Vadodara

આકાશી પર્વે દિવસે પતંગે અને રાત્રે આતશબાજીએ રંગ જમાવ્યો

વડોદરા : સમગ્ર ગુજરાતમાં વડોદરાની ઉત્તરાયણ કંઈક અલગ જ હોય છે. વડોદરામાં પવન સાથે શહેરીજનોએ ઉત્તરાયણની મજા માણી હતી.વડોદરામાં ઠેરઠેર અગાસીઓ પર સૌએ પરિવાર અને મિત્ર વર્તુળ સાથે ઉત્તરાયણની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.તો વિદેશમાં વસતા એનઆરઆઈ પણ હંમેશા વડોદરાની ઉત્તરાયણ માણતાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ વિદેશથી લોકો પોતાના વતન વડોદરામાં ખાસ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે વડોદરા આવ્યા હતા. સાંજ પડે આકાશમાં ફટાકડા આતશ બાજી કરતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

ઉત્સવપ્રિય નગરી વડોદરામાં ભારે ઉત્સાહપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી.અમદાવાદ બાદ વડોદરાની ઉત્તરાયણ પણ દેશ વિદેશમાં વખણાય છે.અહીં ઉત્તરાયણ મનાવવા દૂર દૂર રહેતા લોકો પણ વતનમાં આવે છે. ન માત્ર અલગ શહેર કે રાજ્યમાં રહેતા પરંતુ અલગ અલગ દેશોમાં રહેતા એનઆરઆઈ પણ ઉત્તરાયણ મનાવવા પોતાના વતન વડોદરા આવે છે. તો બીજી તરફ શહેરના સાંસદ ધારાસભ્યો કોર્પોરેટરો તમામ પક્ષના હોદ્દેદારો સહિત સરકારી અધિકારીઓ કર્મચારીઓએ પણ પોતાના પરિવાર સાથે આકાશી યુદ્ધમાં જોડાઈ પેચ લડાવી ઉત્તરાયણ પર્વની રંગેચ અંગે ઉજવણી કરી હતી.

તો ખાસ કરીને વડોદરા ધર્મ પ્રિય અને સંસ્કારી નગરીના નગરજનોએ ઉત્તરાયણના દિવસે વહેલી સવારે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ગાયમાતાને ઘૂઘરી ખવડાવી હતી.તો કેટલાકે મંદિરોમાં દર્શન કરીને ગરીબોને ફળ ફળાદી,ભોજન , ચીકી સહિતની ચીજ વસ્તુઓનું દાન કર્યું હતું.શહેરના વિવિધ મંદિરોમાં મોડી સવાર સુધી દાન-પૂણ્ય કરનારાઓની ભારે ભીડ જોવા મળી હતી.માંડવી અંબા માતાના મંદિર ખાતે લોકોનો ભારે ધસારો રહ્યો હતો.મંદિરોની બહાર ભીક્ષુકોનો પણ ભારે ધસારો જોવા મળ્યો હતો.તો બીજી તરફ લોકોએ ટેરેસો ઉંધીયુ જલેબીની જયાફત માણી હતી.ઉત્તરાયણના બે દિવસ પવન એ પણ સાથ આપતા પતંગ રસીકોનો ઉત્સાહ બેવડાવ્યો હતો લપેટ લપેટ કાપ્યો છે કાપ્યો છે ની બૂમો પાડી ટેરેસ ગજવી મૂકી હતી. સાંજ પડતાની સાથે જ વડોદરાની ઉપર ખુલ્લા આકાશમાં ફટાકડા અને આતશબાજી કરતા ઉત્તરાયણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

