Gujarat

ડાંગના સાપુતારાના 242 જેટલા આદિવાસીને 1 રૂપિયાના ભાવે 300 ચો.મી.ના પ્લોટની ફાળવણી કરાઈ


ગુજરાત વિધાનસભામાં આજે મહેસુલ વિભાગની 4394 કરોડની અઁદાજપત્રીય માંગણીઓ મંજૂર કરાઈ હતી. ખાસ કરીને વિપક્ષના સભ્યો દ્વ્રારા તેમની કાપ દરખાસ્ત પાછી ખેંચાઈ હતી. જેના પગલે મહેસુલ વિભાગની અંજાપત્રીય માંગણીઓ સર્વાનુમતે મંજૂર કરાઈ હતી.

મહેસુલ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, મહેસુલી સેવાને લગતા નાગરિકોના પ્રશ્નોનું સરળતાથી અને હકારાત્મક રીતે નિરાકરણ કરવા માટે અધિકારીઓને નિયમોની મર્યાદામાં રહીને નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ પ્રજાકીય પ્રશ્નોનો હકારાત્મક નિકાલ થાય તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે અને એ માટે સંનિષ્ઠ પ્રયાસો કરવા વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી છે.

ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક હેતુસર સરકારી જમીન ફાળવણીની નીતિમાં સરળતા કરીને સરકારી પડતર જમીન કે જે અગાઉ ઔદ્યોગિક હેતુસર બજાર કિંમતના ૧૫ ટકાના દરે આપવામાં આવતી હતી તે નીતિમાં સુધારો કરીને પૂર્ણ બજાર કિંમતના ૬ ટકાના વાર્ષિક દરે વસુલીને ફાળવણી કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. ઉપરાંત, આ હેતુ માટે ૫૦ વર્ષના લાંબાગાળાના ભાડાપટ્ટે જમીનની ફાળવણી કરવાની તથા ૫૦ વર્ષ બાદ લીઝ રિન્યૂ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

કંપનીઝ એકટ-૨૦૧૩ની જોગવાઇ અંતર્ગત થયેલ સરકારશ્રી દ્વારા ઔધોગિક હેતુસર (SEZ સિવાય) ફાળવેલ જમીનના કિસ્સામાં કંપનીઝ એક્ટની જોગવાઈઓ અંતર્ગત થતા મર્જર, ડી-મર્જર, એમાલ્ગમેશન, એકવિઝિશન તથા શેર હોલ્ડીંગના ફેરફારને પરિણામે કંપનીનું નામ ફેર/ તબદીલી થવાનાં પ્રસંગે તથા સંયુક્ત સાહસ (Joint Venture) ને જમીન તબદીલી પ્રસંગે બજાર કિંમતની જગ્યાએ જંત્રી કિંમતના ૨૦% પ્રિમિયમ વસુલ કરવા બાબતે નિર્ણય કરવામાં આવેલ છે.

મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે રાજયના ઔદ્યોગિક વિકાસ માટે મોટા ઉદ્યોગોની સાથેસાથે નાનામાં નાનાં ઇંટ ઉત્પાદકો માટે પણ મારો વિભાગ સહાનુભૂતિનો અભિગમ દાખવે છે. ઇંટવાડા ધરાવતા ઇંટ ઉત્પાદકોની હંગામી બિનખેતી માટે સરળતા કરવા માટે ઓફલાઇન અરજી સ્વીકારવાની પણ છૂટ આપવામાં આવી છે. ડાંગ જિલ્લાના સાપુતારા ખાતેના ૨૪૨ જેટલા આદિવાસી વિસ્થાપિતોના વર્ષો જૂના રહેણાંકના પ્રશ્નને ઉકેલીને રૂ. ૧/- ના ટોકન દરે ૯૯ વર્ષના ભાડાપટ્ટે ૩૦૦ ચો.મી. સુધીના પ્લોટોની ફાળવણી કરવામાં આવેલ છે. જ્યારે રાજયની આવકને સહેજ પણ નુકસાન થવા દીધા વિના સામાન્યમાં સામાન્ય એવા આદિવાસી ખેતમજૂરો માટે સરકારી આવાસની વાત આવે ત્યારે, ચીખલી ગામ ખાતે ૨૨૮ વ્યક્તિઓને કુલ ૨૮૭૮૫ ચો.મી. જમીન ફાળવેલ છે.

ત્રિવેદીએ કહ્યું હતું કે રાજય સરકારે સરકારી જમીન ઉપર નગરપાલિકા દ્વારા હેતુફેર કરાવ્યા સિવાય, વિના મંજૂરીએ કે અજાણપણે શોપીંગ સેન્ટરનું બાંધકામ કરેલ હોય તેઓ પરત્વે ખુબ જ માનવીય અભિગમ દાખવીને રાજયની નગરપાલિકાઓ જેવી કે, ઇડર, જાફરાબાદ, વડનગર, ધ્રાંગધ્રા, કપડવંજ, કોડીનાર અને હળવદ જીલ્લાઓની કુલ ૧૦ નગરપાલિકાઓના બે વર્ષથી લઇ વીસ વર્ષો જુના પ્રશ્નોનું નિરાકરણ લાવીને બાંધકામ નિયમબદ્ધ કરવાનો નિર્ણ કરાયો છે.

મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે રાજયમાં જમીન માપણી હેઠળના કુલ ૧૮,૦૪૬ ગામો પૈકી કુલ ૧૮,૦૩૫ ગામમાં માપણી પુર્ણ થયેલ છે અને ૧૧,૯૮૮ ગામના રેકર્ડ પ્રમોલગેટ થયેલ છે. રી સરવે પછી હકકપત્રક (ગામ નમુના નં. ૭) સાથે જે તે સરવે નંબરનો નકશો આપનાર ગુજરાત પ્રથમ રાજય છે. અને રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવેલ મુહીમના કારણે રાજયમાં રી-સર્વેની કામગીરી બાદ મળેલ ૩૩ જિલ્લામાં કુલ ૫,૫૦,૩૯૬ વાંધા અરજીઓ પૈકી ૪,૨૯,૫૯૪ વાંધા અરજીનો માપણી પુર્ણ કરી નિકાલ કરવામાં આવેલ છે.

Most Popular

To Top