Gujarat

મોરબી દુર્ઘટના મામલે સરકારે કેમ હજુ માફી માંગી નથી?, ચિદમ્બરમે ઉઠાવ્યા સવાલ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જાહેર થયા બાદ પ્રચારનો માહોલ જામવા માંડ્યો છે. રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં પ્રચાર અર્થે આવવા લાગ્યા છે ત્યારે આજે કોંગ્રેસના (Congress) ટોચના નેતા પી. ચિદમ્બરમ (P Chidambaram) સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ પત્રકાર પરિષદને સંબોધી હતી. ચિદમ્બરે મોરબી બ્રિજ દુર્ઘટના (Morbi Bridge Collapse) મામલે સરકાર પર સીધું નિશાન તાક્યું હતું.

તેમણે કહ્યું કે, મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 લોકોના મોત થયા છે. આ ઘટનાએ ગુજરાતને વિશ્વભરમાં શરમમાં મુક્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ દુર્ઘટના માલે સરકાર તરફથી હજુ સુધી પ્રજાની કોઈ માફી માગવામાં આવી નથી. સરકારમાંથી કોઈએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું નથી. હું આશા રાખું છું કે હાઈકોર્ટ આ મામલા પર ગંભીરતાથી પ્રશ્નો ઉઠાવે.

તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી હારી જવાનો ડર હોય તો જ સરકાર લોકો માટે જવાબદાર રહી કામ કરે. તેથી જ લોકશાહીમાં લોકો દર થોડા વર્ષો પછી સરકાર બદલે છે. પરંતુ ગુજરાતમાં વીતેલા બે દાયકાથી એક જ સરકાર હોવાને લીધે ગુજરાતની પ્રજાએ ઘણું સહન કરવું પડ્યું છે. મોરબીની દુર્ઘટના પછી એ સ્પષ્ટ થયું છે સરકારમાં જવાબદારીનો સંપૂર્ણ અભાવ છે.

પી. ચિદમ્બરમે ચૂંટણી પંચની કાર્યપ્રણાલી પર પણ પ્ર્શ્નો ઉઠાવ્યા હતા. તેમણે ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવતા પૂછ્યું કે શું ચૂંટણી પંચ ભાજપને સમર્થન કરી રહ્યું છે? તેમણે સીધો જ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે. એટલા માટે જ હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી જાહેરાત અલગ કરવામાં આવી. કેમ હિમાચલ સાથે જ ગુજરાતની ચૂંટણી તારીખો જાહેર કરાઈ નહીં? મારી પી. ચિદમ્બરે ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે સરકાર બદલવા માટે મત આપો. તેઓએ ગુજરાતમાં બેરોજગારી અને સરેરાશ વેતન દર ઓછો હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

આ ઉપરાંત પી ચિદમ્બરમે વૈશ્વિક આર્થિક સ્થિતિ અંગે પત્રકારો સાથે ચર્ચા કરી હતી. પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, દેશમાં મંદી નહીં આવે. જોકે, વિકાસ ધીમો પડશે. વિદેશી રોકાણો ઘટશે. પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ દેશને બચાવી શકશે. સરકાર શું કરે છે તે જોવું રહ્યું. પી. ચિદમ્બરે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં થતાં રોકાણો તરફ પણ ઈશારો કર્યો હતો. તેઓએ કહ્યું કે, સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટમાં મળેલા રોકાણોના જે આંકડા બહાર પાડવામાં આવે છે તે ખોટા છે. વાસ્તવિક ચિત્ર અલગ છે.

Most Popular

To Top