Gujarat

વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, અનેક વિસ્તારમાં વીજળી ડુલ

વલસાડ: વલસાડમાં મેઘરાજા એ ફરી દસ્તક આપી છે. ગુજરાત રાજ્યમાં વરસાદના આગાહી વચ્ચે વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. વલસાડ શહેર સહિત અન્ય જીલ્લાઓમાં પણ વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો. મહારાષ્ટ્રમાં વરસાદનાં આગમન બાદ વલસાડમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેરનાં રાસ્તોં પાણી-પાણી થઇ ગયા હતા. આ ઉપરાંત શહેરના અનેક રેલવે ગળનાળામાં પણ પાણી ભરાયાં હતાં, જેથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

અનેક વિસ્તારોમાં વીજળી ડુલ
વલસાડમાં મધ્યરાત્રીએ પડેલા વરસાદનાં પગલે અને વિસ્તારોમાં વીજળી ડુલ થઇ ગઈ હતી. જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરીઓ સામે અનેક સવાલો ઊઠ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. શહેરમાં પ્રથમ વરસાદે જ વીજ કંપનીના કર્મચારીઓને દોડતા કરી દીધા હતા.

વરસાદનાં પગલે ખેડૂતોમાં ચિંતા
વલસાડમાં પડેલા વરસાદનાં પગલે કાળઝાળ ગરમી સામે લોકોને જરૂર રાહત થઈ હતી. પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે. હાલમાં કેરી અને ઉનાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતોમાં વરસાદના પગલે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ પાકમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

વલસાડ જિલ્લામાં મોન્સૂનની શરૂઆત
વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં મોન્સૂનની શરૂઆત થઈ હોવાના સંકેત આપ્યા છે. વલસાડ ડિઝાસ્ટર વિભાગની ટીમે જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી મોન્સૂને વલસાડ જિલ્લામાં દસ્તક દીધી છે.

રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમી પવનો શરૂ થયા
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં આગામી 15 જુનથી વરસાદના આગમન થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે તે પહેલા આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટીવીટી શરુ થઇ જશે. જેના પગલે વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ પવનની દિશા બદલાઇને દક્ષિણ-પશ્ચિમી પવનો શરૂ થશે. જેની અસરથી વાદળોનું પ્રમાણ વધવાની સાથે વાતાવરણના ઉપરના લેવલમાં ભેજનું પ્રમાણ વધવાથી 13 જૂનથી રાજ્યમાં ચોમાસુ પ્રવેશવાની શક્યતા છે. જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝાપટાથી હળવો વરસાદ પડ્યો છે.

Most Popular

To Top