Entertainment

જૂનિયર NTR હવે સિનિયર બોલિવુડ સ્ટાર્સને પરસેવો પડાવશે?

શું ‘આર.આર.આર.’ થી વળી સાઉથના બે સ્ટાર્સનો હિન્દી ફિલ્મજગતમાં ઉદય થશે પ્રભાસ અને અલ્લુ અર્જૂન પછી જૂનિયર એન.ટી.આર. અને રામચરણનો વારો છે? શું આ ફિલ્મ ‘બાહુબલી’થી પણ મોટી પૂરવાર થશે? ‘આર.આર.આર.’નું પ્રમોશન ખૂબ થયું છે અને મુંબઇ નહીં દૂબઇમાં પણ થયું છે. હૈદ્રાબાદ, બંગાલુરુ, વડોદરા, દિલ્હી, અમૃતસર, જયપુર, કોલકાતા, વારાણસી સહિતના નગરોમાં પ્રમોશન કરાયું છે. ૪૦૦ કરોડ રૂા. ના બજેટથી બની હોય તો દેશ વ્યાપી પ્રચાર જરૂરી છે. બ્રિટીશરો સામે બે સ્વતંત્ર સેનાનીનાં જબરદસ્ત મોરચાની આ ફિલ્મ છે. જૂનિયર એનટીઆરનું નામ તો નંદામુરી તારક રામા રાવ છે અને આન્ધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી રહેલા અભિનેતા, ફિલ્મ મેકરનો તે પૌત્ર છે. તે દાદાના નામને જ આગળ રાખીને આગળ ધપી રહ્યો છે.

જૂનિયર એનટીઆરે ‘રામાયણ’ ફિલ્મમાં બાળ કળાકારની ભૂમિકા ભજવેલી અને ૨૦૦૧ ની ‘નીન્નુ ચુડાલાની’થી હીરો તરીકે કારકિર્દી આરંભેલી ‘સ્ટૂડન્ટ નંબર વન’ ફિલ્મ પણ એજ વર્ષે આવેલી ને ખૂબ સફળ રહેલી ત્યારથી તે સ્ટારડમ માણી રહ્યો છે. ‘આદી’, ‘સિંહાદ્રી’, ‘રાખી’, ‘યમડોંગા’, ‘અધૂર્સ’, ‘બ્રિન્દાવન’, ‘ટેમ્પર’, ‘નાનાન્કુ પ્રેમાથો’, ‘જનથા ગેરેજ’, ‘જય લવકુશ’, ‘અરવિંદા સમેથા વીરા રાઘવ’ જેવી ફિલ્મો પછી તે તેલુગુ સિનેમાના ટોપ સ્ટાર તરીકે ચર્ચાતો રહ્યો છે. ‘સ્ટૂડન્ટ નંબર વન’ ફિલ્મ એસ.એસ. રાજામૌલીની દિગ્દર્શક તરીકેની પહેલી જ ફિલ્મ હતી જે હવે ‘આરઆરઆર’ સુધીના સંબંધોમાં વિસ્તરી છે.

જૂનિયર એનટીઆર ગાયક અને ટેલિવીઝન પ્રેઝન્ટર પણ છે અને ફોર્બ્સની ૧૦૦ ભારતીય સેલિબ્રિટીની ૨૦૧૮ માં યાદી બનાવેલી ત્યારે ૨૮ મું સ્થાન પામ્યો છે. સાઉથના સ્ટાર્સને રાજકારણ ને રાજકારણીઓ સાથે સગપણ રહ્યા જ હોય છે અને ન રહ્યા હોય તો તેઓ કોઇ પાર્ટીમાં શામિલ થાય છે એ સ્વયં પાર્ટી સ્થાપે છે. કળા અને રાજકારણ તેમની સાથે હોય છે. જૂનિયર એનટીઆર કૂચીપૂડી નૃત્યની તાલીમ પામેલો છે. જૂનિયર એનટીઆર એન. ચન્દ્રાબાબુ જેવા (દાદા એનટીઆરના જમાઇ) ની ભાણેજની દિકરી લક્ષમી સાથે પરણ્યો છે ને લક્ષમીના પિતા મોટા બિઝનેસમેન છે. ૨૦૧૫ માં જૂનિયર એનટીઆર એક ફિલ્મમાં કામ કરવાના બાર કરોડ લેતો હતો હવે આ રકમ ઘણી મોટી થઇ ગઇ છે. પ્રભાસ જો ૨૦ કરોડ ફી વસુલતો હોય તો જુનિયર એનટીઆર પણ હવે વધારે ફી વસુલશે. બસ ‘આરઆરઆર’ સફળ જાય તેની તે રાહ જુએ છે.

સાઉથના સ્ટાર હવે પાન ઇન્ડિયા સ્ટાર તરીકેની ઇમેજ ઇચ્છે છે. એટલે જૂનિયર એનટીઆર, રામચરણ હવે પ્રભાસ, અલ્લુ અર્જૂનનાં રસ્તે છે અને તેમની પાછળ પવન કલ્યાણ, મહેશ બાબુ, રવિ તેજા લાઇન લગાવી ઊભા છે. કમલ હાસન, રજનીકાંત, ચિરંજીવી જેવા સ્ટાર્સ મોટા હતા પણ હવે આ નવી પેઢી તેનાથી મોટા થવાની હોડમાં છે અને તેનું કારણ હવે એકથી વધુ ભાષામાં ફિલ્મ બનાવીને રજૂ કરવાની રીત છે. જૂનિયર એનટીઆર તો પોતાના નામને વટાવવામાં એટલો આગળ ગયો છે કે તેના નામે જ ‘એનટીઆર ૩૦’ અને ‘એનટીઆર ૩૧’ ફિલ્મ બની રહી છે. ‘એનટીઆર ૩૦’ માં તેની હીરોઇન આલિયા ભટ્ટ છે. આ ફિલ્મ આવતા મહિનાની ૨૯મીએ જ રજૂ થવાની છે. ‘એનટીઆર ૩૧’ વડે ૨૦૨૩ માં રજૂ થશે. ‘આરઆરઆર’માં કોમરમ ભીમનું પાત્ર ભજવતો જૂનિયર એનટીઆર અને રાજામૌલી બરાબર જાણે છે કે ‘રામાયણ’, ‘મહાભારત’ના વીર પૌરાણિક પાત્રોના નામ તેમને ફાયદો કરાવશે. ‘આરઆરઆર’ માં આલિયાના પાત્રનું નામ પણ સીતા છે. અત્યારે હિન્દુ નામધારી પાત્રોને મહાન ચીતરો તો લોકોનો સદીઓના અપમાનનો ભાવ પણ ઓછો થાય. ‘આરઆરઆર’ રજૂ થાય પછી એવો જ કોઇ વિવાદ થાય તો નવાઇ ન પામશો અત્યારે રાષ્ટ્રવાદનો ફાયદો ફિલ્મવાળા બરાબર લઇ રહ્યા છે. જૂનિયર એનટીઆર બસ રાહ જુએ છે કે હિન્દીનો પ્રેક્ષક તેને ઊંચકી લે.

Most Popular

To Top