Top News

More Posts

   The Latest

Most Popular

નવસારીથી સુરત આવતી વખતે નશો કરેલી હાલતમાં દ.ગુ.ની જાણીતી અતુલ બેકરીના માલિકની એન્ડેવ્યુઅર કારએ વેસુ ચાર રસ્તા પાસે ત્રણ મોપેડ ચાલકોને અડફેટે લીધા હતાં. આ ગંભીર અકસ્માતમાં એક મહિલાનું માથામાં ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું.

ઘટનાને નજરે જોનારાના કહેવા પ્રમાણે કાર અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા જ ચલાવી રહ્યાં હતાં. જ્યારે અતુલ વેકરીયા દ્વારા એવી કેફીયત રજૂ કરવામાં આવી હતી કે કાર ડ્રાઈવર ચલાવી રહ્યો હતો અને અકસ્માત થતાં તે ભાગી ગયો છે. પોલીસે અતુલ વેકરીયાની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આખા દ.ગુ.માં જાણીતી સુરતની અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા નવસારીથી આવી રહ્યા હતા. તેઓ યુનિવર્સિટી તરફથી આવી રહ્યા હતા અને વેસુમાં જે.એચ.અંબાણી સ્કૂલ પાસે પહોંચ્યા ત્યારે ત્રણ મોપેડ ચાલકોને અડફેટમાં લીધા હતાં.

અચાનક ધસી આવેલી કારને કારણે સર્જાયેલા અકસ્માતમાંબે મહિલા સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાંથી ઉર્વશીબેન ચૌધરીને નજીકની મૈત્રીય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. ઉર્વશીબેનને માથામાં ગંભીર ઇજા પહોંચી હોવાથી તેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને પણ ઇજા થઇ હોવાથી તેમને બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અકસ્માત થતાંની સાથે જ લોકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકોએ કારમાલિક અતુલભાઇ વેકરિયાને પકડી લીધા હતા.

આ સાથે જ પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અતુલભાઇને પોલીસ વાનમાં બેસાડી ઉમરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. ઉમરા પોલીસે કારના માલિક અને ડ્રાઇવરની સામે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

લોકો અતુલ વેકરિયાને મારે એ પહેલાં જ પોલીસ આવી પહોંચી

અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજા થઇ હતી. સ્થાનિકોના કહેવા પ્રમાણે અતુલ વેકરિયા ખૂબ જ દારૂ પીધેલી હાલતમાં હતો. ત્યાર બાદ અકસ્માત થયો હોવાથી લોકોએ તેને મારવા લીધો હોવાની વાતો વહેતી થઇ હતી. પરંતુ તેમને મારે એ પહેલા જ પોલીસ ત્યાં આવી પહોંચી હતી. અતુલ વેકરિયાને પોલીસ વાનમાં બેસાડીને લઇ જવાયા હતા. બીજી તરફ ત્યાં હાજર લોકોએ હોબાળો કરી અતુલ વેકરિયાને ગાળો ભાંડી હતી. જો કે, આ બાબતે ઉમરા પોલીસની તપાસ ઉપર સંપૂર્ણ દારોમદાર રહ્યો છે.

મારી બહેન સાઇડ ઉપર ઊભી હતી અને અચાનક કાર ધસી આવી

મૃતક ઉર્વશીબેનના સગાભાઇ નીરજે કહ્યું હતું કે, કાર અચાનક જ ફુલ સ્પીડમાં આવી હતી. અમે સાઇડમાં ઊભા હતા. ત્યાં જ મારી બહેનને ગંભીર રીતે અડફેટે લીધી હતી. મારી બહેનને પેટ, માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ડ્રાઇવર હતો કે નહીં..? મોટો પ્રશ્ન : સીસીટીવી કેમેરામાં બહાર આવશે

અકસ્માત બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ભીડની વચ્ચે કારનો ડ્રાઇવર ભાગી ગયો હોવાની વાર્તા કારના માલિકે કહી હતી. જો કે, ખરેખર કારમાં ડ્રાઇવર હતો કે નહીં..? તેને લઇને ભારે હોબાળો મચ્યો હતો. ડ્રાઇવરની ગેરહાજરીમાં માલિકે જાતે જ અકસ્માત કરી એકનો ભોગ લીધો હોવાની વાત ઉપર ઠંડું પાણી રેડી મોટો તોડ કરવાની પેરવી પણ કરવામાં આવી હોવાની ચર્ચા થઇ હતી. જો કે, આ બાબતે ઉમરા પોલીસ યોગ્ય તપાસ કરશે કે નહીં..? તે પણ જોવું રહ્યું. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો મહત્ત્વની વિગતો બહાર આવશે.

વાઈરલ થયેલા વિડીયોમાં અતુલ વેકરિયા લથડતો-લથડતો જતો દેખાય છે

યુનિ. રોડ ઉપર થયેલા અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. પોલીસ ઘટના સ્થળ ઉપર આવે છે અને અતુલ વેકરિયાને પકડીને વાનમાં બેસાડે છે તે સમગ્ર ઘટના મોબાઇલ કેમેરામાં કેદ થઇ હતી. આ વિડીયોમાં અતુલ વેકરિયા ખૂબ જ દારૂ પીધેલી હાલતમાં હોય અને લથડતો લથડતો ચાલતો હતો. જેને કારણે આ અકસ્માત અતુલ વેકરિયાએ જાતે જ કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઇ હતી. આ બાબતે પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

To Top