SURAT

સરથાણાનાં આ વિસ્તારમાં દુકાનો અને ગોડાઉનો કરાયા સીલ

સુરત: સુરત મનપા દ્વારા શહેરમાં બી.યુ સર્ટી વિનાની મિલકતોને સીલ મારવામાં આવી રહી છે. જે અંતર્ગત સરથાણામાં બુધવારે સવારથી બી.યુ સર્ટી વિનાની 15 દુકાનો અને 2 ગોડાઉનને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વરાછા-બી ઝોનનો સ્ટાફ સીલ મારવા જતા જ મિલકતદાકોએ વિરોધ કર્યો હતો. પરંતુ મનપા દ્વારા સીલીંગની કામગીરી પાર પાડવામાં આવી હતી.

  • સરથાણામાં 15 દુકાન અને 2 ગોડાઉન સીલ
  • સીલીંગની કામગીરી કરતા વેપારીઓએ કરી વિરોધ
  • ચૌટાબજારના દુકાનદારોને દબાણ કરવા મામલે મનપાની નોટીસ

વરાછા ઝોન- બી માં સરથાણા વિસ્તારમાં ભવાની વિલા નામની ઈમારતમાં આવેલી 15 દુકાનો અને બે ગોડાઉનોને સીલ કરવામાં આવી હતી. બી.યુ.ની પરવાનગી વગર ધમધમતી આ દુકાનો અને ગોડાઉનો વિરૂદ્ધ સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવતાં વેપારીઓએ ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો અને કામગીરી રોકવા માટે ધમપછાડા કર્યા હતા. પરંતુ મનપા દ્વારા આ 17 મિલ્કતો સીલ કરવામાં આવી હતી. મનપા સીલીંગની કામગીરી કરવા ગઈ ત્યારે મિલકતદારો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, મનપાએ કોઈપણ પ્રકારની નોટિસ નથી જેથી તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ચૌટાબજારના દુકાનદારોને મનપાની નોટીસ
સુરત : ચૌટાબજારના દબાણો કાયમી ન્યુસન્સ છે. મનપા દ્વારા વારંવાર અહીં દબાણો દુર કરવામાં આવે છે પરંતુ ફરીવાર પરિસ્થિતિ જેવી ને તેવી જ થઈ જાય છે. હાલમાં ચૌટાબજારના સ્થાનિક રહીશો દ્વારા પણ કાર રસ્તામાં મુકીને દબાણનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ હવે મનપા દ્વારા પણ દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી છે કે જો દુકાનદારો દુકાનની સામે લારી-ગલ્લાના પાથરણાવાળાને બેસવા દેશે તો તેમની દુકાનો સીલ કરાશે.

સુરતના ચૌટાબજારમાં દબાણ દુર કરવા માટે સ્થાનિકો દ્વારા પણ ઘણો વિરોધ નોંધાવ્યો છે. જેથી મનપાએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. અગાઉ કતારગામ ઝોનમાં દુકાન બહાર દબાણ થયા હતા તે દુકાનો સીલ કરવાની કામગીરી કરી હતી. તે જ પેર્ટન પર હવે મનપા ચૌટાબજારમાં કામગીરી કરવા જઈ રહી છે. પરંતુ ચૌટાબજારના આ કાયમી ન્યુસન્સ આ નોટિસથી દુર થશે કે કેમ તે જોવું રહ્યું.

Most Popular

To Top