Business

આધુિનક યુગમાં શોખ સાથે કળા જાળવવા મથી રહ્યાં છે યુવા નાટ્ય કલાકારો

સતત એક જ ઘરેડમાં ચાલતી જિંદગીમાં તાજગી ભરવા માટે મનોરંજન ખૂબ જ જરૂરી છે અને ઇતિહાસ સાક્ષી છે કે રાજા મહારાજાઓના સમયમાં પણ કેટલાક કલાકારો દ્વારા તેમનું મનોરંજન કરવામાં આવતું હતું અને એ પણ કોઈપણ પ્રકારના એડિટિંગ વગર. એ સમયમાં જ્યારે વીજળીની પૂરતી સુવિધા ન હતી તે સમયે લોકોના મનોરંજન માટે નાટક મંડળીઓ દ્વારા ગામે ગામ ફરીને પણ પોતાની કળા દર્શાવીને લોકોનું મનોરંજન કરવામાં આવતું હતું અને તેના દ્વારા જ કલાકારોના પરિવારનું ભરણ પોષણ પણ થતું હતું. ધીમે ધીમે ટીવી અને મોબાઈલ સહિતના મનોરંજનના સાધનો ઉમેરાતાં ગયા અને આજે આપણી પાસે મનોરંજનના અઢળક ગેજેટ્સ ઉપલબ્ધ છે જેના દ્વારા ઘરે બેઠા મનગમતું મનોરંજન મેળવી શકીએ છીએ, પરંતુ તેમ આજની યુવા પેઢીમાં કેટલાક એવા કલાકારો છે જેઓ વર્ષો જૂની રંગમંચની આ કલાને જીવંત રાખવા માટે આજે પણ પ્રયત્નશીલ છે અને સુરતમાં જ પોતાના અભિનયના જાદુ થકી દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આવો આજે આપણે ‘‘વિશ્વ રંગમંચ’’ દિવસે સુરતના રંગભૂમિ સાથે સંકળાયેલા યુવા કલાકારો સાથે વાત કરીએ…

લોકડાઉનમાં ડિજિટલ માધ્યમથી કંટાળેલા લોકો નાટકો તરફ વળ્યા : રોમિક માખીજા
પરફોર્મિંગ
આર્ટનો અભ્યાસ કરનાર 28 વર્ષિય રોમિક માખીજા કહે છે કે, હું છેલ્લાં 5 વર્ષથી આ ક્ષેત્રમાં આવ્યો છું  અને ‘લિિખતંગ લાવણ્યા’, ‘કાળુ એટલે અંધારું’, મૂળરાજ મેન્શન અને અનન્યા વગેરે નાટકોમાં ભાગ લઇ ચૂક્યો છું. અને આ જ ક્ષેત્રે આગળ વધવા માટે મિત્રો સાથે મુંબઈ જવાનું પ્લાનિંગ કર્યું હતું કારણ કે, સુરતમાં કોમર્શિયલ પ્લેટફોર્મનો અભાવ જોવા મળે છે જેથી ફાઈનાન્શિયલ સપોર્ટ માટે મુંબઈમાં સારા સ્કોપ છે. પણ લોકડાઉનના કારણે અમારા બધા પ્લાનિંગ પડી ભાંગ્યા, જો કે સુરતમાં પણ અવાર નવાર નાટકો યોજાતા રહે છે અને લોક ડાઉન દરમિયાન ડિજિટલ માધ્યમથી કંટાળેલા લોકો હવે નાટકો જોવા તરફ વળ્યા હોય એમ લાગી રહ્યું છે કારણ કે લોકોને પણ હવે પ્રત્યક્ષ મનોરંજનમાં રસ પડતો હોય એમ પ્રેક્ષકો અમારું પર્ફોર્મન્સ જોવા આવતાં થયા છે જેથી હાલમાં હું પણ મારાં બિઝનેસની સાથે સાથે રંગભૂમિ પર કામ કરવાની તક ઝડપી લઉં છુ અને ભવિષ્યમાં પણ આ જ ક્ષેત્ર સાથે આગળ વધવા માંગુ છુ.’

સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય : કેશા દેસાઈ
કેશા
દેસાઈને બાળપણથી જ રંગભૂમિનું આકર્ષણ રહ્યું છે અને તેને માતા પિતાના સપોર્ટથી આજે જોબની સાથે પોતાની કળા અને શોખને પણ જીવંત રાખી રહી છે. હાલમાં એંજિનિયર તરીકે જોબ કરતી કેશા જણાવે છે કે, ‘નાની હતી ત્યારથી સ્કૂલની દરેક એક્ટિવિટીમાં ભાગ લેતી હતી પણ મને સ્ટેજ પર અભિનય કરવાની ખૂબ જ મઝા આવતી. જેમ જેમ મોટી થતી ગઈ એમ મારો આ શોખ આગળ વધતો ગયો અને મે સખત પરિશ્રમ કરીને મારો શોખ જાળવી રાખ્યો. મને વર્ષ 20021માં ‘છૂટાછેડા’નાટક માટે ‘બેસ્ટ એકટ્રેસ’નો એવોર્ડ મળી ચૂકયો છે. આ ઉપરાંત ગંગા ચકડોળવાળી, સજા વગેરે નાટકોમાં પણ એવોર્ડસ મળી ચૂક્યાં છે. જો કે ઘણીવાર  એવું થતું કે, રિહર્સલ દરમિયાન બરાબર કામ ન કરું તો સિનિયરોના ગુસ્સાનો ભોગ પણ બનવું પડતું હોય છે અને માતાપિતાનું એકમાત્ર સંતાન હોવાના કારણે આ રીતે ટેવાયેલી ન હોવાં છતાં શીખવાની લાલચમાં બધું ભૂલી જાઉં છુ. કારણ કે, બાળપણથી પરિવારમાથી શીખવવામાં આવ્યું છે કે સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાઈ’. જો કે, આજે કેશા પોતાની સિધ્ધિ રૂપે એવોર્ડ્સ પણ મેળવી ચૂકી છે અને તેને અભિનય ક્ષેત્રમાં આગળ કારકિર્દી બનાવવા માટે ઓફર પણ આવી ચૂકી છે પણ કેશા કહે છે કે, ‘અભિનયને હું મારી હોબી જ રહેવા દેવા માંગુ છુ, વ્યવસાય બનાવવા નથી માંગતી.’

ઝાઝા પૈસા નહીં પણ ઓડિયન્સ તો સુરતમાં મળી જ રહે : નિધિ મુનશી
HR
તરીકે જોબ કરતી 23 વર્ષીય નિધિ મુનશી છેલ્લાં ચાર-પાંચ વર્ષથી રંગમંચ સાથે સંકડાયેલી છે. નિધિ કહે છે કે, નાટકનો શોખ તો મને પહેલાથી હતો જ અને નાટક માટે મુંબઈમાં ઓડિશન થઈ રહ્યું હોવાની મને જાણ થઈ. જો કે દરેક પેરેન્ટ્સને હોય એવી ચિંતા અને લાગણીવશ પહેલા તો મારા પેરેન્ટ્સ આ માટે તૈયાર થયા નહીં પણ પછી મારી ઈચ્છા આગળ ઝુકીને તેમણે મને ઓડિશન માટે પરવાનગી આપી અને મારું સિલેકશન થયા બાદ તેમને પણ આ ક્ષેત્ર યોગ્ય લગતા મને આગળ વધવા માટે પ્રેરણા આપી. ‘ નિધિ આગળ જણાવે છે કે આ ક્ષેત્રમાં ઝાઝા પૈસા તમે કમાઈ નહીં શકો પણ ઓડિયન્સ તો સુરતમાં મળી જ રહે છે અને એટ્લે જ આજે આ કળા ટકી રહી છે અને આગળ જો મને વધુ સારો ચાન્સ મળશે તો હું આ જ ક્ષેત્રમાં આગળ વધવાનું પસંદ કરીશ પણ જોબ તો ચાલુ રાખીશ.

પ્લેટફોર્મને પામવા માટે કલાકારે પોતાની આત્મા સાથે સમાધાન ન કરવું: ધ્વનિ ત્રિવેદી
25 વર્ષિય
ધ્વનિ ત્રિવેદી આજે રંગમંચ બાદ ગુજરાતી સિરિયલ ‘રાશિ રિક્ષાવાળી’ના અભિનય થકી એક જાણીતું નામ છે. છઠ્ઠા ધોરણમાંથી જ રંગમંચના પગથિયાં ચડી ચૂકેલી ધ્વનિ જણાવે છે કે, ‘આજે હું ભલે સિરિયલોમાં પણ કામ કરી રહી છુ પરંતુ રંગભૂમિ તો હું નહીં જ છોડું. કળા એ એવી વસ્તુ છે જેને તમે પૈસાથી તોળશો તો એ ઓછાં જ લાગશે, માટે તમારી પાસે અર્થ ઉપાર્જન માટે પણ કોઈ સોર્સ તો હોવો જ જોઈએ.’ વધુમાં ધ્વનિ જણાવે છે કે, હું જ્યારે આજે આ મુકામ સુધી પહોંચી છુ તેમાં મારો રંગમંચ પ્રત્યેનો લગાવ, સખત મહેનત અને સાથે પેરેન્ટ્સનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. પરંતુ અહિ સુધી પહોંચવા માટે આપણે કલાનું લેવલ જાળવવું પણ ખૂબ જરૂરી છે. આર્ટ અને આર્ટિસ્ટ અભિન્ન રહ્યા છે, કળા અને કલાકાર પ્લેટફોર્મનો મહોતાજ નથી, પ્લેટફોર્મને પામવા માટે કલાકારે પોતાની આત્મા સાથે સમાધાન ન કરવું જોઈએ. હું ટીવી ક્ષેત્રે કોઈપણ સ્ટેજ પર કેમ ન પહોંચી જાઉં પણ નાટકો ભજવવાનું તો નહીં જ છોડું. આજે પણ હું મારા બીઝી શિડ્યુલમાથી સમય ચોરીને નાટકોને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કરતી રહું છુ અને એમાં મને આનંદ પણ મળે છે.

