Madhya Gujarat

ચરોતરમાં એસટી બસના અભાવે મુસાફરો રઝળ્યાં

નડિયાદ; નડિયાદ એસ.ટી ડિવિઝનમાંથી પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે મોટાભાગની બસો ફાળવી દેવામાં આવી હોવાથી ગુરૂવાર અને શુક્રવારના રોજ ખેડા-આણંદ જિલ્લાના બસમથકોમાં હજારો મુસાફરો રઝળી પડ્યાં હતાં. ગુજરાતમાં જ્યારે-જ્યારે પ્રધાનમંત્રીનું આગમન થાય છે ત્યારે તેમના કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે એસ.ટી તંત્ર દ્વારા હજારોની સંખ્યામાં બસો ફાળવી દેવામાં આવે છે. જેને પગલે રાજ્યભરના લાખો મુસાફરોની હાલત કફોડી બનતી હોય છે. જેને પગલે “ગુજરાતમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ” અને “લાખો મુસાફરોની રઝળપાટ” આ બે શબ્દો એકબીજાના પર્યાય બની ગયાં છે. દરમિયાન શુક્રવારના રોજ વધુ એક વખત પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યાં હતાં. જે દરમિયાન પ્રધાનમંત્રીના નવસારી પંથકમાં બે તેમજ અમદાવાદમાં એક કાર્યક્રમ યોજાયાં હતાં. આ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે રાજ્યભરમાંથી 2800 જેટલી બસો ફાળવવામાં આવી હતી.

જે અંતર્ગત નડિયાદ એસ.ટી ડિવીઝનમાંથી પણ મોટાભાગની બસો ગુરૂવારથી જ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે મોકલી દેવામાં આવી હતી. જેને પગલે ખેડા જિલ્લાના વિવિધ બસમથકમાં હજારો મુસાફરો રઝળી પડ્યાં હતાં. તંત્રના અણઘડ વહીવટને પગલે પાસધારકોની હાલત કફોડી બની હતી. કલાકોની રાહ જોયાં બાદ પણ બસ ન મળતાં મુસાફરોને નાછુટકે ખાનગી વાહનોમાં મોંઘી અને જોખમી મુસાફરી કરવાની ફરજ પડી હતી. અસહ્ય મોંઘવારી વચ્ચે મુસાફરી કરવા માટે વધુ નાણાં ખર્ચવાની મજબુરી ઉભી થતાં ગરીબ મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલાં  મુસાફરોએ એસ.ટી તંત્ર તેમજ પ્રધાનમંત્રી મોદી ઉપર આકરાં પ્રહારો કરી ભડાશ કાઢી હતી.

એસ.ટી વિભાગીય કચેરીનો ઉડાઉ જવાબ

નડિયાદ એસ.ટી વિભાગમાંથી મોટા ભાગની એસ.ટી બસો પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે ફાળવી દેવામાં આવી હતી. જેને પગલે ખેડા જિલ્લામાં હજારો મુસાફરો રઝળી પડ્યાં હતાં. ત્યારે નડિયાદ એસ.ટી ડિવિઝનમાંથી કેટલી બસો પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ફાળવવામાં આવી છે य़? य़તેનો ચોક્કસ આંકડો  જાણવા માટે એસ.ટીના વિભાગીય નિયામકનો ટેલિફોનિક સંપર્ક સાધતાં, તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. જ્યારે એસ.ટીના ડી.ટી.ઓને આ બાબતે પુછતાં તેઓએ ઉડાઉ જવાબ આપતાં જણાવ્યું હતું કે, બસોની ફાળવણી જે તે ડેપોમાંથી કરવામાં આવી છે. માટે કેટલી બસો પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોકલવામાં આવી તે વિભાગીય કચેરીને ખબર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, નડિયાદ ડિવિઝનમાં આણંદ – ખેડા જિલ્લામાં આવતા 11 જેટલા ડેપોમાં કુલ 763 બસ છે. જેમાંથી અડધા ઉપરાંત 400 બસ ફાળવી દેવામાં આવી હતી. જેના કારણે મોટા ભાગની ટ્રીપો કેન્સલ થઇ હતી. કેટલાંક ગામડાં તો બસ પણ મોકલવાની તસ્દી લેવામાં આવી નહતી. જેના કારણે લોકોને ખાનગી વાહનમાં જોખમી મુસાફરી કરવી પડી હતી.

Most Popular

To Top