SURAT

સુરતના કોટ વિસ્તારના રહીશોને રોજ રોજના ત્રાસથી મળશે છૂટકારો, પાલિકાએ કર્યું આ કામ

સુરત : છેલ્લા ઘણા સમયથી શહેરમાં વિવિધ પ્રોજેકટના કામો ચાલતા હોવાથી ઠેર ઠેર રસ્તાઓ ખોદાઇ ચુકયા છે. તેમાં પણ સેન્ટ્રલ ઝોનની હાલત તો એકદમ દયનીય બની ગઇ છે. પાણી-ડ્રેનેજ અને મેટ્રોના કામ એક સાથે ચાલી રહ્યા છે. તેથી ઠેર ઠેર રસ્તાઓ ખોદાયેલા છે. સાંકડા રસ્તાઓમાં ખોદકામને કારણે હાલાકી ઉપરાંત આખો કોટ વિસ્તાર ધૂળીયો બની ગયો હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

હવે ચોમાસા પહેલા રસ્તાઓ નહીં બને તો વરસાદ વખતે ખરાબ હાલત થવાની આશંકા છે. તેથી કોટ વિસ્તારના નગરસેવકોમાં તાકીદે રસ્તા બનાવવા માંગણી ઉઠી છે. જો કે નગરસેવકોનો રોષ સપાટી પર આવે તે પહેલા જ શાસકોએ સ્થાયી સમિતિમાં વધારાનું કામ લાવી કોટ વિસ્તારમાં 12 કરોડના હસ્તે 41 રસ્તા રિપેર કરવા માટે મંજૂરી આપી દેવાઇ છે.

વિસ્તૃત વિગતો મુજબ સેન્ટ્રલ ઝોનના 24 મીટરથી ઓછી પહોળાઈવાળા 41 રસ્તા ચોમાસા પહેલા રિપેર કરવા માટેની દરખાસ્ત મંજૂર કરી દીધી છે. તેની પાછળનું કારણ એ છે કે મનપાની ગત સામાન્ય સભા પહેલા જે ભાજપની સંકલન મિટિંગ મળી હતી તેમાં કોટ વિસ્તારના કોર્પોરેટરોએ રસ્તાની બિસ્માર હાલત બાબતે રોષ સાથે રજૂઆતો કરી સામાન્ય સભામાં બોલવા દેવા માંગ કરી હતી જો કે નેતાગીરીએ આ નગરસેવકોને સામાન્ય સભામાં બોલવા મંજૂરી આપી નહોતી પરંતુ સ્થાયી સમિતિમાં તુરંત દરખાસ્ત લાવી રસ્તાના કામો મંજૂર કરી દઇ ચોમાસા પહેલા રિપેર કરી દેવાનો તખ્તો ગોઠવી દીધો છે. જો કે જે રીતે ખોદકામો થયા છે અને હજુ પણ ચાલુ છે તે જોતા ચોમાસા પહેલા આ રસ્તા રિપેર થશે કે તેમ તે અંગે શંકા છે.

તમને જણાવી દઈએ કે છેલ્લાં કેટલાંય સમયથી સુરતના મોટા ભાગના વિસ્તારોમાં ડ્રેનેજ, મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી ઠેરઠેર રસ્તાઓ ખોદાઈ ચૂક્યા છે. કોટ વિસ્તારની હાલત તો બદથી બદતર થઈ છે. અહીં લગભગ તમામ શેરી મહોલ્લામાં ખાડા ખોદવામાં આવ્યા છે, જેના લીધે આખો વિસ્તાર ધૂળિયો બની ગયો છે. લોકોના ઘરમાં પણ રોજે રોજ ધૂળ જમા થઈ જાય છે. સ્થાનિક રહીશો દ્વારા આ વિસ્તારના નગરસેવકો પર રોષ ઠાલવવામાં આવતો હતો, જેના પગલે ગમે ત્યારે પાલિકામાં નગરસેવકોનો ગુસ્સો ફાટી નીકળે તેવી શક્યતા જોવાઈ રહી હતી. આખરે વધારાના કામ તરીકે પાલિકાના શાસકોએ કોટ વિસ્તારના રસ્તાના કામ મંજૂર કરી દીધા છે, જેના પગલે હવે રહીશોને રોજ રોજના ત્રાસથી છૂટકારો મળશે.

Most Popular

To Top