SURAT

સુપર વાઈઝરને કંપનીનો ભાગીદાર બનાવવું પડ્યું ભારે, કરોડો રૂપિયા ચાઉં કરી થયો ફરાર

સુરત: અમદાવાદમાં રહેતા વેપારીએ વાપીમાં આવેલી કંપનીમાં ભાગીદાર અને તેની પત્ની સામે સીઆઈડીમાં 1.41 કરોડની ઉચાપત કરી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ ખાતે થલતેજમાં સિલ્વર એવન્યુમાં રેઈનકોટ તથા પીવીસી પેકિંગનું કામ કરતા 48 વર્ષીય પ્રદિપ ગૌરીશંકર ત્રિવેદીએ વૈશાલી વિકાસરાજ છાજેડ અને વિકાસરાજ છાજેડની સામે સીઆઈડીમાં ફરિયાદ નોંધાવી છે.

  • વાપીની સાંઈ પોલી પ્લાસ્ટી કંપનીના ભાગીદારે કંપનીમાંથી જ 1.41 કરોડની ઉચાપત કરી
  • અમદાવાદના વેપારીએ ભાગીદાર અને તેની પત્ની સામે સીઆઈડીમાં ફરિયાદ નોંધાવી
  • સચીનની કંપનીમાં એક મહિના પહેલા નોકરીએ જોડાયેલો પટાવાળો 3 લાખ ચોરી ગયો

તેઓ ગાંધીનગર કલોલ ખાતે ન્યુ આસી રેઈનવીયર તથા આસી પ્લાસ્ટિક પ્રા.લી.ના નામથી કંપની ચલાવે છે. તેમની દમણ ખાતે પોલીમર અને નેશનલ ટ્રેડર્સ નામની બે કંપનીઓ હતી. બંને કંપની વર્ષ 2007માં 4 ભાગીદારોએ શરૂ કરી હતી. આ કંપનીમાં વિકાસરાજ છાજેડ વર્ષ 2009 માં સુપરવાઈઝર તરીકે જોડાયો હતો. વિકાસરાજને પ્રદિપે વાપીમાં તેમની નવી શરૂ કરેલી કંપનીમાં 20 ટકા નફાથી પાર્ટનર તરીકે રાખ્યો હતો. વિકાસને ફક્ત મેનેજમેન્ટ તથા પ્રોડક્શન અને એકાઉન્ટીંગના કામ માટે રાખ્યા હતા. વર્ષ 2014માં વાપીમાં બીજી એક કંપની શરૂ કરી હતી. વર્ષ 2018માં ધ્યાને આવ્યું હતું કે, સાંઈ પોલી પ્લાસ્ટી કંપનીમાં વર્ષ 2014 થી 2018 સુધીમાં મોટી ઉચાપત કરી છે. જેથી ફોરેન્સિક ઓડિટ કરાવતા કુલ 1.41 કરોડની ઉચાપત કર્યાનું સામે આવ્યું હતું. સીઆઈડી ક્રાઈમે વિકાસરાજ અને તેની પત્ની વૈશાલી (બંને રહે. મુક્તાનંદ માર્ગ, વાપી તથા મુળ શાસ્ત્રીનગર, જોધપુર, રાજસ્થાન)ની સામે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાં ચેક કરતા રાજુ ખભા ઉપર બેગ લટકાવી ભાગતો નજરે પડ્યો
સચીન જીઆઈડીસી ખાતે આવેલી સનબો ડાઈઝ એન્ડ કેમિકલ એલએલપી નામની કંપનીમાં એક મહિના પહેલા નોકરીએ જોડાયેલો પટાવાળો ઓફિસમાંથી 3 લાખ રૂપિયા રોકડની ચોરી કરી નાસી ગયો હતો. અલથાણ સાંઈરૂદ્ર રેસીડન્સીમાં રહેતા 57 વર્ષીય નરેશભાઈ પરમેશ્વરલાલ ખેતાન મુળ રાજસ્થાનના વતની છે. તેઓ સચીન જીઆઈડીસીમાં સનબો ડાઈઝ ઍન્ડ કેમીકલ ઍલ.ઍલ.પી કંપનીમાં કલર કેમિકલ લે-વેચનો ધંધો કરે છે. નરેશભાઈની કંપનીમાં રાજુ ચક્રવતિ નામનો પટાવાળો ઍક મહિના પહેલા નોકરીએ લાગ્યો હતો. દરમિયાન ગત 19 તારીખે કંપનીના ખર્ચ માટેના 3 લાખ રૂપિયા ઓફિસના ટેબલના ખાનામાં મુક્યા હતા. ઓફિસ બંધ કરી ઓફિસનો દરવાજા ખોલવાની માસ્ટર કી રીસેપ્શન ટેબલના ખાનામાં મુકી ઘરે ગયા હતા. બીજા દિવસે રવિવારની રજા હતી. સોમવારે સવારે નરેશભાઈ ઓફિસ ગયા ત્યારે રાજુ ઓફિસે નહોતો આવ્યો. અને ઓફિસના ટેબલના ખાનામાં મુકેલા 3 લાખ ગાયબ હતા. સીસીટીવીમાં ચેક કરતા રાજુ 20 તારીખે રાત્રે સાડા ચારેક વાગ્યે ખભા ઉપર બેગ લટકાવી ભાગતો નજરે પડ્યો હતો. સચીન જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top