Madhya Gujarat

વડતાલમાં વરલીમટકાના જુગાર પર સ્ટેટ મોનીટરિંગ સેલનો દરોડો

નડિયાદ: નડિયાદ તાલુકાના વડતાલમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલતાં વરલીમટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગારધામ ચલાવનાર દંપતિ સહિત કુલ 13 જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં  હતાં. પોલીસે રોકડ તેમજ આઠ મોબાઈલ મળી કુલ રૂ.23,270 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ તાલુકાના વડતાલમાં આવેલ ખંભાતી ચાલી પાછળ રહેતાં ભીખાભાઈ મણીલાલ પરમાર અને તેની પત્નિ નંદાબેન ભીખાભાઈ પરમાર ગામમાં આવેલ ઈન્દિરાનગરી વિસ્તાર પાછળની ખુલ્લી જગ્યામાં વરલીમટકાનું જુગારધામ ચલાવતાં હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. જેથી પોલીસની ટીમે ગુરૂવારના રોજ બપોરના સમયે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો.

જ્યાં પોલીસને જોઈ નાસભાગ મચી હતી. જોકે, પોલીસે જગ્યા કોર્ડન કરી વરલીમટકાના જુગારના આંકડા લખતાં રાજેશભાઈ રાવજીભાઈ જાદવ, જયેશભાઈ પ્રતાપભાઈ પરમાર, અશોકભાઈ ડાહ્યાભાઈ પરમાર, રૂપિયાનો વહીવટ સંભાળતાં સુરેશભાઈ રાયસીંગભાઈ પરમાર તેમજ જુગારના આંકડા લખાવવા માટે આવેલાં સુરેશભાઈ રામુભાઈ દેવીપુજક, અભેસીંગ વાઘજીભાઈ પરમાર, વિજયભાઈ બચુભાઈ ઠાકોર, જીતુભાઈ જેણાભાઈ ચૌહાણ, સુરેશભાઈ રમેશભાઈ ચારેલ, સુરેશભાઈ સોમાભાઈ પરમાર અને રામભાઈ મોહનભાઈ બારીયાની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે પકડાયેલાં ઈસમોની પુછપરછ કરતાં આ જુગારધામ ભીખાભાઈ મણીભાઈ પરમાર અને તેની પત્નિ ચંદાબેન ભીખાભાઈ પરમાર ચલાવતાં હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે જુગારધામ ચલાવનાર દંપતિના ઘરે પહોંચી તે બંનેની અટકાયત કરી હતી. તેઓએ આ જુગારધામ છેલ્લાં ત્રણ વર્ષથી ચલાવતાં હોવાની કબુલાત કરી હતી. પોલીસે પકડાયેલાં તમામની અંગજડતીમાંથી રૂ.19,270 તેમજ આઠ મોબાઈલ કિંમત રૂ.4000 મળી કુલ રૂ.23,270 નો મુદ્દામાલ જપ્ત કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top