વાંસદા કોલેજ પાસે બસ સ્ટેન્ડનો અભાવ, વિદ્યાર્થીઓ ઝાડ નીચે ઉભા રહેવા મજબૂર

વાંસદા : વાંસદા (Vansada) તાલુકાના હનુમાનબારી ગામે આવેલી સરકારી કોલેજમાં (college) હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે કોલેજ પાસે બસ સ્ટેન્ડની (Bus stand) સુવિધા આજે વર્ષોથી નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ ખુલ્લા ઝાડ નીચે જોખમી રીતે બસની રાહ જોવા મજબૂર બન્યા છે.

વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે આટ્સ કોલેજ આવેલી છે. અહીં વાંસદા સહિત તાલુકાના ૯૫ ગામડાઓમાંથી ૧૨ પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરવા માટે આવે છે, આ કોલેજમાં આશરે ૧૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં વાંસદા સહિત ચોરવણી, નીરપણ, ખાટાઆંબા, માનકુનીયા, વાટી- કાળાઆંબા જેવા અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાંથી તેમજ વ્યારા, ધરમપુર, વલસાડ, આહવા-ડાંગ તેમજ સુરત જિલ્લાના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવતા હોય છે. પરંતુ કોલેજ પાસે વિદ્યાર્થીઓ માટે વર્ષોથી બસ સ્ટેન્ડ જેવી આવશ્યક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓએ ઉનાળો, શિયાળો અને ચોમાસામાં કોલેજ બહાર ઝાડની નીચે સહારો લઇ બસની રાહ જોવા મજબૂર બની રહેવું પડે છે.

વૃક્ષ નીચે ઊભા રહી બસની રાહ જોવામાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જોખમ ભર્યું
વૃક્ષ નીચે ઊભા રહી બસની રાહ જોવામાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જોખમ ભર્યું રહે છે. આ કોલેજ વાપી-શામળાજી હાઇવે પર આવેલી હોય અને રોડથી નજીક હોવાથી ત્યાં જિબ્રા ક્રોસિંગ અને સ્પીડ બ્રેકરની પણ જરૂરિયાત ઊભી થઈ છે. આ બાબતે કોલેજના આચાર્યએ અગાઉ સંબંધિત અધિકારીને રજૂઆત પણ કરી હોવા છતાં તંત્રને ફરફ પડતો નથી. વિદ્યાર્થીઓ માટે કોલેજ પાસે બસ સ્ટેન્ડની સુવિધાનો વહેલી તકે ઉકેલ આવે એવી વિદ્યાર્થીઓની માંગ રહી છે

  • કોલેજ પાસેથી હાઇવે પસાર થતો હોવાથી જીબ્રા ક્રોસિંગ અને સ્પીડ બ્રેકર જરૂરી છે : આચાર્ય
    અહીં વાંસદા સહિત અન્ય જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. કોલેજ પાસેથી વાપી-શામળાજી હાઇવે પસાર થતો હોય, જેને લઇ કોઇ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે કોલેજ પાસે જીબ્રા ક્રોસિંગ અને સ્પીડ બ્રેકર જરૂરી છે. જે બાબતે કોલેજ દ્વારા અગાઉ અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે.
  • ટૂંક સમયમાં ત્યાં પિકઅપ સ્ટેન્ડ બની જશે: શિવેન્દ્રસિંહ સોલંકી જિલ્લાપંચાયત શાસકપક્ષના નેતા
    કોલેજ પાસે અગાઉ સરકાર દ્વારા એસ.ટી બસ માટે પિકઅપ સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું. પણ એ હાલ જર્જરીત હાલતમાં છે, કોલેજના બાળકોને પડતી હાલાકી ધ્યાન પર આવી છે ત્યારે પિકઅપ સ્ટેન્ડ માટે યોગ્ય જગ્યાએ દરખાસ્ત કરવામાં આવી છે. ટૂંક સમયમાં ત્યાં પિકઅપ સ્ટેન્ડ બની જશે.

Most Popular

To Top