Top News

More Posts

   The Latest

Most Popular

વર્ષ ૨૦૨૦ના આરંભથી જેની શરૂઆત થઇ હતી તે કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાનું ઉદગમસ્થાન મનાતા ચીનમાં ફરી એકવાર આ રોગચાળાની એક નવી લહેર શરૂ થઇ છે અને તેને કારણે નવેસરથી ત્યાંના શહેરો અને વિવિધ  વિસ્તારોમાં લૉકડાઉન જેવા નિયંત્રણો મૂકાઇ રહ્યા છે. આમ પણ ચીનની સખત ઝીરો કોવિડની નીતિને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક શહેરોમાં સખત નિયંત્રણો મૂકાયા જ હતા અને તે પણ કેસોનું પ્રમાણ ખૂબ ઓછું હોવા છતાં, જ્યારે  હવે કેસો ફરીથી વધ્યા છે ત્યારે નવેસરથી નિયંત્રણો મૂકવાની ચીનની સરકારને ફરજ પડી રહી છે, જે સરકારે હાલ થોડા સમય પહેલા જ અકળાયેલી જનતાને ખાતરી આપી હતી કે તે નિયંત્રણો હળવા કરવાનું શરૂ કરશે પરંતુ શરૂ થયેલી  નવી લહેરે સરકારને ફરીથી નિયંત્રણો લાદવાની ફરજ પાડી છે.

જ્યારે આખા વિશ્વમાં કોરોનાવાયરસનો આ રોગચાળો પુરો થઇ ગયો હોય તેવી સ્થિતિ છે ત્યારે ચીનમાં નિયંત્રણો હજી ચાલુ છે અને ત્યાં નવી શરૂ થયેલી લહેર ચિંતા તો જન્માવે  તેવી છે જ પરંતુ ચીનની ઝીરો કોવિડ નીતિની અસરકારકતા સામે પણ પ્રશ્નો જન્માવે છે. જો કે કોવિડનો ચેપ હવે બહુ ઘાતક રહ્યો નથી અને ચીન વધારે પડતી સખતાઇ વાપરી રહ્યું છે તે પણ એક વાસ્તવિકતા જણાય છે. ચીનના આ કોવિડ  નિયંત્રણો ફક્ત સ્થાનિક પ્રજાને જ અકળાવે છે તેવું નથી, વિશ્વભરમાં તેની આર્થિક અસરો થઇ શકે છે એમ નિષ્ણાતો જણાવે છે.

ચીનમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં ૨૫૩૦૦૦ કરતા વધુ કોરોનાવાયરસના કેસો મળી આવ્યા છે અને દૈનિક સરેરાશ વધી રહી છે એમ સરકારે આ મંગળવારે જણાવ્યું હતું, જેને કારણે સરકારી અધિકારીઓ પર દબાણ વધ્યું છે જેઓ લાખો લોકોને  ઘરોમાં ગોંધી રાખનાર નિયંત્રણો હળવા કરીને આર્થિક નુકસાન ઘટાડવા પ્રયાસો કરી રહ્યા છે. શાસક કોમ્યુનિસ્ટ પાર્ટીએ આ મહિનાની શરૂઆતમાં વચન આપ્યું હતું કે તે નિયંત્રણોને વધુ છૂટછાટવાળા બનાવીને તેની ઝીરો-કોવિડ વ્યુહરચનાને  કારણે થયેલો ખોરવણીઓ ઘટાડવાનું વચન આપ્યું હતું.

પરંતુ ચીનમાં કોવિડ-૧૯ના રોગચાળાની નવી લહેરે આ બાબતને પડકાર ફેંકયો છે, અને આ લહેરની કારણે બૈજિંગ સહિતના મોટા શહેરોમાં ગીચ વસ્તીવાળા વિસ્તારો, સ્ટોરો અને  કચેરીઓ બંધ કરવાની ફરજ પડી છે અને ફેકટરીઓને તેમના કર્મચારીગણને બહારના સંપર્કથી અલાયદા રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. ચીનના આ નિયંત્રણોની આર્થિક અસરો દુનિયાભરમાં થશે એવો ભય સેવવામાં આવે છે. ચીન  એ વિશ્વનો સૌથી મોટો વેપારી દેશ છે અને તેના એશિયન પાડોશીઓ માટે ટોચનું બજાર છે.

