Dakshin Gujarat

વલસાડ ઓવરબ્રિજનાં કામમાં પોલમ-પોલ, ડામરનું કારપેટિંગ બે દિવસમાં જ ઉખડી ગયું

વલસાડ : વલસાડ(Valsad)ના ઓવરબ્રિજ(Over bridge) પર લગાવેલા પેવર બ્લોક(Block) તૂટી જતા અહીં ખાડા પડી ગયા હતા. જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠતા હતા. આ તકલીફ નિવારવા વલસાડ પીડબલ્યુડી(PWD) વિભાગ(Department) દ્વારા બે દિવસ અગાઉ ઓવરબ્રિજ પર ડામરનું કારપેટિંગ કરાયું હતુ. જોકે, આ ડામરનું કાર્પેટીંગ પાણી વગર જ ઉખડી જતાં હવે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળ્યો છે.

  • બ્રીજ પર ખાડા પડતા પીડબલ્યુડી દ્વારા બે દિવસ અગાઉ ડામરનું કારપેટિંગ કરાયું હતુ
  • કાર્પેટીંગ પાણી વગર જ ઉખડી જતાં વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો

વલસાડના રેલવે ઓવરબ્રિજ પર પડેલા મસમોટા ખાડાને કારણે અહીંથી મોટા વાહનો પસાર થતા સતત ટ્રાફિક જામનો પ્રશ્ન પણ સર્જાતો હતો. વરિષ્ઠ નાગરિકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલભર્યુ સાબિત થતું હતું. ઓવરબ્રિજની બન્ને બાજુ વશિયર અને અબ્રામા વિસ્તારમાં મોટી વસ્તી હોય તેઓ સતત વલસાડ સાથે જોડાયેલા છે અને તેમની અવરજવરમાં પણ મોટી તકલીફ પડી રહી હતી. જેની અનેક વખત રજૂઆત બાદ પીડબલ્યુડી દ્વારા અહીં ડામરનું લેયર બનાવાયું હતુ. જોકે, આ લેયર બે દિવસ પણ ટક્યું નથી. માત્ર બે જ દિવસમાં અહીં લગાવેલો ડામર પીગળી ગયો અને રોડ ઉખડી ગયો છે. જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ડામર ઉખડતા વાહન ચાલકોના ટાયરમાં ચોંટી રહ્યો છે. જો, અહીંના રોડનું કાયમી નિવારણ લાવવું જરૂરી બન્યું છે.

અગાઉ પણ પેવર બ્લોક પર પથરાયેલો ડામર ઉખડી ગયો હતો
વલસાડના ઓવરબ્રિજનો રોડ સતત તૂટતો હોવાની ફરિયાદના પગલે માર્ગ મકાન વિભાગ દ્વારા અહીં થોડા ભાગમાં પેવર બ્લોક નાખવાનો પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ મહદંશે સફળ પણ થયો, પરંતુ સમય જતાં કેટલાક બ્લોક તૂટી ગયા હતા. જેની મરામત માટે તેના પર સિમેન્ટના બદલે ડામર લગાવ્યો હતો. જે ઉખડી ગયો હતો. ભૂતકાળના અનુભવ બાદ પણ તેમણે અહીં ફરીથી ડામર લગાવાની ભૂલ કરી અને તે બે દિવસમાં ફરીથી ઉખડી ગયો છે.

Most Popular

To Top