Business

પ્રિય સન્નારી

કેમ છો?
બે વર્ષ પછી બાળકો એકઝામ આપી રહ્યાં છે એટલે બાળકોની સાથે મમ્મીઓ પણ સ્ટ્રેસમાં હશે પણ કોરોનાનાં બે વર્ષમાં આપણે જીવનના અનેક તબકકે નાની -મોટી એકઝામ આપી છે એટલે હવે આ એકઝામનું ટેન્શન ન હોવું જોઇએ. ખરું ને? દસમા – બારમાની એકઝામ પણ શરૂ થશે. જો કે હવે મોટા ભાગનાં આગળનાં એડમિશન એન્ટ્રન્સ એકઝામ આધારિત હોવાથી બોર્ડનું મહત્ત્વ દિવસે દિવસે ઘટી રહ્યું છે પરંતુ સ્કૂલના સ્ટડીમાં દરેક વિષયના બેઝિક ફન્ડા હોવાથી એ સમજવું જરૂરી છે. એ ક્લિયર ન હોય તો અન્ય કોમ્પિટીટીવ એકઝામમાં તકલીફ પડી શકે. સન્નારીઓ, આજનાં બાળકો માટે સ્પર્ધાનું એક એવું વિષમ જંગલ ઊભું થયું છે કે  એ સો ટકા ટેલેન્ટેડ અને સ્માર્ટ હોય તો પણ ફેંકાઇ શકે. એકાદ ઓછો માર્ક કે રીજેકશન એનાં કોન્ફિડન્સ કે ફયુચર ડ્રીમ્સને હલાવી શકે… સ્પર્ધા એટલી છે કે મહેનત અને ક્ષમતા હોવા છતાં પરિણામની નિશ્ચિતતા નથી.

આવા સમયે બાળકોને પેરન્ટસના સપોર્ટની આવશ્યકતા વધારે છે. વળી, આજકાલ બાળકો નાની – નાની બાબતે સેન્ટી બની જાય છે, ડિપ્રેશનમાં આવતાં વાર નથી લાગતી. તેથી પેરન્ટ્‌સ સમજણ અને ધીરજથી કામ લે. લાસ્ટ મોમેન્ટ પર કોઇ ટીકા- ટિપ્પણી, કટાક્ષ કે આડીઅવળી વાત નહીં. ભવિષ્યની ચિંતાઓની કથા નહીં અને સરખામણી કે હતાશાની છાંટ નહીં…. છેલ્લી ઘડીએ કશું જ બદલી શકાવાનું નથી…. બાળકોને એટલું જ કહેવાનું કે બેટા…. તું તારી મહેનત અને શકિત પર વિશ્વાસ રાખીને આગળ વધ. અત્યારે બીજા કોઇ વિચાર વિના એકઝામને સારી રીતે ન્યાય આપવાનો પ્રયત્ન કર…. પરિણામ કોઇ પણ આવે અમે તારી સાથે છીએ. તારા ફયુચરનો કોઇ ને કોઇ સારો રસ્તો અવશ્ય મળી જશે.

કોઇ પ્રેશર નહીં, કોઇ ખોટી અપેક્ષા નહીં…. કોઇ મુંઝવણ ઊભી કરે એવી સલાહો નહીં…. માત્ર પ્રેમ – લાગણી અને વિશ્વાસ… અને વર્તમાન ક્ષણ પર જ ધ્યાન…. એનાથી બીજું કંઇ નહીં તો બાળકો સ્ટ્રેસ વિના કોન્ફિડન્સથી એકઝામ આપી શકશે. સન્નારીઓ, હમણાં વર્લ્ડ હેપ્પીનેસ ડે ઉજવાઈ ગયો. આપણે હેપ્પીનેસ ઇન્ડેક્સમાં દર વર્ષે પાછળ ને પાછળ જઇએ છીએ. ઇશ્વર – ધર્મ – કર્મની બેસ્ટ ફિલોસોફી અને જીવન જીવવાના અનેકવિધ માર્ગો હોવા છતાં આપણે આનંદિત કેમ નથી? દુનિયાની સરખામણીએ ગરીબી – બેરોજગારી – ઓછી ભૌતિક સગવડો અને હેલ્થ જેવી સમસ્યાઓ આપણી ખુશીને છીનવી લે છે પરંતુ સુખ માત્ર સગવડો પર આધારિત તો નથી જ. આફટર ઓલ એ મનની સ્થિતિ છે જેની સાથે વધતેઓછે અંશે તન પણ જોડાયેલું છે. ખુશ રહેવું એ નિયતિએ નહીં વ્યકિતએ ખુદ નકકી કરવાનું છે અને ખુશીનો ખજાનો વ્યકિતએ પોતાની અંદરથી મેળવવાનો છે.

