Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભા 2022ની ચૂંટણીમાં (Election) કોંગ્રેસની (Congress) કારમી હાર થઈ છે. હારના કારણો જાણવા માટે કોંગ્રેસ દ્વારા રચવામાં આવેલી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના સભ્યો આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. વિધાનસભાના પરિણામો અંગે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના સભ્યો આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારો સાથે મુલાકાત કરશે અને હારના કારણો જાણવા પ્રયાસ કરશે.

પ્રદેશ કોંગ્રેસના ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આવતીકાલે 17મી જાન્યુઆરી 2023ના રોજ કમિટીના સભ્યો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે સુરત, વલસાડ, નર્મદા, નવસારી, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, કચ્છ, સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને રાજકોટ જિલ્લાના ઉમેદવારો સાથે મુલાકાત કરશે.

ગુજરાત વિધાનસભા-22ની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે, અને માત્ર 17 બેઠકો ઉપર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ સમિતિ દ્વારા પણ હારના કારણો જાણવા માટે કમિટીએ જુદા જુદા પાંચ ઝોનમાં ઉમેદવારો સાથે મુલાકાત કરી અને હારના કારણો જાણવા પ્રયાસ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો પાસેથી હારના કારણો જાણવા પ્રયાસ કરાયો ત્યારે લગભગ મોટાભાગના ઉમેદવારોએ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને અંદરો અંદરની લડાઈને કારણે હાર થઈ હોવાનું એક કારણ રજૂ કરાયું હતું. તેમજ કોંગ્રેસના જ પાયાના કાર્યકરો છેલ્લા દિવસોમાં કોંગ્રેસ વિરુદ્ધમાં ગયા હોવાની પણ વ્યાપક રજૂઆતો ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં તો પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પર જ સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે, આવતીકાલથી ફેકટ ફાઈન્ડિંગ કમિટીના સભ્યો ગુજરાતમાં વિધાનસભા 2022ના પરિણામોના કારણો શોધવા ઉમેદવારોને મળવાના છે, ત્યારે કયા નવા કારણો બહાર આવે છે તેના પર સૌની નજર રહેલી છે.

To Top