SURAT

કેન્દ્ર સરકાર પોતે કરારનો ભંગ કરી 1 એપ્રિલથી કામરેજ ટોલનાકે પૂરેપૂરા 120 રૂપિયાનો ટોલ વસૂલશે

સુરત: (Surat) માજી કેન્દ્રીય મંત્રી વાહન વ્યવહાર મંત્રી અને પ્રદેશ કોંગ્રેસના આગેવાન ડો.તુષાર ચૌધરીએ કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી નેશનલ હાઈવે (National Highway) ક્રમાંક નં.48 પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા-કામરેજ ટોલ નાકા (Toll Plaza) પર ઉઘરાવાતા ટોલ ટેક્સના (Toll Tax) દરોમાં ઘટાડો કરવાની માંગણી કર્યા પછી સરકારે ટોલ પ્લાઝાનું સંચાલન કરનાર એજન્સીને 31 માર્ચે મુક્ત કરી 1 એપ્રિલથી ટોલ પ્લાઝા નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તક લઈ લેવાનો તથા 120 રૂપિયા ટોલ ટેક્સ વસૂલવાની જાહેરાત કરી છે.

  • કામરેજ ટોલનાકાની એજન્સીનો કોન્ટ્રાક્ટ 31 માર્ચે પૂરો થયા પછી પણ 1 એપ્રિલથી ટોલટેક્સમાં નિયમ મુજબ 60 ટકા ઘટાડો નહીં થાય
  • NHAIએ પોતાના જ જાહેરનામાનો અમલ કરવાને બદલે મેઇન્ટેનન્સ વધુ હોવાનું બહાનું કાઢી એક્સટેન્શન મેળવી લીધું
  • NHAIના નામે કેન્દ્ર સરકાર વાહનમાલિકો અને ટ્રાન્સપોર્ટરોને લૂંટવા માંગે છે : તુષાર ચૌધરી

NHAIના સુરત રિજયનના અધિકારી સુરાજસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, એજન્સીનાં 13 વર્ષ પૂરાં થતાં 1 એપ્રિલથી આ ટોલનાકું NHAI ચલાવશે. અને જરૂર પડશે તો બીજી ખાનગી એજન્સીના માણસો પણ ટોલની વસૂલાત માટે જોતરશે. કેન્દ્રના માજી પરિવહન મંત્રી ડો.તુષાર ચૌધરીએ ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે, કરજણ ટોલ પ્લાઝાનો કોન્ટ્રાક્ટ 17 માર્ચે અને કામરેજનો 31 માર્ચે પૂરો થવા જઈ રહ્યો છે. નિયમ પ્રમાણે ખાનગી વાહનો અને ટ્રાન્સપોર્ટરોને 60 ટકા ટેક્સમાં ઘટાડાની રાહત મળવી જોઈતી હતી. પણ NHAIના નામે કેન્દ્ર સરકાર જ દેશના સૌથી બિઝી હાઇવે પર અવરજવર કરતા વાહનમાલિકો, વ્યવસાયીઓ અને ટ્રાન્સપોર્ટરોને લૂંટવા માંગે છે. આ કોઈ એક સુરત જિલ્લાના લાભનો પ્રશ્ન નથી. મુંબઇ-અમદાવાદ હાઈવેનો ઉપયોગ કરતા હજારો વાહનમાલિકો ટ્રાન્સપોર્ટરોને લગતો મામલો છે. 31 માર્ચ સુધી અમે રાહ જોઈશું. એ પછી આગળની રણનીતિ નક્કી કરીશું. હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવોને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે. જેને કારણે દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી થઈ છે. જેની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડી છે. ટોલ દરોમાં ઘટાડો થવાથી ટ્રાન્સપોર્ટેશન થોડું ઘણું સસ્તું થવાથી પણ લોકોને ઘણો મોટો ફાયદો મળી રહે તેમ છે.

NHAI અને મોદી સરકાર 60 ટકા રાહત આપવાના પોતાના જ નોટિફિકેશનનો અમલ કરવા માંગતી નથી
ચોર્યાસી તાલુકાના કામરેજ ટોલનાકાનો કોટ્રાક્ટ પૂરો થવા છતાં NHAI અને મોદી સરકાર 60 ટકા રાહત આપવાના પોતાના જ નોટિફિકેશનનો અમલ કરવા માંગતી નથી. નિયમ પ્રમાણે ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી NHAI 40 ટકા ટેક્સ ઉઘરાવી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાત બોડી બામણીનું ખેતર હોય તેમ સરકાર નિયમ વિરુદ્ધ 100 ટકા ટેક્સની વસૂલાત એક્સટેન્શન થકી કરવા જઈ રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નેશનલ હાઈવે નં.48 પર ખાનગી કંપનીને એવોર્ડ કરેલા ટોલ પ્લાઝાનો કોન્ટ્રાક્ટ તા.31/03/2022ના રોજ પૂરો થાય છે, ત્યારે કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના તા.21/1/2013ના પરિપત્ર (F.No.RW/NH-37013/05/2012PPP) મુજબ કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ હાલમાં લેવાતા ટોલ દરોમાં 60 ટકા ઘટાડો કરી માત્ર 40 ટકા પ્રમાણે જ ટોલ ઉઘરાવવાની જોગવાઈ છે. ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સડક પરિવહન અને રાજમાર્ગના જાહેરનામા No. GSR 15 (E) તા.12/01/2011નો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં પણ કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ હયાત ટોલ દરના માત્ર 40 % ટોલ દર ઉઘરાવવાની જોગવાઈ છે.

Most Popular

To Top