Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) ગયા વર્ષે સુમુલ ડેરીના (sumul Dairy) ચૂંટણી વખતે સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન માનસિંહ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રિજનલ ચેનલોમાં સુમુલ ડેરીના તત્કાલીન ચેરમેન અને વર્તમાન વાઇસ ચેરમેન રાજુ પાઠકે 1000 કરોડનો ભ્રષ્ટાચાર (Corruption) કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. માનસિંહ પટેલના તા. 9-6-2020ના રોજ વડાપ્રધાનને મોકલવામાં આવેલા પત્રને જોડી સહકારી અને ખેડૂત આગેવાન તથા જિલ્લા પંચાયતના માજી સભ્ય દર્શન નાયકે વડાપ્રધાનને ફરિયાદ થઇ હોવા છતાંય પાઠક સામેના આક્ષેપો અંગે કોઇ તપાસ નહીં થતા આ વખતે તેમણે મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પત્ર લખીને 1000 કરોડના ભ્રષ્ટાચારને લઇ સુમુલ ડેરીના 1 કરોડથી વધુ ગ્રાહકો અને 2.50 લાખ સભાસદોના હિતમાં સ્વતંત્ર તપાસ નીમવા માંગ કરી છે.

સહકારિતાને વરેલી સુમુલડેરીની સદ્ધરતા તેના પશુપાલકોને આભારી છે. ટેલિવિઝનની લાઇવ ડિબેટમાં પણ માનસિંહ પટેલે 2015થી 2020 દરમિયાન 8 મુદ્દાઓને આવરી લઇ 1000 કરોડ રૂપિયાની લોન, સંસ્થાની બચત અને કરોડો રૂપિયાની લોનમાં વ્યાજનું ભારણ ગરીબ પશુપાલકોના માથે મારવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે સાથે સરકારના જવાબદાર વ્યક્તિઓ, સંસ્થાના અધિકારીઓ કર્મચારીઓ અને પદાધિકારીઓને પાઠકે ખરીદી લઇ બધાને મૌન કરી દીધા હોવાનો ઉલ્લેખ પણ પત્રમાં થયો હતો. હવે સુમુલડેરીના ચેરમેન પદે માનસિંહ પટેલ પોતે છે ત્યારે તેમણે તેમના તત્કાલિન ચેરમેન સામે પશુપાલકો, સભાસદો અને ડેરીના હિતમાં પણ તપાસ યોજવાની હિમ્મત દાખવવી જોઇએ અને સામે ચાલીને સરકારને તપાસ યોજવા જણાવવું જોઇએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય અને રાજુ પાઠક સામે કરવામાં આવેલા આક્ષેપો અંગે સુરત અને તાપી જિલ્લાની પ્રજા અને સભાસદોમાં જે આશંકાઓ છે તે પણ દૂર થઇ જાય.

અહીં ઉલ્લેખનીય છે કે 2020માં માનસિંહ પટેલે વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠકે 1000 કરોડનું ભારણ ડેરી પર નાખી પશુપાલકોને શોષિત બનાવ્યા છે. નોન ડેરી પ્રોજેક્ટ શરૂ કરી સંસ્થાને મોટુ નુકશાન કર્યુ છે. પાર્ટીના નામે અને ફિલ્મસ્ટારના નામે ખોટા ખર્ચાઓ કરી સંસ્થાને દેવાદાર બનાવી દીધી છે. આ મામલે વડાપ્રધાને આદિવાસી પશુપાલકોના હિતમાં તપાસ યોજવી જોઇએ તેવી માંગ વડાપ્રધાન સમક્ષ કરી હતી. તે મુદ્દાને હવે વિધાનસભાની ચૂંટણી જોતા કોંગ્રેસે હવા આપવાનું શરૂ કર્યુ છે.

To Top