Madhya Gujarat

ખંભાતમાં મીઠા પાણી માટેનો ફિલ્ટર પ્લાન્ટ બંધ!

ખંભાત : ખંભાત શહેરમાં પીવા લાયક પાણી દિવા સ્વપ્ન બની ગયું છે, પાલિકા દ્વારા છ કરોડથી વધુના ખર્ચે મીઠા પાણી માટે બનાવેલો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં પડ્યો છે. જેના કારણે લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યાં છે. કરોડોની ગ્રાન્ટનો દુરોપયોગ થતાં ખંભાતીઓ ખારાં પાણીના કડવા ઘુંટ પી રહ્યાં છે. કોરોનાના કહેર વચ્ચે છેલ્લા ઘણાં સમયથી લોકોને પીવા માટે ચોખ્ખુ પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિક વહીવટી તંત્રના અણઘડ વહીવટના કારણે પ્રજાજનોનું આરોગ્ય જોખમમાં મુકાયું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયો છે. ખંભાતમાં શુદ્ધ પીવાલાયક પાણી મળી રહે તે હેતુથી ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે સરકારની યોજના ઉપરાંત સહકારી બેંક તેમજ સહકારી સંસ્થાઓ દ્વારા મોટી રકમના દાન આપવામાં આવ્યાં છે. પરંતુ પાલિકાના અણઘણ વહીવટના કારણે આ ફિલ્ટ્રેશન પ્લાન્ટને તાળા વાગી ગયાં છે. વિકાસના નામે સત્તાધીશો પ્રજાજનોનો નહીં, પરંતુ પોતાનો જ વિકાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અહીં રોગચાળાની વિકટ પરિસ્થિતિ વચ્ચે સત્તાધિશો દ્વારા શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ખંભાતના શહેરીજનોને પીવાનું શુધ્ધ પાણી મળી રહ્યું નથી. શહેરીજનોને આપવામાં આવતુ પાણી ત્રણ હજાર ટીડીએસથી વધુ માત્રાનું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખંભાતની પ્રજાને પીવાલાયક શુધ્ધ પાણી મળી રહે તે હેતુથી કરોડોના ખર્ચે બે શુધ્ધિકરણ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે હાલ આ બંને પ્લાન્ટ બંધ હાલતમાં રહેતા સ્થાનિકોના આરોગ્ય સામે જોખમ તોળાઈ રહ્યું હોવાનું નગરજનો જણાવી રહ્યા છે. કાગળ ઉપર શુધ્ધિકરણ પ્લાન્ટ ચાલુ હોવાનું બતાવી સત્તાધીશો પ્રજાના આરોગ્ય સાથે છેડછાડ કરી રહ્યાનો આક્ષેપ નગરજનો દ્વારા કરાયો છે.
પાયાની સુવિધાઓ પુરી પાડવામાં પાલિકા નિષ્ફળ રહી છે
આ અંગે વિપક્ષના ઈફેતેખાર યમનીએ જણાવ્યું હતું કે, આશરે એક લાખથી વધુ વસ્તી ધરાવતું ખંભાત શહેર છેલ્લા ઘણાં સમયથી વિકાસ ઝંખી રહ્યું છે. પ્રજાના પાયાના પ્રશ્નોના નિરાકરણ તેમજ પાયાની સુવિધાઓ પુરી પાડવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ નીવડયું છે. શહેરના લાલ દરવાજા, મોચીવાડ, સરદાર ટાવર, માછીપુરા, પાણીયારી, કોલમપાડો, ઝંડાચોક સહિતના વિસ્તારોમાં આવેલ ઘરોના નળમાં દુષિત પાણી આવતુ હોવાની ફરિયાદો ઉઠી છે. નગરમાં પાણીજન્ય રોગચાળો વકરે તે પૂર્વે પાલિકા સત્તાધીશો સત્વરે આળસ ખંખેરે અને યોગ્ય કાર્યવાહી કરી નગરજનોને પીવાના શુધ્ધ પાણીની સુવિધા પુરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
માદળાબાગ પાસે બનાવેલા બોરમાંથી સીધુ પાણી અપાય છે
ખંભાતમાં 18 જેટલા બોરવેલ બનાવવામાં આવ્યા છે. આ બોરવેલમાંથી પાણી ટાંકીમાં ચઢાવવાની શુધ્ધિકરણ પ્રક્રિયાને અનુસરીને પાણીને શુધ્ધ કર્યા બાદ જ પ્રજાને પહોંચાડવાનું હોય છે. પરંતુ માદળા બાગ પાસે બનાવવામાં આવેલા બોરવેલ સાથે ડાયરેક્ટ પાઈપલાઈનનું કનેક્શન આપી આસપાસના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. જેને લઈ સ્થાનિકોને દુષિત પાણી મળતા આરોગ્ય જોખમમાં મુકાયું છે. હાલ ખંભાતમાં શુદ્ધ પીવાલાયક મીઠું પાણી એક દિવાસ્વપ્ન જ બની ગયું છે.

Most Popular

To Top