સન્નારીઓ, આજના સમયમાં હેલ્થ, બ્યૂટી, બોડી ઇમેજ અને આઉટર પર્સનાલીટી જેવી બાબતો વ્યકિતની પોઝિટિવીટીને ખૂબ અસર કરે છે. એથી એના પર કામ કરવું પડે. હેલ્થ ઇસ્યુ સો ટકા હેરીડીટીમાં નથી આવતા. ઘણા આપણે જાતે ક્રીએટ કરીએ છીએ… ઓબેસીટી, બી.પી. કે શુગર જેવા લાઇફ સ્ટાઇલ ડીસીઝને કંટ્રોલમાં રાખીને તનની સ્ફુર્તિ તો અવશ્ય મેળવી શકાય. રોજ વીસ મિનિટની કસરત તનની સાથે મનને પણ સુધારે છે… ઘણી સ્ત્રીઓ પોતાના દેખાવને લઇને દુ:ખી રહે છે. બ્યૂટી એ જન્મની સાથે મળેલી ગિફટ છે એ ન હોય તો આપણે એને માટે જરાય જવાબદાર નથી. જે બાબતની જવાબદારી આપણી નથી એના માટે દુ:ખી થવાનો કોઇ અર્થ ખરો? તમારા હાથમાં તમારી ઇનર બ્યૂટી અને પર્સનાલીટી છે તો એના પર કામ કરો. સ્વભાવ સુધારો, ભલા બનો, ઉદાર અને દયાળુ બનો. ખુશી અંદરથી છલકાશે. રંગ, ઓછી – વધતી હાઇટ કે નાક-નકશા બધું ગૌણ બની જશે. આઉટર બ્યૂટીને અતિક્રમવાની તાકાત ઇનર બ્યૂટીમાં છે. એ જ રીતે સારી મેનર્સ, ડ્રેસીંગ સેન્સ અને બેસ્ટ કમ્યુનિકેશન સ્કીલ્સ દ્વારા પર્સનાલીટી ડેવલપ કરો….. પ્રશંસા અને સન્માન બંને મળશે. વળી, આ બાબતો ખુદ ક્રિએટ કરતા હોવાથી અંદરથી આનંદ મળશે.

બીજું, તમારી ખુશીના માપદંડ તમે જાતે શોધો…. આપણને શું જોઇએ છે એની આપણને ઘણી વાર ખબર નથી હોતી એટલે જયાંત્યાં ફાંફાં મારીએ છીએ અને આનંદથી ભીંજાવાને બદલે સાવ કોરા રહીએ છીએ. શાંત ચિત્તે તમને પ્રસન્નતા આપતી વસ્તુઓનું લિસ્ટ બનાવો અને એને ફોલો કરો…. પછી ભલે એ આકાશને જોવાની ઘટના હોય કે રસોઇ બનાવવાની ઇચ્છા હોય…  અગર આપણને કોઇ  સામાન્ય વાતમાં ખુશી મળે છે તો એને બીજાની અસામાન્ય વાત સાથે સરખાવીને દુ:ખી ન થાઓ… અગર ફ્રી સમયે ફ્રેન્ડ સાથે ગપ્પા મારવામાં મજા આવે છે તો ઇટ્‌સ ઓકે…. બની શકે તમારી ફ્રેન્ડ આ ટાઇમને રીડીંગ કે અન્ય એક્ટિવિટીઝ દ્વારા સભર બનાવતી હોય…. પણ એનાથી તમારે દુ:ખી થવાની જરૂર નથી… કે તમે કંઇ નથી કરતા…. સ્વીકારી લો કે તમારી ખુશીનો અને નોલેજનો માર્ગ ગપ્પા છે રીડીંગ નહીં.  ખુશ રહો. બીજું, ખુશ રહેવા માટે બીજાનાં સર્ટિફિકેટની ચિંતા છોડો… સમાજના નિયમોની કેદમાં પુરાવાના બદલે તમારા ખુદના મોરલ કે સોશ્યલ નિયમ જાતે નકકી કરો. બીજાએ તમારા માટે બનાવેલું પિંજરું તોડીને ઊડો, તમારી બાઉન્ડ્રી તમે જાતે નકકી કરેલી હોવી જોઇએ. નાનાં કે મોટાં કોઇ પણ કામમાં જયારે ખુદનો નિર્ણય, ઇચ્છા, વિશ્વાસ અને વજૂદ જોડાય ત્યારે મુશ્કેલીમાં પણ આનંદના હોર્મોન્સ રીલીઝ થાય છે. સન્નારીઓ, ખુશ રહેવું એ આપણો અધિકાર છે. એને સ્પર્ધા – સરખામણી અને દેખાદેખીથી વેડફીએ નહીં… આપણા સુખની કેડી આપણે જ કંડારીએ… જયાં ઇચ્છા પણ આપણી હોય અને રાજ પણ આપણું જ હોય. તો આવા ખુશીના સામ્રાજય માટે આપ સહુને અમારી શુભેચ્છાઓ.                  
– સંપાદક

Most Popular

To Top