Madhya Gujarat

માતરની સિંચાઇ વિભાગની કચેરીએ ખેડૂતોનું હલ્લાબોલ

નડિયાદ: માતર તાલુકાના કેટલાક ગામના ખેડૂતોને સિંચાઇ માટે જરૂરી પાણીનો પુરવઠો મળતો ન હોવાથી આ મામલે ખેડૂતો ઓફિસ સમય દરમિયાન રજૂઆત કરવા માટે સિંચાઇ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કોઇ અધિકારી ન મળતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને જો શનિવાર સુધીમાં પાણી આપવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી. છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટે પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. માતરમાં ઉનાળુ શરૂ થતાંની સાથે જ પાણીની બૂમ શરૂ થઇ છે. તાલુકાના ત્રણથી વધુ ગામના ખેડૂતોને સિંચાઇ માટે પાણી ન મળતાં શુક્રવારે ખેડૂતો સિંચાઇ વિભાગની કચેરીએ ઓફિસ ટાઇમ દરમિયાન રજૂઆત કરવા પહોંચ્યા હતા.

જોકે, કોન્ટ્રાક્ટ ઉપરના બે કર્મચારીઓ સિવાય કોઇ જ હાજર ન હતું. માતર, ઉટાઈ અને ખડીયારપુરાના 50 થી વધુ ખેડૂતો શુક્રવારે ડાંગરના પાકમાં પાણી મળે તે માટે રજુઆત કરવા માતર સિંચાઈ વિભાગની ઓફિસે પહોંચ્યા, તે સમયે તેમને સાંભળવા કોઈ અધિકારી ઓફિસમાં હાજર જ ન હોવાથી ખેડૂતો રોષે ભરાયા હતા અને શુક્રવાર સુધીમાં ખેતી માટે પાણી નહીં મળે તો સિંચાઈ વિભાગની કચેરી બહાર જ આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી. અન્ય ગામોને પાણી મળે છે તો બીજા ગામના ખેડૂતોને કેમ નહીં ? તેવો પ્રશ્ન પણ ખેડૂતો દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. જો સમયસર પાણી નહીં મળે તો પાકને નુકસાન થવાની ભિતી છે અને તેનું વળતર કોણ આપશે ? તેવા સવાલો પણ ખેડૂતોએ ઉઠાવ્યા હતા. ઓફિસ ટાઇમમાં પણ સરકારી બાબુઓ કચેરીમાં પોતાની ફરજ પર હાજર રહેતા ન હોવાની વાત પણ ખેડૂતોને ખટકી હતી અને આ બાબતે જરૂર પડે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તૈયારી ખેડૂતોએ બતાવી છે.

ફોર્મ ભરાવી અને પાણી મળશે તેવી બાંહેધારી આપવામાં આવી હતી
માતર સિંચાઈ વિભાગ દ્વારા દરેક ખેડૂતના ખેતરમાં સર્વે કરીને ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ખેતી માટે પાણી મળશે તેમ જણાવ્યું હતું. સંધાણા અને ઉઢેલા કેનાલમાં પાણી ચાલુ છે. અમારે જ પાણી 11 માર્ચથી બંધ થયું છે. અમારો ડાંગરનો પાક પાણી નહીં મળે તો નિષ્ફળ જશે. માતર સિંચાઈ વિભાગની ઓફિસમાં અમે ખેડૂતો રજુઆત કરવા આવેલા, પરંતુ કોઈ અધિકારી મળ્યા નથી. 
– સમીરહુસેન મલેક, ખેડૂત

કચેરીએ આમરણાંત ઉપવાસ કરીશું
સરકાર અને સિંચાઈ વિભાગ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે, ખેતી માટે 31 માર્ચ સુધી પાણી મળશે. પરંતુ 11 માર્ચથી જ માતર સિંચાઈ વિભાગની માઈનોર અને સબ માઈનોર કેનાલમાં પાણી બંધ છે. પાણી નહીં મળે તો ત્રણેય ગામમાં 1500 થી 2000 વિઘામાં ડાંગરનો પાક નિષ્ફળ જશે. જેના કારણે ખેડૂતોની હાલત દયનીય થઈ જશે. જેથી ખેડૂતોને મરવાનો વારો આવશે. અમો ઘરે કે ખેતરમાં મરવાની જગ્યાએ સિંચાઈ વિભાગની ઓફિસે જ કાલ સુધીમાં પાણી નહીં મળે તો આમરણાંત ઉપવાસ કરીશું. – ભગવતસિંહ પરમાર, તાલુકા પંચાયત સભ્ય, માતર

પાંચના મહેકમ સામે ૧ જ સેક્શન અધિકારી
માતર સિંચાઇ વિભાગની કચેરીમાં ફક્ત બે જ કર્મચારી છે, જે કોન્ટ્રાક્ટ પર છે. વિભાગની ઓફિસમાં ડેપ્યુટી ઇજનેર, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ટેક્નિકલ આસિસ્ટન્ટ,સિંચાઈ વિભાગના કર્મચારી આ બધા અન્ય જગ્યાએ ચાર્જમાં છે. નવાઈની વાત એ છે કે માતર સિંચાઈ વિભાગની ઓફિસમાં સેક્શન  ઓ?????? ફિસરની કુલ જગ્યા સામે માત્ર એકજ અધિકારી ફરજ બજાવી રહ્યા છે. જેમાં માતરમાં 2,ત્રાજમાં 1,પીજમાં 1,સંધાણામાં 1 એમ કુલ 5 અધિકારી હોવા જોઈએ, પરંતુ આ 5 કચેરીઓ વચ્ચે 1 જ સેક્શન અધિકારી ફરજ બજાવે છે. માતરની બંને સેક્શન ઓફિસમાં શુક્રવારે તાળાં જોવા મળ્યા હતા.

Most Popular

To Top