મહુવામાં રાહત દરની દુકાન પર ઘઉંના વિકલ્પ તરીકે હલકી કક્ષાની જુવારની પધરામણી

અનાવલ: મહુવા (Mahuva) તાલુકામાં કેટલીક નામચીન સસ્તા અનાજના દુકાનધારકો મનસ્વી રીતે પુરવઠા વિભાગ દ્વારા નહીં ફાળવાતાં એવા જુવારના જથ્થાને પણ ઘઉંના (Wheat) વિકલ્પ તરીકે પધરાવી મોટો ભ્રષ્ટાચાર (Corruption) આચરવામાં આવતો હોવાની સ્થાનિક જાગૃત જનતામાં રાવ ઊઠી છે. ત્યારે તાલુકાનું સંલગ્ન વહીવટી તંત્ર ઊંઘતું હોવાનું સાબિત થઈ રહ્યું છે .મહુવા તાલુકાનાં ગામોમાં કેટલીક નામચીન સસ્તા અનાજની દુકાનોમાં કાળા બજાર ચરમસીમાએ પહોંચી ગયો હોવાની પ્રતીતિ થઈ રહી છે.

તાલુકામાં પુરવઠા વિભાગ દ્વારા જુવારના જથ્થાને ફાળવવામાં જ આવ્યો નથી. છતાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા કોઈપણ જાતની પરવાનગી વિના જ ગરીબ લાભાર્થી પરિવારોને ઘઉંના વિકલ્પ તરીકે જુવાર પણ આપી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તંત્રની મિલીભગત કે છૂપા આશીર્વાદ વિના આ કારભાર ચાલતો હોવાની વાત જાગૃત જનતાને ગળે ઊતરતી નથી.

એકબાજુ જ્યારે સરકાર દ્વારા પુરવઠા વિભાગની દેખરેખ હેઠળ પણ જો તાલુકામાં જુવારનો જથ્થો ફાળવવામાં જ નહીં આવ્યો હોવા છતાં જો સસ્તા અનાજના દુકાનદારો જુવારનો વેપલો કેવી રીતે કરી શકે? સ્થાનિક તાલુકાનું વહીવટી તંત્ર આ બાબતે અજાણ છે કે અજાણ હોવાનો ઢોંગ કરે છે? શું આ બાબતે કોઈ તપાસ જ નથી કરવામાં આવતી? આવા અનેક પ્રશ્નો તાલુકાની જાગૃત જનતામાં ઉદભવ્યા છે. ત્યારે આ બાબતે ઉચ્ચસ્તરીય તંત્ર તપાસ કરે તો મસમોટું ભોપાળું બહાર આવે તેમ છે.

સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ઘઉંના જથ્થાને જે ખેલ કરી બચાવાતો હોય તે ઘઉંના જથ્થાને આટા મિલોમાં વેચવામાં આસાની રહે અને ખિસ્સાં પણ ગરમ રહે એ માટે જ આ ખેલ રમાતો હોવાનું જણાઈ રહ્યું છે. તપાસ કરતા ચોંકાવનારી માહિતી મળી કે, દુકાનદારો આ ભ્રષ્ટાચારની ગંધ બહાર નહીં આવે એ માટે તદ્દન નિમ્ન કક્ષાના જુવારના જથ્થાને સસ્તા અનાજની દુકાનોમાં નહીં રાખીને અન્ય ઠેકાણે રાખવામાં આવે છે. જેથી આ બાબતે તપાસ થાય તો પણ ઉની આંચ નહીં આવે અને કૌભાંડનો પર્દાફાશ નહીં થાય.

મળતા ઘઉંના જથ્થા કરતાં જુવારનો અડધો પુરવઠો અપાતો હોવાની માહિતી
કેટલાક લાભાર્થીઓને આ બાબતે પૂછતાં ચોંકાવનારી માહિતી જાણવા મળી કે, પરિવારને ફાળવેલા નિયત ઘઉંના જથ્થાના બદલે પરિવારને જુવાર વિકલ્પ પસંદ કરે તો ઘઉંના જથ્થાના પ્રમાણમાં જુવાર અડધા પ્રમાણમાં જ આપવામાં આવે છે.

અમે સપ્લાય કરતા નથી રામુભાઈ ગામીત, ગોડાઉન મેનેજર
અમારા દ્વારા તાલુકાના પરવાનેદારને ઘઉં, ચોખા, ખાંડ અને મીઠુ જ આપવામાં આવે છે. જુવાર અમારા દ્વારા તાલુકામાં સપ્લાય થતી નથી. વચ્ચે તુવર દાળ આપવામાં આવી હતી. પરંતુ તે પણ હવે બંધ છે.

રાહતની દુકાન પર જુવાર વિતરણ થતી નથી: મનીષા પટેલ
મહુવા પુરવઠા નાયબ મામલતદાર મનીષાબેન પટેલે રજા પર હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાલુકામાં સસ્તા અનાજની દુકાન પર જુવાર વિતરણ થતી નથી. અને પરવાનેદાર ઘઉંની જગ્યાએ જુવાર વેચી પણ શકે નહીં. જ્યારે આ બાબતે વધુ માહિતી માટે ઇનચાર્જ પુરવઠા નાયબ મામલતદાર રાકેશ જાદવને ફોન કરતાં તેમણે ફોન રિસીવ કર્યા ન હતા.

Most Popular

To Top