Sports

T20 વર્લ્ડ કપની બંને સેમીફાઈનલમાં વરસાદ વિલન બનશે તો…

નવી દિલ્હી: હાલમાં T20 વર્લ્ડ કપ (T20 World Cup) ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા (Australia) માં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં વરસાદ (Rain) અત્યાર સુધીમાં અનેક વખત વિલન બની ચુક્યું છે. હવે T20 વર્લ્ડ કપ પૂર્ણ થવા આવ્યો છે. પ્રથમ રાઉન્ડ બાદ સુપર-12ની તમામ મેચો પૂર્ણ થઈ ગઈ છે. ટુર્નામેન્ટમાં હવે બે સેમી ફાઈનલ (SemiFinal) અને ફાઈનલ (Final) સહિત કુલ ત્રણ મેચ બાકી છે. 16 ટીમોમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ અંતિમ-4માં સ્થાન મેળવવામાં સફળ રહી છે. આવતી કાલે પ્રથમ સેમિફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ત્યારબાદ 10 નવેમ્બરનાં રોજ ભારત અને ઇંગ્લેન્ડની ટીમો બીજી સેમિફાઇનલમાં સામસામે ટકરાશે. પરંતુ બે સેમિફાઇનલ મેચોમાં જો વરસાદ પડશે તો…આવો વરસાદને લઇ ICCનાં નિયમો જાણીએ..

અત્યાર સુધીમાં વરસાદનાં કારણે 4 મેચો રદ થઇ
T20 વર્લ્ડ કપ જ્યારથી શરુ થયો છે ત્યારથી ટૂર્નામેન્ટમાં કુલ સાત મેચોમાં વરસાદ પડ્યો હતો. જે પૈકી ચાર મેચો રદ કરવામાં આવી હતી. ત્યારે હવે સેમીફાઈનલમાં વરસાદ પડવાની ચિંતા વધી ગઈ છે. સેમિફાઇનલ અને ફાઇનલ એમ બાકીની ત્રણ મેચમાં વરસાદ પડે તો? આ મામલે ICCએ સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે.

જો પહેલા દિવસે મેચ પુરી ન થાય તો…
વરસાદના કારણે જો પહેલા દિવસે મેચ પૂર્ણ નહીં થાય તો બીજા દિવસે ત્યાંથી મેચ શરૂ થશે. જો સેમી ફાઈનલના દિવસે મેચ પૂર્ણ ન થાય તો જે ઓવરમાં રમત બંધ થશે તે જ દિવસથી બીજા દિવસે શરૂ થશે. જો કોઈ ટીમ પ્રથમ 11 ઓવરમાં બે વિકેટે 80 રન બનાવી લે અને વરસાદના કારણે તે દિવસે મેચ રમાઈ ન શકે તો તે જ ટીમ બીજા દિવસે સમાન સ્કોર સાથે રમવાનું શરૂ કરશે. જો બીજા દિવસે પણ વરસાદ પડે અને મેચ પૂર્ણ ન થાય તો સુપર-12માં ટોચની ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે.

ભારતને આ રીતે થશે ફાયદો
ICCનાં નિયમ અનુસાર જો બીજા દિવસે પણ મેચમાં વરસાદ પડશે અને જો મેચ પુરી ન થાય તો સુપર 12માં ટોચની ટીમ ફાઈનલમાં જશે. જો આ રીતે જોઈએ. ન્યુઝીલેન્ડ સાત પોઈન્ટ સાથે ગ્રુપ-1માં અને ભારત ગ્રુપ-2માં આઠ પોઈન્ટ સાથે ટોચ પર છે. એટલે કે પ્રથમ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ અને બીજીમાં ભારતને ફાયદો થશે. આ રીતે ભારત અને ન્યુઝીલેન્ડ ફાઇનલમાં ટકરાશે.

ફાઈનલ માટે છે આ નિયમો
હવે સેમીફાઈનલ બાદ જો ફાઈનલમાં પણ વરસાદ પડયો તો ICCનાં નિયમ અનુસાર વરસાદ બાદ પરિણામ માટે મેચની ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવર જરૂરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોકઆઉટ મેચોમાં તેને 10-10 ઓવરની કરવામાં આવી છે. ફાઇનલ મેચ રવિવારે (13 નવેમ્બર) યોજાવાની છે. જો વરસાદના કારણે મેચનો નિર્ણય લેવામાં નહીં આવે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપમાં ક્યારેય સંયુક્ત વિજેતા બન્યું નથી.

Most Popular

To Top