ચીનમાં ગ્રાહકો  તરફથી અને/અથવા ફેકટરીઓ તરફથી માગ ઘટે તો તેનાથી ઓઇલ અને અને અન્ય કાચી સામગ્રીના વૈશ્વિક વેપારને અસર થઇ  શકે છે. ચીન એ ખનિજ તેલનું સૌથી મોટું આયાતકાર છે. બીજી પણ અનેક વસ્તુઓની તે આયાત કરે છે. ખાસ કરીને પોતાના ઉદ્યોગો માટે મોટા પ્રમાણમાં કાચી સામગ્રી તરીકે તે અનેક વસ્તુઓ અને કાચી ધાતુઓ વિશ્વના વિવિધ દેશોમાંથી  આયાત કરે છે અને જો ચીનના કારખાનાઓ અને ઉદ્યોગો બંધ રહે તો આ સામગ્રીના નિકાસકાર દેશોની નિકાસને ફટકો પડી શકે છે.

બીજી બાજુ કોમ્પ્યુટર ચીપ્સ અને અન્ય ઔદ્યોગિક સાધનો તથા કન્ઝ્યુમર સામાનના વૈશ્વિક પુરવઠા પર પણ  અસર થઇ શકે છે. ચીન મોબાઇલ ફોન્સ સહિતના અનેક ઇલેકટ્રોનિક્સ સાધનોનો મોટો ઉત્પાદક દેશ છે, દુનિયાભરના દેશો ચીનમાંથી ઇલેકટ્રોનિક સામાન મંગાવે છે, વિવિધ પ્રકારની યંત્ર સામગ્રી અને અન્ય વસ્તુઓ મંગાવે છે અને ચીનના  નિયંત્રણોને કારણે આ વસ્તુઓનો પુરવઠો ખોરવાઇ શકે છે. ચીનથી આયાત થતી યંત્ર સામગ્રીનો પુરવઠો ખોરવાઇ તો અન્ય દેશોના કેટલાક ઉદ્યોગોને પણ અસર થઇ શકે છે.

ચીનના બંદરો પર પ્રવૃતિઓ ખોરવાય તેનાથી વૈશ્વિક વ્યાપાર  ખોરવાઇ શકે છે. સોમવારે વૈશ્વિક શેરબજારો ગગડ્યા હતા તેના માટે ચીનના નિયંત્રણોની ચિંતાઓ પણ જવાબદાર હોવાનું મનાય છે. રોકાણકારોને ચીનમાં ઘટતી માગની ચિંતા છે.

ચીન એ આજે દુનિયાભરમાં એક બિલકુલ અવગણી નહીં શકાય તેવો ઔદ્યોગિક અને વેપારી દેશ બની ગયો છે. તેની આયાતો ઘટે કે નિકાસો ઘટે તેની અસર વિશ્વભરના બજારો પર થાય તે અંગે કોઇ શંકા નથી. ચીનની ખનિજ તેલની આયાત ઘટે તો ખનિજ તેલના નિકાસકાર દેશોની આવકમાં મોટી ઘટ સર્જાય, તેની કાચી ધાતુઓની આયાત ઘટે તો આ ધાતુઓના નિકાસકાર દેશોની નિકાસ પર મોટી અસર થાય. ચીન અનેક પ્રકારની યંત્ર સામગીનું ઉચ્પાદન કરે છે, આપણા સુરતનું જ ઉદાહરણ લઇએ તો અહીંના ટેકસટાઇલ્સ ઉદ્યોગમાં ચીનથી આયાત થતી યંત્ર સામગ્રીનો નોંધપાત્ર પ્રમાણમાં ઉપયોગ થાય છે. ફરી એક વાર કહીએ તો ચીન આજે એક અવગણી નહીં શકાય તેવો ઔદ્યોગિક અને વેપારી દેશ બની ગયો છે અને તેના સખત કોવિડ નિયંત્રણોની અસર વિશ્વના અર્થતંત્ર પર થઇ શકે છે અને થવા પણ માંડી છે.

To Top