Feature Stories

મોટી ઉંમરે ફરી માતા બનતી સન્નારીની મધરહુડ જર્ની…

માતૃત્વ ધારણ કરવું દરેક સ્ત્રીની ઇચ્છા, સપનું અને સૌભાગ્ય હોય છે. પહેલાંના સમયમાં જયારે નાની ઉંમરમાં લગ્ન કરી લેવાની પ્રથા હતી ત્યારે બાળકો પણ જલ્દી આવી જતાં હતાં અને યોગ્ય ઉંમરે માતા-પિતા બાળકોની જવાબદારીમાંથી ફ્રી થઇ જતાં હતાં. ત્યારે ભણતરને એટલું મહત્ત્વ આપવામાં નહોતું આવતું પરંતુ આજકાલ સમય જતાં અને જમાનો બદલાતાં જયારે લોકોની માનસિકતા ઘણી મોડર્ન થઇ છે, ભણતરનું ખૂબ મહત્ત્વ વધી રહ્યું છે ત્યારથી હવે બધાં મોટી ઉંમરે નોકરી કે બિઝનેસ કરી પગભર થઇ લગ્ન કરવાનું પસંદ કરે છે અને એટલાં કારણોસર બાળકો પણ મોડેથી આવે છે અને પહેલા અને બીજા બાળક વચ્ચે ઘણી વાર ઘણો વધારે ઉંમરનો તફાવત જોવા મળે છે.

પહેલાં સંયુકત કુટુંબોમાં રહેવાની પ્રથાને કારણે બાળકો સાસુ, દેરાણી, જેઠાણી પાસે મોટાં થઇ જતાં પરંતુ આજકાલ ન્યુકિલયર ફેમિલીઝમાં આ જવાબદારી માતા પર આવી જતી હોય છે. મોટી ઉંમરે બાળક આવવાથી માતા મેચ્યોરિટીથી બાળક મોટું કરી શકે પરંતુ શારીરિક રીતે તે બીજી રીતે ઘણી તકલીફો પણ વેઠે છે. વર્કિંગ વિમેન કરિયરમાં સેટલ થયા બાદ લગ્ન કરે છે અને એને પ્રથમ બાળક આવે છે.

વર્કિંગ વિમેન કરિયરમાં સેટલ થયા બાદ લગ્ન કરે છે અને એને પ્રથમ બાળક આવે છે. ત્યાર બાદ ફરી એ કરિયરમાં સક્રિય થાય છે, સેટલ થાય છે ત્યાં વર્ષો બાદ બીજું સંતાન આવે છે. ત્યારે એની બાળક ઉછેરવાની ટેવ જતી રહી હોય છે, એની ઉંમર પણ થઇ હોય છે, કરિયરનું પ્રેશર, બાળકની પરવરિશ અને ઘર-પરિવાર વચ્ચે એ સંતુલન જાળવી શકે છે કે એને ઘણી મુશ્કેલીઓ પડે છે ? તેઓ માતૃત્વ એન્જોય કરી શકે છે ? એ જાણવા 8 May ‘મધર્સ ડે’ નિમિત્તે મળીએ આવી કેટલીક માતાઓને અને જાણીએ એ લોકોની મધરહુડ જર્ની…..

મોટી ઉંમરે બાળક આવે તો આપણને ફિઝિકલી સ્ટ્રેન્થ ઓછી લાગે છે: ફરીદા બદરી
42 વર્ષના ફરીદાના 5 દીકરાઓ છે. તેમના નાના બે દીકરા જોડિયા છે. એ લોકો જન્મ્યા ત્યારે ફરીદા 38 વર્ષનાં હતાં. તેઓ વર્કિંગ છે. મોટા દીકરા અને નાના દીકરાઓ વચ્ચે 18 વર્ષનો એજ ગેપ છે. તેઓ કહે છે કે, ‘‘મોટી ઉંમરે બાળક આવે તો આપણને ફિઝિકલી સ્ટ્રેન્થ ઓછી લાગે છે. આપણે જલ્દી થાકી જઇએ. હું બેલેન્સ કરવાની પૂરી કોશિશ કરું છું. મારાં બાળકો માટે થઇને હું સોશ્યલી ઓછી એકટીવ છું અને મારી કમ્યુનિટીમાં હું એટલું યોગદાન નથી આપી શકતી. મારો સ્કલ્પચર પેઇન્ટીંગનો બિઝનેસ મારી ઓળખ અને મારો કોન્ફિડન્સ છે એ મેં ચાલુ રાખ્યો છે અને મારા હસબન્ડે પણ મને ચાલુ રાખવા માટે એનકરેજ કરી છે. મારા હસબન્ડ ઘણા કેરિંગ છે. પહેલા તેઓ પોતની જોબમાંથી ટાઇમ કાઢી શકતા હતા પણ હવે તેઓ પણ સિનિયર પોઝિશન પર હોવાથી બીઝી રહે છે પણ છતાં તેઓ મને ઘણો સપોર્ટ આપે છે અને સાંજે મોટાભાગે અમારા માટે ફ્રી થઇ જાય છે.’’