કબુતર, પોપટ, કાગડો, સમડી, બગલો, ઘુવડ સહિતના પક્ષીઓ ઇજાગ્રસ્ત : 8 મોત
વડોદરા શહેર જિલ્લામાં ઉત્તરાયણના તહેવારોમાં પતંગની દોરીથી કબૂતર, પોપટ ,કાગડો,સમડી,બગલો, ઘૂવડ જેવા 400 થી વધુ પક્ષીઓ ઘવાયા હતા.ઉત્તરાયણના દિવસે વનવિભાગમાં 289 ઘવાયેલા પક્ષીઓ નોંધાયા હતા.જ્યારે બીજા દિવસે 127 પક્ષીઓ ઈજાગ્રસ્ત લવાયા હતા.જેમાંથી અત્યાર સુધીમાં 141 કબૂતર અને અન્યમાં સમડી ,બગલો ,ચકલી , કાગડો અને ઘુવડનો સમાવેશ થાય છે.ગાંધીનગર ગૃહ ખાતે લાગેલા કેમ્પમાં દોરાથી ઈજાગ્રસ્ત થયેલા 46 પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.જેમાં કબુતર ,કાગડો અને સમડીનો સમાવેશ થાય છે.જ્યારે 8 પક્ષીઓના મોંત થયા હતા.નોંધનીય છે કે દરવર્ષની જેમ આ વર્ષે પણ કરુણા અભિયાન અંતર્ગત અબોલ ઘાયલ પક્ષીઓને બચાવવા માટે 700 કર્મયોગીઓ તૈનાત કરવામાં આવ્યા છે.અને આ અભિયાન આગામી 20 જાન્યુઆરી સુધી ચાલશે.

ઉત્તરાયણના દિવસે જ પતંગની દોરીથી ગળુ કપાઈ જતા બાઈકચાલકનું મોત
વડોદરા: વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રારંભે થી જ આ અકસ્માતની ઘટનાની શરૂઆત થઈ હતી.જે સિલસિલો યથાવત રહેવા પામ્યો હતો. પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે છતાં પણ શહેરમાં ચાઈનીઝ દોરીથી પતંગો ઉડી રહી હોવાથી નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉત્તરાયણના દિવસે જ શહેરના છાણી દશરથ હાઇવે ઉપર બાઈક ચાલકને ગળે દોરી આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું અત્યાર સુધીમાં દોરીથી મોત થયું હોવાનો આંક ત્રણ ઉપર પહોંચ્યો હતો.

વડોદરા શહેરમાં વર્ષ 2023 ના પ્રથમ દિવસેથી જ દોરીથી ગળું કપાઈ જતા મોતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે.પ્રથમ ઘટનામાં વડોદરાના આરવી દેસાઈ રોડ પર બાઈક પર સવાર પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું દોરીથી ગળું કપાતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે બીજા બનાવમાં સમા કેનાલ પાસેથી પસાર થઈ રહેલા બાઇકસવાર મહેશ ઠાકુરના ગળે દોરી ફસાઈ ગઈ હતી.તેઓને પણ ગંભીર ઈજા થતા મોંત થયું હતું.જ્યારે ઉત્તરાયણના દિવસે જ શહેરના છાણી દશરથ હાઇવે પરથી રીન્કુ યાદવ પોતાનું ટુ-વ્હીલર લઈ પસાર થઈ રહ્યો હતો.દરમિયાન તેના ગળામાં પતંગની દોરીથી ઘસાતા ગળાના ભાગેથી લોહીના ફુવારા ઉડ્યા હતા અને તેનું ઘટના સ્થળે જ મોંત થયું હતું.બનાવને પગલે એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

તેમજ મૃતક રીન્કુ યાદવના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથધરી હતી. નોનિયા બાબત છે કે પહેલી જાન્યુઆરીથી જ શહેરમાં ચાઈનીઝ દોરીને કારણે પ્રથમ મોત થયું હતું જે બાદ બીજી એક મોંતની ઘટના બનતા શહેર પોલીસ સફાળા જાગી ઉઠી હતી અને પતંગ દોરીના વેપાર કરતાં વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી ચાઈનીઝ દોરી પકડવા સાથે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી જોકે તેમ છતાં પણ શહેરમાં ચાઈનીઝ દોરી થી જ કેટલાકે પતંગો ચગાવવાની મઝા માણી હતી.જ્યારે આવા અણસમજુ લોકોના કારણે ત્રણ પરિવારોમાં કોઈએ પિતા , પુત્ર તો કોઈએ ભાઈ ગુમાવવો પડ્યો હતો.

Most Popular

To Top