Gujarat

કોરોના કાળમાં શાળાઓમાં બાળકોની હાજરી મુદ્દે હાઈકોર્ટનો નિર્દેશ

અમદાવાદ: રાજ્યની શાળાઓમાં 100 ટકા હાજરી સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગેના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની થયેલી અરજીની સુનાવણીમાં હાઇકોર્ટની ડિવિઝન બેંચે શાળાઓમાં વિદ્યાર્થીઓની 100 ટકા હાજરીના આગ્રહ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી અંગે સરકારે જોખમ ન લેવું જોઈએ, આ બાબત વાલીઓ ઉપર છોડવી જોઈએ.

હાઇકોર્ટની ડિવિઝન બેંચે સરકાર સામે સવાલ કર્યો હતો કે ગુજરાત સહિત દેશના 6 રાજ્યો એવા છે કે જ્યાં હજુ પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. વધુમાં હાઇકોર્ટની ડિવિઝન બેંચે એવી ટકોર કરી હતી કે કોરોના દરમિયાન ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં, ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા માટેની હોલ ટિકિટ ઇસ્યૂ ન કરવાના કિસ્સા પણ નહીં બને, આ પ્રકારનું એફિડેવીટ રજુ કરે. જો કે આ બાબતમાં વિગતવાર સુનાવણી થઇ શકી ન હતી, પરંતુ જ્યારે અરજદાર તરફથી રજૂઆત થાય ત્યાં ડિવિઝન બેંચે આવી ટકોર કરી હતી. અરજદાર તરફથી હાઈકોર્ટની ડિવીઝન બેંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, કોરોનાની સ્થિતિને જોતાં હાલના સમયમાં શાળામાં 100 ટકા વિદ્યાર્થીઓની હાજરીની જરૂરી નથી. એવા પણ કેટલાક વિદ્યાર્થીઓ છે કે જે બીમારીઓથી પીડાતા હશે, અને તેઓ હાલ શાળાએ જઈ શકે તેમ નથી. જો વિદ્યાર્થી શાળાએ ન જાય તો તેની સામે પગલા લેવામાં આવી શકે છે. તેથી શાળાઓમાં 100 ટકા હાજરીનો નિર્ણય લાગુ ન કરી શકાય. આ સંજોગોમાં શાળાઓમાં 100 ટકા વિદ્યાર્થીઓની હાજરીનો નિર્ણય યોગ્ય નથી.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં બુધવારે કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. કોરોનાથી આજે એકપણ મૃત્યુ નોંધાયું નથી. બીજી તરફ રાજ્યમાં બુધવારે કોરોનાના 25 દર્દી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 299 છે. જેમાંથી 2 વેન્ટિલેટર પર અને 297 સ્ટેબલ છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 8, વડોદરા મનપામાં 4, રાજકોટ મનપામાં 2 અને વડોદરા ગ્રામ્યમાં 2 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં સાંજે ગતરોજ 5 વાગ્યા સુધીમાં 1.89 લાખ લોકોનું રસીકરણ કરાયું છે, જેમાં 12થી 14 વર્ષ સુધીના 137899 બાળકોને પ્રથમ ડોઝ, 18 વર્ષથી વધુ ઉમરના 2561 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 18 વર્ષથી વધુ ઉમરના 22182 લોકોને રસીનો બીજો ડોઝ, 15થી 17 વર્ષના 2654 યુવક-યુવતીઓને રસીનો પ્રથમ ડોઝ તથા 11114 યુવક-યુવતીઓને રસીનો બીજો ડોઝ તથા 13239 લોકોને રસીનો પ્રીકોશન ડોઝ અપાયો છે. આ રસીકરણમાં હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થઈ જાય છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં 10,50,83,628 લોકોને રસી અપાઈ છે.

Most Popular

To Top