સ્ટેજ પર ચડવાની મઝા જ કંઈ ઓર છે : મેઘ પંડિત
મેઘ પંડિત
જણાવે છે કે, ‘મારાં ફેમિલીમાં મારાં પિતા રંગભૂમિ સાથે સંકળાયેલા હોવાથી બાળપણથી જ મને રંગમંચનો સાથ મળ્યો છે પરંતુ આ ક્ષેત્રે આગળ વધવા માટે હું એસએમસીના વર્કશોપમાં ગયો હતો, જ્યાં શીખતા શીખતા જ સ્પર્ધામાં ભાગ પણ લીધો જેના કારણે આત્મવિશ્વાસમાં વધારો થયો.’ હાલમાં મેઘ પોતાનું પ્રોડકશન હાઉસ ચલાવે છે અને વેબ સીરિઝ પણ બનાવી ચૂક્યા છે તેમ છતાં કહે છે કે, સ્ટેજ પર મનોરંજનનો આનંદ જ અનેરો હોય છે, તેમાથી તમને ઘણું શીખવા મળે છે અને સ્ટેજ પર ચડવાની તો મઝા જ કઈ ઓર છે ત્યાં જ તમારી ખરી પ્રતિભા બહાર આવે છે. ટીવીનો કલાકાર કદાચ સતત સ્ટેજ પર પર્ફોર્મન્સ ન કરી શકે પણ સ્ટેજ કલાકારને કલાકો સુધી વગર રિટેક કામ કરી શકે છે. નાટક ભલે આજીવિકાનું માધ્યમ ન બની શકે પણ જે પણ હું નાટકમાં કામ કરવાનો કોઈ ચાન્સ નથી છોડતો.’

બેબીને વર્કશોપમાં મૂકી ત્યારે મને ચાન્સ મળ્યો : પારૂલ ગાંધી
36 વર્ષિય
પારૂલ ગાંધી આમતો ઈન્સ્યોરન્સના કામ સાથે સંકડાયેલા છે પરંતુ તેમને બાળપણથી જ નાટકોમાં કામ કરવાનું આકર્ષણ રહ્યું છે. પારૂલબહેન કહે છે કે, ‘જ્યારે હું દીકરીના માતા બની ત્યારે મે નાટ્યક્ષેત્રે પગરણ માંડવાની મારી અધૂરી રહી ગયેલી ઈચ્છા દીકરી થકી પૂરી કરવાનું વિચાર્યું. કારણ કે મારા સમયમાં સુરતમાં આવા કોઈ વર્કશોપ ચાલતાં હોય એવું મારાં ધ્યાનમાં નથી. જેથી મને જ્યારે એક્ટિંગ ક્ષેત્રે બાળકો માટે ચાલતાં વર્કશોપ અંગે માહિતી મળી ત્યારે હું મારી દીકરીને લઈને ત્યાં પહોંચી ગઈ અને બાળકીને લેવા મૂકવા જતી વખતે  નસીબજોગે વર્કશોપના સંચાલકે મારી અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખી લીધી અને મને એક નાનકડો રોલ ઓફર કર્યો જે મે સ્વીકારી લીધો. અને ત્યારબાદ મેં િહજરત, સંબંધોની સોનોગ્રોફી અને છેદવિચ્છેદ વગેરે નાટકોમાં અિભનય આપ્યો. ૈૈૈૈપરંતુ લગ્ન બાદ એક સ્ત્રીને ઘણીબધી સામાજિક મર્યાદાઓ હોય છે એટલે શરૂઆતમાં પરિવારના સભ્યો દ્વારા થોડી આનાકાની થઈ પરંતુ મારાં પતિના સપોર્ટના કારણે મે લગ્નજીવનની જવાબદારીઓની સાથે સાથે રંગભૂમિ પર પગરણની શરૂઆત કરી અને આગળ જતાં પણ હું મારો શોખ જીવંત રાખીશ.’

રંગભૂમિ ભલે આજે પ્રેક્ષકગણમાં પોતાનું ખાસ આકર્ષણ જમાવી શકતી ન હોય અને આજીવિકાનું માધ્યમ પણ બની શક્તી ન હોય પણ તેમ છતાં આજની યુવા પેઢીના કેટલાક કલાકારો એવાં છે જેઓ પોતાનો શોખ પૂરો કરવાં અને નાટ્યકળાને જીવંત રાખવાં માટે પોતાની વ્યસ્ત દિનચર્યામાથી થોડો સમય ચોરીને પણ રંગમંચ પર પહોંચી જ જાય છે અને એટલું જ નહીં આજે પણ સારા સ્કોપ ઊભા થાય તો આ જ ક્ષેત્રમાં આગળ વધવા માટે પણ તત્પરતા દર્શાવી રહ્યાં છે

Most Popular

To Top