મૂળ સુરતી ગર્લ રાજીતા શાહે UK ના ‘BAFTA’ એવોર્ડમાં આ પ્રતિષ્ઠીત સન્માન મેળવી ડંકો વગાડ્યો

એવું કહેવાય છે કે વ્યકિત જો કોઇ દૃઢ નિશ્ચય કરે તો તે મેળવી જ શકે છે, આ વાત સાબિત કરી બતાવી છે સુરતની રાજીતા શાહે. રાજીતા સુરતના પ્રખ્યાત ગાર્ડન મીલ્સવાળા રાજન શાહ અને મિતા શાહની દિકરી છે. જે લગ્ન પછી લંડન સ્થાયી થઇ છે. જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે દૂર દૂર સુધી કોઇ લેવાદેવા નહોતી, તેણે આજે લંડનમાં તેની પોતાની કંપની હેઠળ બનેલી ફિલ્મ ‘લવ સારાહ’ માટે ‘BAFTA બ્રેકથ્રુ પ્રોડયુસર’નું સન્માન મેળવ્યું છે. આ સુરતીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે.

કઇ રીતે ફિલ્મ લાઇનમાં આવી?
રાજીતા જયારે આઠ વર્ષની હતી ત્યારથી જ કવિતાઓ વગેરે લખતી હતી. જયારે તે દસ વર્ષની થઇ ત્યારે તેના પપ્પાએ એને એક કેમેરો અપાવ્યો હતો. તે પહેલેથી સ્ક્રીપ્ટ લખીને રાખતી અને બધા ફ્રેન્ડસને ભેગા કરી તેઓને પોતપોતાના રોલ આપી શોર્ટ ફિલ્મ બનાવતી. એ માને છે કે એના પર એના પપ્પા રાજનભાઇનો સર્જનાત્મક પ્રભાવ રહ્યો છે. રાજીતા 16 વર્ષની ઉંમરે મુંબઇ ભણવા ગઇ ત્યારબાદ એણે USમાં યુનિવર્સિટી ઓફ વિઝયુઅલ આર્ટસ માંથી ફિલ્મ મેકીંગનો અભ્યાસ કર્યો. ગ્રેજયુએશન પછી એણે 4-5 પ્રોજેકટસ પર ડિરેકટર તરીકે કામ કર્યું પણ તેને એડીટીંગ, સ્ટોરી શોધવી, ફાયનાન્સ મેનેજ કરવું વગેરે જેવા અલગ અલગ કામોમાં રૂચી હતી, જે તેને પ્રોડયુસર બનવા તરફ લઇ ગઇ. લંડનમાં સામાન્ય રીતે ફિલ્મ સર્જકો કે પ્રોડયુસર્સ ફિલ્મ પાછળ પોતાના પૈસા ઇન્વેસ્ટ નથી કર્યા પરંતુ તેને માટે અલગ ફાયનાન્સર હોય છે એને એકઝીકયુટીવ પ્રોડયુસર કહેવાય છે.

રાજીતાએ પોતાની કંપની શરૂ કરી
રાજીતાએ પંજાબી પરિવારમાં લગ્ન કર્યા અને ત્યારબાદ તે લંડન સ્થાયી થઇ. ફિલ્મ લાઇનમાં આવવા પહેલા એણે ઘણી નાની મોટી જોબ્સ પણ કરી હતી. 2010ની સાલમાં એણે લંડનમાં મિરાજ ફિલ્મ્સ નામની પોતાની પ્રોડકશન કંપની સ્થાપી. જેને માટે તેને UK સરકાર દ્વારા આપવામાં આવતું ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું ફંડ BFI માંથી પણ ફંડીંગ મળ્યું. રાજીતા કહે છે અહીં UK માં ફિલ્મ લાઇનમાં મેં ભાગ્યે જ કોઇ ઇન્ડિયન્સ કે એશિયન્સને કામ કરતા જોયા છે. હું UK ની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી જૂજ ભારતીયોમાંથી એક હોઇશ. મિરાજ ફિલ્મ હેઠળ બનેલી નોંધનીય ફિલ્મોમાંની બનેલી એક ફિલ્મ છે ઝોહરા. આ ઉપરાંત BAFTAનું સન્માન મેળવનારી એની ફિલ્મ ‘લવ સારાહ’ પણ આ જ કંપનીના બેનર હેઠળ બની છે.

રાજીતાની ફિલ્મ ‘લવ સારાહ’ વિષે
રાજીતા કહે છે કે આ ફિલ્મના ડિરેકટરને તે કાન (CANNES) ફિલ્મ ફેસ્ટીવલમાં મળી હતી અને ચાર વર્ષ પહેલાં તેઓએ આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કર્યું. ડિરેકટરને એની માતાને ગુમાવવાનું ઘણું દુ:ખ હતું જેના પરથી આ ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી છે.
ફિલ્મ ‘લવ સારાહ’ વિષે જણાવતા રાજીતા કહે છે કે આ ફિલ્મમાં એક છોકરી એની માતાને ગુમાવી બેસે ત્યારબાદ એની બેસ્ટ ફ્રેન્ડ તથા ગ્રાન્ડમાને સાથે રાખીને એક બેકરી શરૂ કરે છે. જેમાં તેઓ અલગ અલગ જગ્યાએથી મંગાવેલી કેકસ તથા બેકરી પ્રોડકટસ વેચે છે. આ બેકરી ચાલશે કે નહીં એની તેઓને ખબર નથી પરંતુ એને લગતી જર્ની આમાં બતાવવામાં આવી છે.

ફેમિલીનો ખુબ સપોર્ટ મળ્યો છે: રાજીતા શાહ
રાજીતા કહે છે કે જયારે મારી દિકરી બે વર્ષની હતી ત્યારે મેં આ ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે એવું પણ બન્યું હતું કે મેં 4-5 મહિના મારી દિકરીને લગભગ જોઇજ નહોતી પણ તેવા સમયે મારા સાસુ-સસરા અને મારા હસબન્ડે મને ખુબ સપોર્ટ આપ્યો અને મારી દિકરીનું ખૂબ ધ્યાન રાખ્યું. આટલા ફેમિલી સપોર્ટ વગર હું આ મુકામ હાંસીલ નહીં કરી શકતે. રાજીતા એની બીજી બે ફિલ્મ પર હાલમાં કામ કરી રહી છે તથા ‘BAFTA બ્રેકથ્રુ પ્રોડયુસર’નું સન્માન મેળવીને તે ખુબ ખુશ છે અને ફિલ્મ મેકીંગ થકી ભવિષ્યમાં તે સારૂં કામ કરવા માંગે છે.

Most Popular

To Top