કોવિડના રોગચાળામાં ભારત અને વિશ્વમાં આર્થિક અસમાનતા વધુ વકરી છે

આમ તો હવે આ વાતો બહુ નવાઇ જેવી પણ લાગતી નથી. વિશ્વના અને ભારતના ટોચના ધનવાનો પાસે કેટલી અઢળક મિલકતો છે તેના આંકડાઓ સમયે સમયે આવતા રહે છે. પરંતુ હાલમાં આમાં એક નવી વાત એ આવી છે કે ભારતના ટચના દસ ધનવાનો પાસે એટલી અઢળક સંપત્તિ છે કે તેઓ જો રોજના 7.4 કરોડ રૂપિયા ખર્ચે તો તેમની મિલકતો 84 વર્ષ સુધી ચાલે! આના પરથી અનુમાન બાંધો કે આ ધનપતિઓ પાસે કેટલી અઢળક સંપત્તિ હશે. આ કોવિડના રોગચાળા દરમ્યાન સમાજના ઘણા બધા લોકોએ આવક અને રોજગારીની બાબતમાં ઘણુ સહન કરવું પડયું છે. ઘણા બધા લોકોએ આપણા દેશમાં નોકરીઓ ગુમાવી છે, ઘણા લોકોએ વેપાર-ધંધાની બાબતમાં ફટકા ખાવા પડયા છે તો કેટલાકે તો પોતાના ધંધાઓથી સદંતર હાથ જ ધોઇ નાખવા પડયા છે. આવા સમયે ભારતમાં રોગચાળાના સમયમાં ટોચના ધનવાનોની કુલ મિલકતો વધીને બમણી થઇ ગઇ છે. એટલું જ નહીં દેશમાં અતિ ધનાઢય કે ધનકુબેર જેને કહી શકાય તેવા લોકોની સંખ્યા પણ વધી છે. ભારતમાં ધનકુબેરો 102 હતા તે રોગચાળાના સમયગાળા દરમ્યાન 39 ટકા વધીને 142 પર પહોંચ્યા છે! એમ કહી શકાય કે રોગચાળાના સમયગાળા દરમ્યાન કેટલાંક લોકોને એટલી અઢળક કમાણી થઇ છે કે તેઓ ધનવાનમાંથી અતિધનવાન બની ગયા છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઓનલાઇન દાવોસ એજન્ડા સમિટના પ્રથમ દિવસે ઓકસફામ ઇન્ડિયા દ્વારા તેનો વાર્ષિક અસમાનતા સર્વે રિપોર્ટ જારી કર્યો છે જે અહેવાલના જણાવ્યા પ્રમાણે ભારતના ટોચના દસ ધનપતિઓ પાસે એટલી સંપત્તિ છે કે તેઓ દેશની તમામ શાળાઓ અને ઉચ્ચતર વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરતાં બાળકોનો ખર્ચ પચ્ચીસ વર્ષ સુધી આપી શકે તથા ધનપતિઓ રોજના 7.4 કરોડ રૂપિયા ખર્ચી નાખે તો પણ તેમની મિલકતો 84 વર્ષ સુધી તો ટકી રહે. જે બાબત આપણે શરૂઆતમાં જ જોઇ ગયા. આ રસપ્રદ અહેવાલ વધુમાં એમ પણ જણાવે છે કે દેશના ટોચના દસ ધનવાનો પર વધારાનો એક ટકા વેરો નાખવામાં આવે તો તે રકમમાંથી 17.7 લાખ ઓકિસજનના વધારાના સિલિન્ડરો ખરીદી શકાય. જયારે દેશના 98 સૌથી વધુ ધનવાન અબજપતિ કુટુંબો પર આટલો જ મિલકતવેરો નાખવામાં આવે તો તેનાથી આયુષ્યમાન ભારત યોજના કે જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે તેના માટે સાત વર્ષ સુધી ભંડોળ પૂરું પાડી શકાય. આ 98 અબજપતિ કુટુંબોમાં દેશના ટોચના દસ ધનકુબેર કુટુંબો આવી જ જાય છે.

આ 98 અબજપતિઓ સાથે દેશમાં અતિ ધનવાન કહી શકાય તેવા અબજપતિઓની સંખ્યા વધીને 132 થઇ છે અને આમાંથી 98 ધનાઢયો પાસે એટલી મિલકતો છે કે જેટલી મિલકતો દેશના તળિયાના 40 ટકા લોકો જેમાં 55.5 કરોડ લોકો આવે છે જેઓ સૌથી ગરીબ છે તે બધાની મિલકતો ભેગી કરીએ તો થાય! આ બાબત સૂચવે છે કે ભારતમાં તળિયાના કરોડો લોકો અને ટોચના સો કરતાં પણ ઓછા લોકો વચ્ચે મિલકતની કેટલી જબરજસ્ત અસમાનતા છે. આપણે અહીં ભારતમાં પ્રવર્તતી આર્થિક અસમાનતાની વાત કરી રહ્યા છીએ પરંતુ વૈશ્વિક સ્તરે પણ આર્થિક અસમાનતાની સ્થિતિ કંઇ બહુ જુદી નથી. યુરોપના કેટલાક દેશોમાં તો આર્થિક અસમાનતાએ સમાજના તળિયાના વર્ગમાં ભારે અજંપો પેદા કર્યો છે અને ફ્રાન્સના યલોવેઇસ્ટ તોફાનો આનું ઉદાહરણ હતા. રોગચાળામાં અનેક પશ્ચિમી દેશોમાં પણ આર્થિક અસમાનતા વકરી હોવાનું જણાય છે. રશિયા અને ચીન જેવા મૂળ સામ્યવાદી દેશોમાં પણ આર્થિક અસમાનતા વધી છે. ચીન અને રશિયાના ટોચના ધનપતિઓ પાસે કેટલી મિલકતો છે તે હવે જાણીતી હકીકત બની ગઇ છે.

વિશ્વમાં આર્થિક અસમાનતા વધવા માટે મહત્ત્વનું કારણ વિવિધ દેશોની સરકારનો વધેલો મૂડીવાદ તરફી ઝોક છે એમ માનવામાં આવે છે. ભારતમાં આર્થિક અસમાનતા અંગે ઓકસફાગનો અહેવાલ જણાવે છે કે સરકાર આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સુરક્ષા પાછળ ઓછો ખર્ચ કરે છે અને તેની સાથોસાથ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રનું ખાનગીકરણ વધ્યું છે. મોટા આરોગ્ય ખર્ચાઓ ગરીબોને વધુ ગરીબ બનાવે છે જયારે ખાનગીકરણને કારણે મોંઘું બનેલું શિક્ષણ પ્રાપ્ત કરવાની ગરીબોની તકો ઘટી જાય છે અને તેને કારણે તેમનો આર્થિક વિકાસ પણ અવરોધાય છે. આ અભ્યાસ અહેવાલમાં સરકારને વિનંતી કરવામાં આવી છે કે તે આવક ઊભી કરવાની તેની પધ્ધતિઓમાં ફેરફાર કરે, કરવેરાની વધુ પ્રગતિશીલ રીતો અપનાવે તથા આરોગ્ય, શિક્ષણ જેવી બાબતો તરફ વધુ ખર્ચ કરે. સરકાર આવાં બધાં સૂચનોને હવે બહુ ગણકારતી નથી તે એક કઠોર વાસ્તવિકતા છે.

Most Popular

To Top