Dakshin Gujarat

ચોમાસામાં વરસાદ નહીં પડે તો પણ ચિંતા નહીં, ઉકાઈ ડેમમાં આટલું પાણી ભરેલું છે!

સુરત: સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાત માટે પીવાના પાણીનો અખૂટ સ્ત્રોત ગણાતા ઉકાઇ ડેમમાં જળરાશી સંતોષપ્રદ પ્રમાણમાં હોવાથી પાણીનો પ્રશ્ન વિકટ નહિ બને તેવો આશાવાદ વ્યકત કરાઇ રહ્યો છે.

  • વખતે ચોમાસું મોળું જાય તો પણ ચિંતા નથી, ઉકાઈ ડેમ 72 ટકા ભરેલો છે!
  • ડેમની હાલમાં સપાટી 332 ફુટ છે, 7414 એમસીએમની કેપેસિટી સામે 5395 એમસીએમ પાણી ડેમમાં છે

દર વરસે ઉનાળા પહેલા રાજયભરના સેંકડો વિસ્તારોમાં જળસંકટ તોળાઇ રહે છે. રાજયના સેંકડો જિલ્લા અને કસબાઓમાં પીવાના પાણીનો કકળાટ મચે છે. આ વરસે પણ રાજયભરના મોટાભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જેને પગલે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે પાણીનો પ્રશ્ન વિકટ સ્વરૂપ ધારણ કરે તેમ છે. આ વિસ્તારોમાં પીવા માટે પાણીના ટેન્કર પહોંચાડવા પડે તેવી હાલત છે. આ પરિસ્થિતિ વચ્ચે ઉકાઇ ડેમમાંથી રાહતના સમાચાર આવ્યા છે.

ઉકાઇ ડેમના ઉચ્ચાધિકારી સંદીપ મહાકાલએ કહ્યું હતું કે, હાલ ડેમમાં 72.73 ટકા પાણી છે. ઉકાઇ ડેમ હજી માત્ર 28 ટકા ખાલી થયો છે. ડેમમમાં હાલ સપાટી 332. 83 ફુટ છે. ઉકાઇ ડેમની ઓવરઓલ વોટર સ્ટોરેજ કેપેસિટી 7414 એમસીએમ છે. જેની સામે ડેમમાં હાલ 5395 એમસીએમ પાણી છે. ગયા વરસે સારા વરસાદને પગલે ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક થઇ હતી. ઉકાઇ ડેમમાં હજી એકવરસ ચાલે તેટલું પાણી છે. જો આ વરસે ચોમાસાની સીઝન કોરી જાય તો પણ સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતભરને પીવાના પાણીની કોઇ સમસ્યા રહેશે. નહિ કારણ કે ડેમમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે.

આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા ઉકાઈ ડેમમાં અત્યારથી આ કામગીરી શરૂ કરી દેવાઈ

ઉકાઇ ડેમનું ભારત સરકારના ડેમ સેફ્ટી એક્ટ મુજબ ઇન્સ્પેક્શન શરૂ
ઉકાઇ ડેમના તંત્રવાહક અધિક્ષક ઇજનેર સંદીપ મહાકાલએ કહ્યું હતું કે, ઉકાઇ ડેમમાં હાલ ભારત સરકારના ડેમ સેફ્ટી રૂલ્સ મુજબ કામગીરી ચાલુ કરી દેવાઇ છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી આવતા મહિના પછી શરૂ થશે, પરંતુ તે પહેલા ડેમમાં સેફટી લઇને અનેક પાસાઓની ચકાસણી કરવાની હોય છે. જેમાં ડેમની સ્ટ્રકચર સ્ટેબિલિટી સહિત અલગ અલગ વિષયો ઉપર તપાસ કરવામાં આવે છે. ઉકાઇ ડેમમાં માટી ભરાઇ હોય તો તે જોવાઇ છે. તે ઉપરાંત ઉકાઇ ડેમના ડિઝાઇન સેકશન મુજબ ચકાસણી કરવામાં આવે છે. ચોમાસા દરમિયાન ‘ન કરે નારાયણ’ કોઇ આકસ્મિક સ્થિતિ આવી પડે તો ડેમના પાળા સુધી ફરી શકાય અને ત્યાં સુધી જઇ શકાય તે માટે આંતરિક રસ્તાઓનું કામ ચાલુ કરી દેવાયું છે. ઉકાઇ ડેમની પ્રોટેકશન વોલ તેમજ ગાઇડ વોલની કામગીરી પણ ધમધમવા માંડી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન ઉકાઇ ડેમમાં પાણીની આવક વધે તો વહેણના કારણે કિનારાના ભાગે માટીનું ધોવાણ ન થાય તે માટે પણ પગલા લેવાયા છે. આ સાથે સાથે ઉકાઇ ડેમમાં કામગીરીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.

નવા ગેજ સ્ટેશન અંગે સેન્ટ્રલ વોટર રિસોર્સ કમિશન નિર્ણય કરશે
ઉકાઇ ડેમના ઉપરવાસમાં હાલ ચાળીસથી વધારે ગેજ સ્ટેશન છે. ખાસ કરીને સને-2006ના વિનાશક પૂર બાદ મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશ રાજયના ડાર્ક ઝોન વિસ્તારમાં પાણીનો કયાસ કાઢવા ટેલીમેટ્રી સિસ્ટમ સેટ કરાઇ હતી. આ વરસે ઉપરવાસમાં નવા ગેજ સ્ટેશન મૂકવા અંગે સીડબલ્યુસીની ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજયના ઉચ્ચાધિકારીઓ સાથે બેઠક યોજાશે. આ બેઠક બાદ નવા ગેજ સ્ટેશન અંગે વિચારણા કરાશે.

Most Popular

To Top