સુરતનું ચેમ્બર ઓફ કોમર્સ 80 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર વિદેશમાં દુબઈ ખાતે ‘ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સપો’ યોજશે

સુરત: (Surat) સુરતના ફેબ્રિક (Febric) અને ગારમેન્ટ (Garment) ઉત્પાદકો માટે ચેમ્બર (SGCCI) 80 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર વિદેશમાં દુબઇ (Dubai) ખાતે ‘ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સપો’ (Indian Textile Expo) યોજશે. સુરતના કાપડ ઉદ્યોગકારોને (Textile industrialists) આંતરરાષ્ટ્રીય બાયરો અપાવવાના હેતુથી ચેમ્બર ફનફ્રીડમ સંસ્થા સાથે મળીને ફેબ્રુઆરી–2022માં દુબઇ ખાતે ત્રિદિવસીય એક્સપો યોજશે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફનફ્રીડમ સંસ્થા દ્વારા સંયુક્તપણે આગામી તા.19, 20 અને 21 ફેબ્રુઆરી-2022 દરમિયાન દુબઇ ખાતે ઇન્ટરનેશનલ ફેશન શો (International fashion show) સાથે ત્રણ દિવસ માટે આ પ્રદર્શન યોજાશે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે આ એક્સપો (Expo) માટે આજે લોન્ચિંગ મીટિંગ યોજાઈ હતી.

  • સુરતના કાપડ ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય બાયરો અપાવવાના હેતુથી દુબઈમાં એક્સપોનું આયોજન
  • ચેમ્બર ફનફ્રીડમ સંસ્થા સાથે મળી ફેબ્રુઆરી–2022માં દુબઈ ખાતે ત્રિદિવસીય એક્સપોનું આયોજન
  • દુબઇની ખરીદ શક્તિ વધારે છે અને યુરોપિયન દેશોની સાથે બિઝનેસ કરવા માટેનું તે પ્રવેશદ્વાર છે. : આશિષ ગુજરાતી

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દુબઇની ખરીદ શક્તિ વધારે છે અને યુરોપિયન દેશોની સાથે બિઝનેસ કરવા માટેનું તે પ્રવેશદ્વાર છે. દુબઇથી સમગ્ર વિશ્વભરમાં વેપાર થાય છે. સુરતના ઉદ્યોગકારોએ ટેક્સટાઇલ સેક્ટરમાં આયાતની સામે નિર્યાત વધારે કરી છે. આથી સુરતના ફેબ્રિક અને ગારમેન્ટના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદારો મળી રહે તેમજ તેઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બિઝનેસ કરી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા દુબઇ ખાતે ‘ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સપો’નું આયોજન કરવામાં આવ્યું છે.

‘એક્સપો’થકી સુરતના કાપડ ઉદ્યોગકારોને ચાર પ્રકારના બાયર્સ મળી રહેશે, જેમાં જૂની બિઝનેસ કંપની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, નવી સ્થાપિત થયેલી કંપનીઓ, નવો બિઝનેસ શરૂ કરવા માંગતાં ઉદ્યોગ સાહસિકો અને બાંગ્લાદેશ તથા અન્ય દેશોના ટ્રેડર્સનો સમાવેશ થાય છે. વિવિધ દેશોના ખરીદારો તથા એજન્ટ્સ આ એક્ઝિબિશનમાં આવશે. આથી એક્ઝિબિટર્સને કોર્પોરેટ ક્રાઉડ, ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ, ફેશન લવર્સ પાસેથી પણ બિઝનેસ મળી રહેશે.

2000 બાયરો એક્સપોમાં ભાગ લેશે
ફનફ્રીડમ સંસ્થાના સ્તુતિ ગંગવારે જણાવ્યું હતું કે, ‘ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સપો’માં 2000થી વધુ બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. આ એક્સપોમાં ઇન્ટરનેશનલ ફેશન શો પણ યોજાશે. જેમાં પણ સુરતના ઉદ્યોગકારોને પોતાનું ગારમેન્ટ વિશ્વભરના બાયર્સની સામે પ્રસ્તૃત કરવાનો મોકો મળશે. આ એક્સપોમાં 100 જેટલા સ્ટોલ રહેશે અને એમાં માત્ર બાયર્સને જ પ્રવેશ મળશે.

સુરત-મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિને લીધે ચેમ્બરનું ઉદ્યોગ પ્રદર્શન અને જીજેઈપીસીનો આઈઆઇજેએસ-શો રદ કરાયો
ઔદ્યોગિક નગરી મુંબઇ અને સુરતમાં કોરોનાની ત્રીજી લહેરની પરિસ્થિતિને ધ્યાને રાખી કોવિડ-19ની સરકારી ગાઈડ લાઇનમાં કોઈ છૂટછાટ નહીં મળતાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્સટાઇલ પ્રોડક્ટ માટે યોજાતું ઉદ્યોગ પ્રદર્શન રદ કરવામાં આવ્યું છે. જે હવે એપ્રિલમાં યોજાય એવું આયોજન કરવામાં આવશે. ચાલુ માસના છેલ્લા દિવસોમાં આ પ્રદર્શન યોજાવાનું હતું. એવી જ રીતે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ફેબ્રુઆરીમાં આયોજિત ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી શો પણ મુંબઈમાં કોરોનાની વકરી રહેલી સ્થિતિને ધ્યાને રાખી રદ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top