મોટી ઉંમરે ફ્રી થઇને એન્જોય કરવાની સ્ટેજ આવશે કે નહિ ખબર નથી: નેહા આચાર્ય
49 વર્ષના નેહાબેન જયારે 35 વર્ષનાં હતાં ત્યારે એમની બીજી દીકરીનો જન્મ થયો. તેમના બે સંતાનો વચ્ચે 8 વર્ષનો એ જ ગેપ છે. તેઓ કહે છે કે, ‘‘મારી બીજી દીકરીની ડિલિવરી પછી હું થોડા જ દિવસમાં ઊઠીને કામ કરતી હતી. જયારે મારી દીકરી નાની હતી ત્યારે મારે કંઇ બહુ ચેલેન્જીસ ફેસ નથી કરવા પડયા. હું ઘણું હરી-ફરી છું, મુવીઝ જોયા છે અને પાર્ટીઝ પણ કરી છે પણ હવે જયારે મારો દીકરો 3rd યરમાં ભણે છે તો મને એવું લાગે કે મારી જહાનવી જ્યારે મોટી થશે ને સેટ થશે ત્યારે મારી ઉંમર ઘણી વધારે થઇ જશે. પછી હું કેટલું જીવી શકીશ એ નથી ખબર. પહેલા અને બીજા બાળક વખતે આપણી મેચ્યોરિટીનો ફરક પડી જાય છે. હું મારી નાની દીકરી માટે ખૂબ પ્રોટેકિટવ પણ છું. મારી નાની દીકરીના ભણતર, કરિયર વિષે મારા દીકરાનો ઘણો સપોર્ટ રહે છે. મોટી ઉંમરે દીકરી થઇ હોવા છતાં મને એટલી ધરપત છે કે એનો મોટો ભાઇ એને સાચવી લેશે. મારે મારા હસબન્ડ પાસે ખાસ મદદ નથી લેવી પડી. બાળકો ઉછેરવામાં મારા હસબન્ડને પણ મારા પર એટલો કોન્ફિડન્સ હતો કે હું બધું ફોડી જ લઇશ પણ મોટી ઉંમરે ફ્રી થઇને એન્જોય કરવાની સ્ટેજ મારી ને મારા હસબન્ડની આવશે કે નહિ ખબર નથી.’’

દીકરો આવ્યા પછી મારું છૂટથી આવવું-જવું, પાર્ટી કે સોશ્યલ લાઇફ બંધ થઇ ગઇ: વૈશાલી જરીવાળા
49 વર્ષીય વૈશાલીબેન 35 વર્ષનાં હતાં ત્યારે તેમને ત્યાં બીજા દીકરાનો જન્મ થયો. તેમની દીકરી અને દીકરા વચ્ચે 12 વર્ષનો તફાવત છે. તેઓ કહે છે કે, ‘‘મોટી ઉંમરે બાળક આવવાને કારણે શરૂઆતમાં મને ખૂબ તકલીફ પડતી હતી. પહેલાં હું જોઇન્ટ ફેમિલીમાં રહેતી હતી એટલે મને પહેલી દીકરી વખતે ઝાઝી તકલીફ ન પડી. દીકરો આવ્યા પછી મારું છૂટથી આવવું-જવું, પાર્ટી કે સોશ્યલ લાઇફ બંધ થઇ ગઇ. મારે મારા દીકરાના ટાઇમ સાચવવામાં બંધાઇ જવું પડયું. મને મેનોપોઝ વખતે થોડી શારીરિક તકલીફ પડી. મારા હસબન્ડ સાથે એકલા ફરવા જવું પણ મુશ્કેલ બને છે પણ એટલું રાખ્યું હતું કે મારાથી જેટલું કામ થાય એટલું જ કરું નહિ તો હું બેસી જાઉં. હવે જયારે એ 13 વર્ષનો છે તો હું થોડું હવે નીકળતી થઇ છું. છેલ્લાં 5 વર્ષથી એકલા રહેવાના કારણે મારે એનું ધ્યાન રાખવું પડે છે. જો કે મારા હસબન્ડ ઘણા સપોર્ટીવ છે અને ઘણો સાથ આપ્યો કારણ કે અમારી બન્નેની ખુશીથી આ દીકરો આવ્યો છે અને મને થોડો ફ્રી ટાઇમ પણ મળે છે.’’

