Gujarat Election - 2022

જાહેર વાત ખાનગીમાં

પાર્ટીના નાણાંમાંથી મોટી રકમ કાઢી લેવામાં આવી અને ઉમેદવારે પૂછ્યું તો કહેવાયું કે ટિકીટ આપવાની ફી છે
ચૂંટણી આવે એટલે અનેક નેતાઓને કમાવવાનું દેખાઈ આવે છે. જોકે, આ વાત લોકસભાની ચૂંટણી વખતની છે પરંતુ હાલમાં તેનો ગણગણાટ બહાર આવ્યો છે. વાત એમ છે કે, એક રાજકીય પક્ષ દ્વારા ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યો. ઉમેદવાર દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો અને પાર્ટી દ્વારા તેને નાણાં પણ મોકલવામાં આવ્યા પરંતુ જ્યારે નાણાં મોકલાયા ત્યારે તેમાંથી કેટલીક રકમ કાઢી લેવામાં આવી હતી. જે રકમ કાઢી લેવામાં આવી તે રકમ પણ મોટી હતી. જ્યારે ઉમેદવાર દ્વારા આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમને ટિકીટ અપાવવામાં આવી તેની આ ફીસ છે. જવાબ સાંભળીને ઉમેદવાર અચંબામાં પડી ગયા. આવી જ સ્થિતી હાલની વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે.

મંદિર તેમજ સંપ્રદાય વિશે નેગેટિવ વાતો કરનાર નેતાને હવે ઉમેદવાર બન્યા બાદ આ તમામ વાતો હવે ભારે પડી રહી છે
ચૂંટણી પહેલા એક પાર્ટીના નેતા દ્વારા મંદિરો તેમજ વિવિધ સંપ્રદાયો વિશે અનેક નેગેટિવ વાતો કરવામાં આવી હતી. ત્યાં સુધી કે આ વાતોના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પણ મુકવામાં આવ્યા હતા. જોકે, ઉમેદવાર બની ગયેલા આ નેતાને હવે પ્રચારમાં પરસેવો પડી રહ્યો છે. તેમાં પણ લોકો તેમનો જૂનો વિડીયો વાઈરલ કરી રહ્યા હોવાથી આ ઉમેદવાર માટે સંકટ ઊભું થઈ ગયું છે. હવે આ ઉમેદવાર પોતાના પ્રચાર દરમિયાન જ્યાં પણ મંદિર દેખાય ત્યાં માથું ટેકવા માટે જઈ રહ્યા છે. ત્યાં સુધી કે જે સંપ્રદાય માટે કહ્યું હતું તે સંપ્રદાયના સંતોને પણ મળી રહ્યા છે. કહે છે કે ચૂંટણી ભલભલાને નીચા નમાવી દે છે, જે આ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે.

Most Popular

To Top