Gujarat Election - 2022

ઉત્તર ગુજરાતમાં ભાજપનું એપી સેન્ટર મહેસાણા બેઠક પર નવાજૂનીનાં એંધાણ

ગાંધીનગર : મહેસાણામાં ભાજપ હાઈકમાન્ડે નીતિન કાકાને પડતા મૂકીને મુકેશ પટેલને ટિકિટ આપી છે, કોંગીના પી.કે.પટેલ સાથે આપના ભગત પટેલ પણ મેદાનમાં છે. આખા દેશમાં 1990ના દાયકામાં જયારે ભાજપ પાસે વિધાનસભાની બે બેઠકો હતી ત્યારે તેમાં મહેસાણા બેઠક પર ભાજપનો વિજય થયો હતો. મહેસાણાને આમ તો રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર પણ મહેસાણા જિલ્લામાં આવેલુ છે. પૂર્વ સીએમ આનંદીબેન પટેલને જેના કારણે ગાદી છોદવી પડી તે પાટીદાર આંદોલનના બીજ પણ મહેસાણામાં જ રોપાયા હતા. 1990થી એટલે છેલ્લી સાત ચૂંટણીથી આ બેઠક ભાજપ પાસે જ રહી છે, જો કે આ વખતે ભાજપના હાઈકમાન્ડે વર્તમાન ધારાસભ્ય નીતિન પટેલને ટિકીટ આપવાનો ઈન્કાર કરીને પાર્ટીના મહેસાણા જિલ્લાના સંગઠનના પ્રમુખને ટિકીટ આપી છે. જેના કારણે આ બેઠક હવે હોટ બેઠકોની યાદીમાં આવી જવા પામી છે. 2017ની ચૂંટણીમાં મહેસાણા જિલ્લાની  7 બેઠકોમાંથી 5 ભાજપને અને 2 બેઠકો કોંગ્રેસને મળી હતી. દૂધ સાગર ડેરીમાં પૂર્વ ગૃહ રાજય મંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડની ગેરરિતીના કારણોસર ધરપકડ થઈ જતાં, હવે આંજણઆ ચૌધરી સમાજના મતો મેળવવા માટે રાજકીય ખેલ શરૂ થયો છે. તાજેતરમાં અર્બુદા સેનાના રાત્રે મળેલા એક સંમેલનમાં અર્બુદા સેના સાથે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે બેઠક કરીને સમાજના આગેવાનોને મનાવી લીધા હતા. જેના પગલે વિપુલ ચૌધરીએ જેલમાંથી આપના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી નથી. જયારે અર્બુદા સેનાએ એવુ જાહેર કર્યુ હતું કે અમે કોઈ પણ પક્ષનો પ્રચાર કરીશુ નહીં.આ કારણોસર આંજણા ચૌધરી સમાજની અંદર જે ઘુંઘવાટ છે, તે કોને ફાયદો કરાવશે, તે કહેવુ મુશ્કેલ છે.      

1962માં જે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી તેમાં  મહેસાણા વિધાનસભાની બેઠક પર પ્રથમ ધારાસભ્ય તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા ઉમેદવાર શાંતાબેન પટેલ ચૂંટાઈ આવ્યા હતા. મહેસાણા વિધાનસભાની ચૂંટણીઓ અત્યાર સુધી 14 વખત યોજાઈ ચૂકી છે. જેમાં મતક્ષેત્રને બે મહિલા સહિત 9 ધારાસભ્યો મળ્યા છે. વર્ષ 1962થી 1990 સુધી સ્વતંત્ર પાર્ટી સહિત કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 1990થી રાજકીય સમીકરણ બદલાતાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ બનાવી દીધો છે. 1990માં યોજાયેલ મહેસાણા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી આવતાં અને ભાજપના ઉમેદવાર ખોડાભાઈ પટેલે પહેલી વખત વિજેતા બન્યા હતા. ત્યારબાદ વર્ષ 1995 અને વર્ષ 1998માં યોજાયેલી ચૂંટણીઓમાં સળંગ બે ટર્મ સુધી ખોડાભાઈ પટેલ જીત્યા હતા. આ દરમિયાન મહેસાણા બેઠક પર ભાજપની પકડ મજબૂત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2002 અને વર્ષ 2007માં અનીલ પટેલને ટિકિટ અપાઈ હતી અને તેઓ પણ વિજયી બન્યા હતા.

Most Popular

To Top