં સત્તાવાપસી કરીને નરેન્દ્ર મોદીએ હવે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરવા માંડ્યું છે.

કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં જેને ભાજપની બી પાર્ટી ગણવામાં આવે છે એ આમ આદમી પાર્ટીએ પંજાબને કબજે કરીને ફરી ગુજરાતમાં લડવાનો જુસ્સો ભેગો કરી લીધો હોવાનું લાગે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની પ્રચંડ જીત પછી એવું માની લઈએ કે, ગુજરાતમાં ભાજપે વધુ સંઘર્ષ નહીં કરવો પડે તો એ સ્વાભાવિક સાચું છે. ભાજપ અને નરેન્દ્ર મોદીના ઘરમાં આમ પણ ભાજપે વધુ ખેડવું પડે એવું છે નહીં. મુદ્દો ખાલી એ હતો કે ગુજરાતનું ઇલેકશન, એ ઇલેકશન જેવું લાગત નહીં, જો આમ આદમી પાર્ટી પંજાબમાં આટલાં પ્રચંડ બહુમતથી જીતી ન હોત તો. ભલે, આપ માટે ગુજરાતને ખેડતાં હજુ બીજાં પાંચ વર્ષ નીકળી જશે, છતાં પણ પંજાબનાં પરિણામો પછી એવું માની લેવું પડે કે ગુજરાતમાં એક નવો વિકલ્પ વિધાનસભા ચૂંટણીમાં હાજર હશે.

ગુજરાતમાં એક નવો વિરોધપક્ષ ઊભો થઈ રહ્યો છે. તકલીફ એટલી જ છે કે, કોંગ્રેસના ગઢમાં આપ જેટલી સરળતાથી ગાબડું પાડી શકી છે, એવો કરિશ્મા હજુ ગુજરાતમાં દેખાડી શકી નથી. મોદી, યોગી, અમિતભાઈ, નડ્ડા સહિતના કદાવર નેતાઓએ જે રીતે યુપીને સર કર્યું એની લહેર, એની પ્રચંડતા સામે કોઈ પણ પાર્ટીએ ટકવું હવે મુશ્કેલ છે. છતાં પણ આમ આદમી પાર્ટીએ જે રીતે પંજાબ સર કર્યું છે એ બાબતને હળવાશથી લેવા જેવી નથી. કેજરીવાલ અને બીજા નેતાઓએ એપ્રિલ મહિનાના પ્રારંભમાં જ ગુજરાતમાં રોડ-શો કરવાનાં આયોજનો ઘડી કાઢ્યાં છે. કેજરીવાલના રોડ-શો યોજાય એ પહેલાં મોદીએ ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગરમાં રોડ-શો કરીને ચીલો ચાતરવાનું શરૂ કરી દીધું છે.  કોંગ્રેસને હજુ જાણે કળ વળતી નથી. નવી દિલ્હી લેવલે જ કોંગ્રેસમાં ઠેકાણાં નથી ત્યાં ગુજરાતનાં સાંધણ ક્યાં કરે! હમણાં મોડે મોડે કોંગ્રેસ મોવડીમંડળે ગુજરાત પ્રદેશ સંગઠનના જમ્બો માળખાની જાહેરાત કરી છે. 75 મહામંત્રીઓ, 25 ઉપપ્રમુખો, અમદાવાદ-રાજકોટ શહેર સહિત 19 શહેર-જિલ્લા પ્રમુખોનાં નામોની જાહેરાત કરીને પાર્ટીના કાર્યકરોને એવો અહેસાસ કરાવવાનો પ્રયાસ કર્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસ હજુય ધબકે છે, ભાજપવાળા પ્રચાર કરે છે એ રીતે પતી ગઇ નથી.

    કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ લોકોને સ્પર્શતા પ્રશ્નોને ઉપાડવાની શરૂઆત જરૂર કરી છે, પણ જોઇએ એવો પબ્લિક-રિસ્પોન્સ એમનો મળતો નથી. કારણ કે કાશ્મીર ફાઇલ્સ જેવા મજબૂત અને નક્કર મુદ્દાઓ લોકોના માનસમાં વધુ ફિટ થઇ ગયેલા છે. એટલે જ કદાચ બે દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયા સુધીનો અને સીએનજી-એલપીજી-પીઓનજીમાં 80 રૂપિયા સુધીનો જે વધારો થયો છે, તેની કોઇ અસર જનમાનસમાં દેખાતી નથી. બીજી વસ્તુઓના ભાવો તો વધે ને ઘટે, ભાજપના ભાવ ચૂંટણી મેદાનમાં વધે એટલે બસ. ચૂંટણી સુધીમાં 100 રૂપિયે લિટર પેટ્રોલ ભરાવીને પણ લોકો ઇવીએમમાં કઇ પાર્ટીનાં બટન દબાવે છે એ જોવાનું રહે છે. બાકી ગુજરાતના ખેડૂતોને આઠ કલાક પૂરતી વીજળી નહીં મળતી હોવાનો મુદ્દો પણ નાજુક જરૂર છે, પણ એટલો પ્રભાવક બની શકતો નથી.

 દર વખતની ચૂંટણીઓની જેમ જ્ઞાતિવાદનો મુદ્દો પણ આજકાલ અણિયાળો બની રહ્યો છે. ખોડલધામવાળા લેઉવા પાટીદાર નેતા નરેશભાઇ પટેલ કઇ પાર્ટીમાં જોડાય છે તેના પર કંઇકની નજરો મંડાયેલી છે. સામે કોળી પટેલ સમાજમાંથી કુંવરજી બાવળિયા, દેવજી ફતેપરા જેવા નેતાઓની રસ્સાખેંચ ચાલે છે. એ સિવાય ઠાકોર, ક્ષત્રિય, આહિર, ચૌધરી, બ્રાહ્મણ, એસસી-એસટી સહિત બધ્ધેબધ્ધા જ્ઞાતિ-સમુદાયોવાળાને ચૂંટણીની ટિકિટો બટોરી લેવાની ચળ ચડેલી છે. સૌ કોઇ શક્તિપ્રદર્શન કરવા લાગી પડેલા છે. પરંતુ આ બધા સારી પેઠે સમજે છે કે આયેગા તૌ કૌન। …બસ એટલે આંધળા થઇને ઘેટાંબકરાંની જેમ આડેધડ દોડી પડે એવા કોઇ નથી. જ્યાં સત્તા હશે, ત્યાં બધા દોડશે એ નક્કી છે. એટલે જ સુજ્ઞ ભાજપીજનો મૂછમાં મલકી રહ્યા છે કે મોદી હૈ તો મુમકીન હૈ.
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top