અમે બીજો દીકરો મોટી દીકરીને કંપની મળે એટલે પ્લાન કર્યો હતો : મધુ ભરતીઆ
મધુની ઉંમર 40થી વધારે છે અને એમને બીજો દીકરો 38 વર્ષની ઉંમરે આવ્યો. તેઓ હોમબેકર છે. તેમની દીકરી અને દીકરાની ઉંમર વચ્ચે 11 વર્ષનો ફેર છે. તેઓ કહે છે કે, ‘‘અમે બીજો દીકરો મોટી દીકરીને કંપની મળે એટલે પ્લાન કર્યો હતો.’’ મધુ જોઇન્ટ ફેમિલીમાં રહે છે. તેઓ કહે છે કે, ‘‘મારો બીજો દીકરો 3 વર્ષથી ઉપરની ઉંમરનો છે અને પ્રીમેચ્યોર હોવાથી મારે એની ઘણી કાળજી લેવી પડે છે. મારે મારો કેક આર્ટિસ્ટનો બિઝનેસ છે એ કોમ્પ્રોમાઇઝ નથી કરવો એવું નકકી કર્યું હતું. પહેલી દીકરી મારી 13 વર્ષની છે એ જન્મી ત્યારે મારા હસબન્ડ તરફથી મને મદદનું એકસ્પેકટેશન નહીં હતું પણ બીજું બાળક થયા પછી હવે મારા હસબન્ડ ઘણો સપોર્ટ આપે છે. મને બહારગામ જવું હોય કે બિઝનેસ રીલેટેડ કામ હોય તો પણ મારાં ભાભી, દીકરી, મારા હસબન્ડ મને ઘણો સહકાર આપે છે.’’

વ્યવસ્થિત પ્લાનિંગથી બધું હું ખૂબ સારી રીતે મેનેજ કરી શકી છું : સેજલ શાહ
45 વર્ષનાં સેજલબેન કહે છે કે, ‘‘જયારે હું 40 વર્ષની હતી ત્યારે મને બીજી દીકરી આવી અને ત્યારે અમે વિચાર્યું કે જે થશે એ જોઇ લેશું પણ મારી દીકરીમાં મને ઝાઝી મહેનત પડી જ નથી ને મોટી ઉંમરે આપણે પણ મેચ્યુર્ડ થઇ જઇએ એટલે મેં મારું શીડયુલ એના પ્રમાણે સેટ કરી દીધું હતું. મારે કંઇ વધારે કોમ્પ્રોમાઇઝ નથી કરવું પડયું. વ્યવસ્થિત પ્લાનિંગથી બધું હું ખૂબ સારી રીતે મેનેજ કરી શકી છું. મારા હસબન્ડ પણ ખૂબ કેરીંગ છે અને મને એમનો ઘણો સપોર્ટ રહ્યો છે. મારી નાની બેબીને ઉછેરવામાં મારી મોટી દીકરી પણ ઘણી સમજુ હોવાથી એનો પણ મને ખૂબ સાથ મળતો હતો.’’ તેઓ કહે છે કે, ‘‘મારા પાડોશીએ પણ મને ખૂબ મદદ કરી હતી. મારે કશે બહાર જવું હોય તો તેઓ પણ મારી દીકરીને રાખતા હતા. એ મારી દીકરી માટે માતા સમાન જ છે. મારી નાની દીકરીને ઉછેરવામાં મને ખાસ કંઇ તકલીફ પડી નથી.’’

આપણે જોયું કે મોડેથી જનમતા બાળકોની અમુક માતાને થોડી તકલીફ પડે છે બાળક ઉછેરવામાં પણ તેવું ઘણાંને તકલીફ નથી પણ પડતી. આજકાલ હવે બધા હસબન્ડઝ ઘણાં સાથ-સહકાર આપતા પણ થયા છે. થોડું બંધાઈ જવાય છે. તેવું થોડી મેચ્યોરિટીથી બાળકનો ઉછેર પણ થાય છે. પણ કહેવાય છે ને કે આપણા પૂર્વજોની રીતભાત બરાબર જ હતી. તમારા સમય-સંજોગો પ્રમાણે બાળકને મોડો જન્મ આપવાનું નક્કી કરો તો એમાં કશું ખોટું નથી પરંતુ જો બે સંતાનો વચ્ચે ઓછું અંતર હોય તો તમે પણ વેળાસર બધી જવાબદારીઓથી મુક્ત થઈ તમારી લાઈફ એન્જોય કરી શકો છો. જો એડ્જેસ્ટેબલ નોકરી-વ્યવસાય હોય કે હોમમેકર હોય તો મોટી ઉંમરે સંતાનને ઉછેરવામાં ઝાઝી તકલીફ નહિ પડે પરંતુ જો ફિક્સ ટાઇમ જોબ હોય કે ડોક્ટર જેવા વ્યવસાયમાં રોકાયેલા હોય તો બાળકને ઉછેરવામાં ઘણી મુશ્કેલીઓ પડી શકે છે.

Most Popular

To Top