Top News

More Posts

   The Latest

Most Popular

કોંગ્રેસના પ્રથમ નંબરના નેતા રાહુલ ગાંધીએ, આસામના ચાના બગીચામાં જમીન ઉપર પલાઠી વાળીને સ્થાનિકો સાથે ભોજન લીધું. રાહુલ ગાંધી એક મોટા નેતા હોવાથી ભારતભરમાં ભ્રમણ કરતા રહે છે. તેમના ભ્રમણ દરમ્યાન રાહુલ ગાંધી માછીમારો સાથે માછલાં પકડે છે. ખેતરોમાં જઇ ટ્રેકટર ચલાવે છે.

ખરાબ રસ્તાઓ ઉપર પોતે ડ્રાઇવ કરી વાહન હંકારે છે. લોકોની સાથે ખાટલા ઉપર બેસીને, લોકોના દુ:ખ દરદની વાતો સાંભળે છે. અત્યંત ગરીબ અને અંતરિયાળ વિસ્તારોમાં રાહુલજી પહોંચે છે અને એવા લોકોની ગરીબાઇના વાસ્તવિક ચિત્રને ગંભીરતાથી જુએ છે. જુદા જુદા પ્રદેશના લોકોના પોષાક પણ પહેરે છે. આમ મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ અને તરછોડાયેલા વર્ગોના લોકોની વચ્ચે ફરતા રહે છે.

હવે જો રાહુલ ગાંધીને આવા લોકો પ્રત્યે ખરેખર સહાનુભૂતિ હોય તો, એમણે એમના જીવનમાં ‘સાદાઇ’ અપનાવવી જોઇએ. એમણે ‘યુવરાજ’ જેવું વૈભવશાળી જીવન ત્યજવું જોઇએ. મહાત્મા ગાંધી, લાલબહાદુર શાસ્ત્રી, રવિશંકર મહારાજ, વલ્લભભાઇ પટેલ, એમનાં સુપુત્રી મણીબેન પટેલ, વિનોબા ભાવે તથા પ્રભુદાસ પટવારી વગેરે જેવી પ્રેરણાદાયક વ્યક્તિઓ, એમની સાદાઇને કારણે લોકમાનસમાં ‘અમર’ થઇને બેઠેલી છે.

રાહુલ ગાંધી પણ જો આમ જનતાના લોકનાયક બનવા માગતા હોય તો એમણે પોતાના રોજબરોજના જીવનમાં પણ નિતાત સાદાઇ અપનાવવી જોઇએ. કેવળ ગરીબોને દ્વારા રોટલા જમવાથી, લોકહૃદયમાં સ્થાન નથી સ્થાપિત કરાતું. બધા, ડોળ તો ગરીબોના મસિહા હોય એવો કરે છે પણ ગરીબો જેવી સાદાઇને પોતાના ઉરમાં ઉતારવા હરગિજ રાજી કે તૈયાર નથી. રાહુલ ગાંધીએ કંઇ ઝૂંપડામાં રહેવાનું નથી.

ફાટેલાં તૂટેલાં કપડાં પહેરવાનાનથી. રોટલો અને છાશ જમવાનાં નથી. બધે જ પગપાળા જવાનુ નથી. એમણે ખરે જ જો આમજનતાના સાચા સેવક બનવું હોય  તો, ઉપર જણાવેલા કેટલાક મહાનુભાવો, જે રીતે સાદાઇ અપનાવીને જીવ્યા એ રીતે એમણે સાદાઇ ધારણ કરીને જીવવું જોઇએ.

સુરત              -બાબુભાઇ નાઇ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top