Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) કોવિડ-19ની કોવિશિલ્ડ રસીની માંગ ધીરે ધીરે વધી રહી છે ત્યારે રસી (Vaccine) આગામી માર્ચ મહિના સુધી સામાન્ય જનજીવન સુધી પહોંચી શકે તેમ નથી. કારણ કે શહેરના 42 હજાર મેડિકલ સ્ટાફને પહેલા રસી અપાઈ રહી હોવાથી તેઓનો પહેલો રાઉન્ડ પુરો થતાની સાથે જ બીજો રાઉન્ડ આવી જશે. સામાન્ય રીતે 28 દિવસના રોટેશન મુજબ આ કોવિશિલ્ડ રસી મુકવામાં આવે છે.

સુરતમાં કોવિડ-19ના કેસ દિન પ્રતિદિન ઓછા થઇ રહ્યા છે. આજે શહેરમાં 81 પોઝિટિવ કેસ અને જિલ્લામાં 17 પોઝિટિવ કેસ આવ્યા છે. જયારે આજે એકપણ દર્દીનું મરણ થવા પામ્યું નથી. કોવિડ-19ની વેક્સિન કોવિશિલ્ડનો પ્રારંભ શહેર જિલ્લામાં ગત તારીખ 16 જાન્યુઆરીથી થવા પામી છે. સુરત મહાનગર પાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ શહેરના અલગ અલગ ઝોન, હોસ્પિટલ અને હેલ્થસેન્ટર તથા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કુલ 1248 જેટલા લોકોને પ્રારંભના પહેલા દિવસે રસી આપવામાં આવી હતી.

આ રસી તબીબો અને પેરામેડિકલ સ્ટાફમાં સફળતા પુર્વક કામ કરી ગઇ છે. જેના કારણે તેની ડિમાન્ડ હવે ધીરે ધીરે વધવા માંડી છે. કોવિડ-19ના રસી શરૂઆતમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફ મુકાવવા માટે જલ્દી રાજી થયા ન હતા. પરંતુ તે સફળ રહેતા તે તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ રસી મુકાવવા માટે આગળ આવી રહ્યો છે. સ્મીમેર અને સિવિલમાં પણ તબીબો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા રસીની માંગ શરૂ કરવામાં આવી છે. સ્મીમેરમાં પણ કોવિડ-19ની કોવિશિલ્ડ રસી મુકાવવા માટે ત્રણ-ચાર દિવસનું લાંબુ વેઇટિંગ લિસ્ટ બન્યું છે.

સુરતમાં ખાનગી અને સરકારી અને અર્ધસરકારી મળી કુલ 42 હજાર જેટલો પેરામેડિકલ સ્ટાફને આગામી દિવસોમાં કોવિશિલ્ડ રસી મુકવામાં આવશે. હાલમાં શહેર અને જિલ્લામાં સપ્તાહમાં ત્રણ દિવસ કોવિશિલ્ડ રસી આપવામાં આવે છે. જેથી તેની ડિમાન્ડ વધુ ઉભી થવા પામી છે. રસી તબીબો અને પેરામેડિકલ સ્ટાફમાં સફળ રહેતા હવે તેને શહેરમાં સપ્તાહમાં ત્રણ દિવસના બદલે સાત દિવસ રસી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગઇકાલે કોવિડ-19ની કોવિશિલ્ડ રસી મુકવામાં આવી રહી છે. પહેલા દિવસે 82 લોકોને રસી આપ્યા બાદ ગઇકાલે 193 લોકોને રસી આપવામાં આવી છે. સ્મીમેરમાં 99 મહિલા અને 94 પુરુષોને રસી મુકવામાં આવી હતી.

To Top